SURAT

રાંદેરના ગોરાટ હનુમાન મંદિર પાસે અશાંતિ ફેલાવનારા અસામાજિક તત્વો સામે ફરિયાદ

સુરત: ગોરાટ હનુમાન ભક્તમંડળ દ્વારા તેમના વિસ્તારમાં અશાંતિ ફેલાવનારાં 15 તત્ત્વો સામે કાર્યવાહી કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી સિટી પ્રાંત સામે પગલાં ભરવા માંગણી કરી છે. ગોરાટ હનુમાન મંદિર નજીક ખોટી રીતે આપેલી મંજૂરીઓ પણ રદ કરવા મહેસૂલ વિભાગના અગ્ર સચિવ સમક્ષ દાદ માંગવામાં આવી છે.

રાંદેર તાડવાડી વિસ્તારમાં અશાંતધારા વિસ્તારની સ્થાવર મિલકત તબદીલી પર પ્રતિબંધ મૂકવા માટે વારંવાર માંગણી કરાઈ છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શ્રી ગોરાટ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિના લીગલ કન્વીનર કાંતિભાઈ રાંદેરિયાએ મંગળવારે ગોરાટ હનુમાન ભક્તમંડળના સભ્યો અને સ્થાનિક લોકો સાથે મળી કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે, અડાજણ વિસ્તારને અશાંતધારા હેઠળ સમાવાયો છે. અને 15 માણસોએ આ વિસ્તારમાં બિનખેતી મંજૂરી લઈ તથા અશાંતધારાની મંજૂરી લઈને પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગોરાટ હનુમાન મંદિર નજીક ખોટી રીતે અશાંતધારાની પરવાનગી આપવામાં આવી છે. સંબંધીત વિભાગોએ આ માટે વિવાદસ્પદ અભિપ્રાય આપ્યો હોવાના પણ આક્ષેપ કરાયા છે. જેની તપાસ કરવા માંગણી કરાઈ છે.

સિટી પ્રાંત કચેરીમાં પૈસા ફેંક તમાશા દેખ! રૂપિયાના ઢગલો કરો તો જોઈએ તેવા હુકમ
સિટી પ્રાંત કચેરીના નાયબ કલેક્ટર જી.વી.મીયાણીની છાપ અત્યાર લગી કડક અને તટસ્થ અધિકારીની હતી. તેમના સમય દરમિયાન ભાગ્યે જ કોઇ વિવાદ થયો હતો. પરંતુ વિતેલા ચારેક મહિનાથી આ કચેરીનો કારભાર શંકાપ્રેરક બની ગયો છે. એક જ વિસ્તારની અનેક મિલકતોની અશાંતધારાની પરવાનગી પેન્ડિંગ છે. તો તેની સામે અમુક મિલકતોની પરવાનગી ગણતરીના કલાકોમાં મળી રહી છે. આ માટે કેટલાક નાયબ મામલતદારો લાખો રૂપિયા ઘરભેગા કરી સરકારની પ્રતિષ્ઠા ખરડી રહ્યા છે.

એકવખત નકારાત્મક અભિપ્રાય બીજી વખતે કેવી રીતે પોઝિટિવ થાય એ તપાસનો વિષય
સુરત શહેરમાં અશાંતધારા વિસ્તારમાં પોલીસમથકનો એકવખતનો અભિપ્રાય નકારાત્મક આવી ગયા બાદ ફેર અભિપ્રાય મંગાવવામાં આવે છે. સિટી પ્રાંત કચેરીના કેટલાક કરપ્ટ ચહેરાઓએ આ નવી પ્રથા શરૂ કરાવી હતી. અને ફેર અભિપ્રાય મંગાવવાનો શિરસ્તો થયો હતો. અશાંતધારાના અભિપ્રાય પોલીસ ભૌગોલિક સીમાડાઓ જોઇ આપે છે. આજુબાજુની મિલકતો, વસાહતો, રહેણાકમાં રહેતા લોકો વગેરેના જવાબો પણ લે છે. પરંતુ એકવખત નેગેટિવ બાદ બીજી વખત કયો જાદુ ચાલે છે કે અભિપ્રાય પોઝિટિવ થઇ જાય છે. આ પણ એક તપાસનો વિષય છે.

Most Popular

To Top