SURAT

પૂણાવાસીઓનો પ્રક્રોપ ફાટી નીકળ્યો, રાઉન્ડમાં નીકળેલા મેયરનો રાઉન્ડ લઈ નાંખ્યો

સુરત: શહેરમાં ધોધમાર વરસાદે રસ્તાઓ પર નદીઓ જેવી સ્થિતી ઉભી કરીને પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી છે, ત્યારે વરસાદનો રેલો શાસકોના પગ નીચે પણ આવી ગયો હોય તેમ પ્રિમોન્સુન કામગીરી વખતે યોગ્ય ધ્યાન આપવામાં ઉણા ઉતરેલા શાસકો આજે રસ્તા પર દેખાયા હતા. મેયર (Mayor Hemali Boghawala) ગોઠણબુડ પાણીમાં ડૂબેલા પુણા (Punagam) વિસ્તારમાં રાઉન્ડ લઇ મનપા (SMC)ની કામગીરીનું નિરક્ષણ કરવા નીકળ્યા હતા જોકે લોકોએ મેયરનો જ રાઉન્ડ લઈ લીધો હતો અને મેયરને ઘેરી લઇ ઉગ્ર રજુઆતો કરવા માંડયા હતા.


મેયર પુણાની એક સોસાયટીની બહાર પાણીનો ભરાવો થયો હતો ત્યાં મેયર નિરીક્ષણ કરતા હતા ત્યારે અચાનક કેટલાક લોકોએ સ્થાનિક કોર્પોરેટર પાયલ સાકરીયાને સાથે રાખી મેયરને ઘેરી લઈને આક્રોશ ઠાલવ્યો હતો કે લોકો આક્રોશપુર્ણ રીતે કહેતા હતા કે જ્યારે વેરા ભરવામાં એકાદ દિવસનો વિલંબ થાય ત્યારે પાલિકા દંડ વસુલ કરે છે પરંતુ હાલ પાલિકા કામગીરીમાં તદ્દન નિષ્ફળ ગઈ છે તેના કારણે પાણીનો ભરાવો થયો છે. પાલિકાને વેરો લેવાનો કોઈ હક્ક નથી. આ ઉપરાંત કોઈએ કહ્યું હતું કે, તમે આટલા વખતથી સત્તામાં છો તો ક્યારે આવ્યા છો? આવા અનેક પ્રશ્નોનો મારો કરવા સાથે લોકો ઉગ્ર બની ગયા હતા. ત્યારબાદ મેયરે કહ્યું આ રીતે રજુઆત ન થાય, ચાર પાંચ લોકો આવજો સમસ્યાનો હલ લાવીશું. આટલું કહીને મેયર ત્યાંથી નીકળી ગયા હતા.

જોકે, ભેગા થયેલા લોકોએ મેયરનો હુરીયો બોલાવ્યો હતો. આ મુદ્દે તેમણે કહયું હતું કે, વિરોધપક્ષ દ્વારા ચોકકસ લોકોને આગળ કરી ખોટી રીતે ધેરવાનો પ્રયાસ કરાયો હતો. વિપક્ષના કોર્પોરેટર પાયલ સાકરીયાએ ઝોનની મીટીંગમાં તો પ્રિ-મોન્સુન કામગીરીની ખુબ પ્રશંસા કરી હતી. દરમિયાન મેયર હેમાલી બોઘાવાલાએ જુદા જુદા સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીઓને સફાઈ અને દવાના છંટકાવની કામગીરી માટે સુચના આપી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે ઉધના વિસ્તારમાં જ્યાં પાણીનો ભરાવો થયો હતો ત્યાં પહોંચ્યા હતા ત્યાં સ્થિતિનું નિરીક્ષણ કરવા સાથે આ વિસ્તારમાં વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે તાકીદ કરી હતી.

ધર્મેશ વાણીયાવાળાએ ગાડીને ધકકા માર્યા, મહિલા કોર્પોરેટર પાણીનો નિકાલ કરવા વરસાદ વચ્ચે દોડ્યા
શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાવાના કારણે લોકોની ગાડીઓ પાણીમાં બંધ પડી ગઈ હતી જેથી લોકોને ખુબ હાલાકી થઈ હતી. જેને પગલે કોર્પોરેટરો જાતે ફીલ્ડમાં નીકળ્યા હતા. અને બંધ ગાડીઓને ધક્કા માર્યા હતા. ભાજપના કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાલા જાતે ગાડીઓને ધક્કા મારતા જોવા મળ્યા હતા અને ટ્રાફિક પણ હેન્ડલ કર્યો હતો. તેમજ લોકોને પાણીમાંથી સરળતાથી બહાર કાઢવામાં મદદ કરી હતી. તો પુણા વિસ્તારમાં આપના નગર સેવક સેજલ માલવીયા વરસતા વરસાદમાં મનપાના કર્મચારીઓ સાથે પાણીના નિકાલ કરાવતા ફિલ્ડમાં જોવા મળ્યા હતા.

Most Popular

To Top