SURAT

સુરતમાં આ શું થઈ રહ્યું છે? વધુ બે માસૂમ બાળકીના ઝાડા-ઉલ્ટી બાદ મોત

સુરત: વેસુમાં આભવા ચોકડી નજીક અવધ એરફોલ નામની નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા મજૂર ની 7 વર્ષીય બાળકી અને પાંડેસરા માં 4 વર્ષની શ્રમજીવી બાળકીનું તાવ અને ઝાડા-ઉલટી માં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ 12 કલાકથી ઓછા સમયમાં ઝાડા-ઉલટી થવાથી મોત નિપજતા હોવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રસિયાભાઈ ભુરીયા (મૃતક પાર્વતીના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ કન્ટ્રક્શન લાઈનમાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. બે મહિના પહેલા જ રોજગારી અર્થે મધ્યપ્રદેશથી સુરત આવ્યા હતા. પરિવારમાં 3 દીકરી અને બે દીકરા છે. રાતે 1 વાગ્યે અચાનક પાર્વતી ને ઝાડા ઉલટી શરૂ થઇ ગયા હતા. થોડી રાહત થતાં સુવડાવી દીધી હતી. જોકે સવારે ઉંઘમાંથી ન ઊઠતા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં પાર્વતીને મૃત જાહેર કરવામાં આવી હતી.

જયારે મોહનભાઈ ગાવીત (માસુમ તારાના પિતા) એ જણાવ્યું હતું કે, તેઓ મૂળ MP ના રહેવાસી છે એક મહિના પહેલા જ સુરત કામકાજની શોધમાં આવ્યા હતા. મજૂરી કરી પરિવાર સાથે પેટ ભરતા હતા. આજે સવારે અચાનક તારા ની તબિયત લથડી તો નજીકના મેડિકલ સ્ટોર પરથી દવા લાવી પીવડાવી હતી. ત્યારબાદ બપોરે 12:30 વાગે ફરી તાવ આવતા દવા પીવડાવી ને તારાનો શ્વાસ ચઢવા લાગ્યો હતો. દોડીને સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. તારા પરિવારમાં મોટી દીકરી હતી.

મંગળવારે બે બાળકોના ઝાડા ઉલટીના લીધે મોત થયા હતા
આ અગાઉ મંગળવારે પણ સુરતમાં ઝાડા ઉલટી બાદ બે બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. ડીંડોલીના 2 વર્ષના રુદ્રાક્ષ અને પાંડેસરા ના 6 વર્ષના વિકાસનું ઝાડ-ઉલ્ટીમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માસુમ વિકાસના પરિવારે કહ્યું હતું કે રાત્રે 3 વાગે ઝાડ-ઉલટી થયા બાદ સવારે સિવિલ લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કર્યા છે. જ્યારે માસુમ વિકાસના માતા-પિતા ને પણ ઝાડ-ઉલટી ની સારવાર હેઠળ દાખલ કરવાની ફરજ પડી છે.

આ અગાઉ ત્રણ દિવસ પહેલા બે બાળકો અને એક આધેડ મહિલાનું પાણીજન્ય રોગના લીધે મોત નિપજ્યું હતું. પાંડેસરા ગણેશનગરમાં 7 વર્ષની બાળકીને ઝાડા-ઉલટીઓ થતા પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

ઝાડા ઉલટી બાદ પાંડેસરાની સગર્ભા મહિલાને કોલેરા થયો
ઝાડા ઉલટીની ફરિયાદ બાદ પાંડેસરામાં રહેતી નીતુ વર્મા નામની સગર્ભા મહિલાને ઝાડા ઉલટીની સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરાઈ હતી. અહીં તેનો બ્લડ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેમાં મહિલાને કોલેરા થયો હોવાનું બહાર આવ્યું હતું. દર્દી નીતુ વર્માના પતિ ચંદ્રબલી વર્માએ જણાવ્યું હતું કે 12 મીની રાત્રે અચાનક તેણીને ઝાડા-ઉલટી શરૂ થઈ જતા ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક તેણીને લઈ સિવિલ દોડી આવ્યા હતા. જ્યાં નીતુને તાત્કાલિક દાખલ કરી દેવાઈ હતી. ત્યારબાદ સતત સારવાર ચાલી રહી હતી.

Most Popular

To Top