Entertainment

ગોલમાલ 5ની રિલીઝ ડેટ જાહેર, 8 જાન્યુઆરી 2027એ થિયેટરમાં પરત ફરશે રોહિત શેટ્ટીની હિટ કોમેડી ફ્રેન્ચાઇઝી

બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ના ચાહકો માટે મોટી ખુશખબર સામે આવી છે. રોહિત શેટ્ટીની બહુચર્ચિત ફિલ્મ ‘ગોલમાલ 5’ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે. ફિલ્મ 8 જાન્યુઆરી, 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા મારફતે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મની સાથે એક ટીઝર પણ રજૂ કરવામાં આવ્યો છે, જેના કારણે ચાહકોમાં ઉત્સુકતા વધી છે.

‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીની શરૂઆત વર્ષ 2006માં ‘ગોલમાલ: ફન અનલિમિટેડ’થી થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગણ, અરશદ વારસી, શર્મન જોશી અને તુષાર કપૂર જેવા કલાકારો જોવા મળ્યા હતા. ફિલ્મની સફળતા બાદ 2008માં ‘ગોલમાલ રિટર્ન્સ’, 2010માં ‘ગોલમાલ 3’ અને 2017માં ‘ગોલમાલ અગેઇન’ રજૂ થઈ હતી. હવે લગભગ એક દાયકા બાદ ફ્રેન્ચાઇઝી પાંચમા ભાગ સાથે ફરી મોટા પડદા પર પરત ફરી રહી છે.‘ગોલમાલ 5’માં ફરી એકવાર અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપડે જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે. ખાસ વાત એ છે કે શર્મન જોશી પણ ફ્રેન્ચાઇઝીમાં વાપસી કરી રહ્યા છે. આ ઉપરાંત અક્ષય કુમાર પણ ફિલ્મનો ભાગ બન્યા છે. અક્ષય કુમારના પાત્ર અંગેની સંપૂર્ણ વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

ફિલ્મની જાહેરાત સાથે રોહિત શેટ્ટીએ ચાહકો માટે મજેદાર સંદેશ પણ આપ્યો છે. તેમણે ફિલ્મને હાસ્ય, મજા, ખુશી અને પરિવાર સાથે જોડાયેલી મનોરંજનની સફર તરીકે રજૂ કરી છે. રિલીઝ ડેટ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ‘ગોલમાલ 5’ને લઈને ચર્ચા તેજ બની છે.‘ ગોલમાલ’ સિરીઝની ખાસિયત તેના પાત્રો, કોમિક ટાઇમિંગ અને ગૂંચવણભરી પરિસ્થિતિઓને કારણે રહી છે. અગાઉની ફિલ્મોમાં અજય દેવગણ અને તેમની ટીમની મસ્તી દર્શકોને પસંદ પડી હતી. હવે પાંચમા ભાગમાં જૂના કલાકારોની સાથે અક્ષય કુમારની એન્ટ્રીને કારણે ફિલ્મમાં નવી જોડણી જોવા મળશે.

‘ગોલમાલ અગેઇન’ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી અને ત્યાર બાદથી ચાહકો પાંચમા ભાગની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહનો અંત આવ્યો છે. ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ 8 જાન્યુઆરી 2027 નક્કી કરવામાં આવી છે.આ ફિલ્મ રોહિત શેટ્ટીની જાણીતી કોમેડી ફ્રેન્ચાઇઝીને આગળ વધારશે. 2027ની શરૂઆતમાં જ ‘ગોલમાલ 5’ સિનેમાઘરોમાં આવવાની હોવાથી ચાહકોમાં પહેલેથી જ ફિલ્મને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ફિલ્મની વાર્તા, ટીઝર અને અન્ય કલાકારોના પાત્રો અંગેની વધુ વિગતો ક્યારે સામે આવે છે તેના પર નજર રહેશે.

Most Popular

To Top