Columns

માણસાઈનો સંબંધ

એક શેઠાણી રૂપાળાં અને જાજરમાન. વળી પૈસાનું અભિમાન એટલે સામે જે મળે તેને પોતાનાથી ઉતરતા જ સમજે અને તરત જ નાની વાતમાં અપમાન કરી નાખે.કોઈની કે કોઈના કામની કદર ન કરે. બધે પોતાનો જ રૂઆબ અને પોતાનો જ કક્કો ખરો રાખે.નાના માણસોના તો કારણ વિના અપમાન કરે.નવી વહુ ભણેલી અને સંસ્કારી હતી. તેને સાસુનું આવું વર્તન ખટકતું, પણ કંઈ બોલી શકતી નહિ. શેઠાણી પોતાની નવી પરણેલી વહુને લઈને બજારમાં જવા નીકળ્યાં.બજારમાં ઘણી ખરીદી કરવાની હતી.ખરીદી કરી લીધા બાદ, ગરમી બહુ હતી એટલે શેઠાણી અને વહુએ શેરડીનો રસ પીધો અને પછી ઘરે જવા સાઈકલ રીક્ષા કરી, શેઠાણીએ ભાવમાં રકઝક કરી અને રીક્ષાચાલકને જેમ તેમ બોલતાં કહી દીધું કે તમે તો લોકોને લૂંટો છો.રીક્ષાવાળો ચુપચાપ તેમની વાત સાંભળી રહ્યો.

શેઠાણીએ વહુને કહ્યું, સામાન રીક્ષામાં મૂક અને બેસ અને પછી પોતે બેઠાં. વળી બોલ્યાં, ‘જો જે ઝટકા ન લાગે તેમ ચલાવજે.ધોમધખતો તાપ હતો. રિક્ષાચાલક પરસેવે રેબઝેબ હતો.પરસેવો લૂછી તેણે રીક્ષાને પેડલ મારી ખેંચવાનું શરૂ કર્યું.રીક્ષા ચલાવવામાં તેને ઘણી મહેનત પડી રહી હતી. પાંચ મીનીટમાં તો ફરી પરસેવે રેબઝેબ થઇ ગયો.
આગળ જતાં ટ્રાફિકમાં રીક્ષા ઊભી રહી. શેઠાણી બડબડ કરતાં હતાં કે કેટલી ધીમી રીક્ષા ચલાવે છે.સાવ નમાલો છે. આજકાલ કોઈને મહેનત કરવી જ નથી.કારણ વિના શેઠાણી રીક્ષાચાલકનું અપમાન કરી રહ્યાં હતાં. તે નવી વહુથી જોવાયું નહિ.તેણે વિચાર્યું કે હવે કૈંક તો કરવું જ જોઈએ.

નવી વહુએ પોતાની પાસેની પાણીની બોટલ રીક્ષાચાલક તરફ ધરીને કહ્યું, ‘ભાઈ પાણી પી લો. બહુ તડકો છે.’રિક્ષાચાલકે ના પાડી, પણ વહુએ આગ્રહ કરીને પાણી પીવડાવ્યું. શેઠાણીને ગમ્યું નહિ, પણ કંઈ બોલ્યાં નહિ.નવી વહુએ પોતાના પર્સમાંથી નેપકીન કાઢીને રીક્ષાચાલકને આપ્યો. આ જોઇને શેઠાણીનો મગજ ગયો. હજી કંઈ બોલવા જાય ત્યાં ટ્રાફિક શરૂ થયો. રીક્ષા ચાલક રિક્ષાને પૂરી તાકાતથી પેડલ મારી ચલાવવા લાગ્યો અને વહુએ પોતાની તડકાથી બચવા સાથે રાખેલી ફોલ્ડીંગ છત્રી ખોલી અને રીક્ષા ચાલકના માથે તડકો ન આવે તે રીતે પકડી.રીક્ષા ચાલક જોતો જ રહ્યો. તેની આંખમાં પાણી આવી ગયાં અને શેઠાણી સાસુમાની આંખો ગુસ્સાથી લાલચોળ થઇ ગઈ.

તે બોલ્યાં, ‘વહુ, આ શું માંડયું છે? આ મામૂલી રીક્ષાવાળો શું તમારો ભાઈ થાય છે. મોટા ઘરની વહુ થઇ તેની પર છાંયો લાવવા છત્રી ખોલીને પકડો છો, તમારી નહિ, પણ અમારી ઇજ્જતનું ભાન છે કે નહિ.’વહુ ધીમેથી બોલી, ‘મા, મેં તો માણસાઈનો સંબંધ નિભાવ્યો છે.માણસાઈના સંબંધે તે મારો ભાઈ જ થાય છે.મેં તો તેમની મહેનતનું સન્માન કર્યું છે.’વહુનો જવાબ સાંભળી સાસુ ચૂપ થઇ ગયાં.

Most Popular

To Top