Columns

૪૪,૦૦૦ કરોડ રૂપિયાનો માલિક રાકેશ ઝુનઝુનવાલા શરાબ અને સિગારનો ગુલામ હતો

જે લોકો માનતા હોય છે કે જિંદગીમાં જેટલા વધુ રૂપિયા કમાઈએ તેટલા વધુ સુધી થઈએ. તેમના માટે સ્ટોક એક્સચેન્જના બિગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાનું મરણ આંખો ઉઘાડનારું છે. ૬૨ વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટથી મરણ પામનારા રાકેશ ઝુનઝુનવાલાની ઈચ્છા તેમના જોડિયા પુત્રો ૨૫ વર્ષના થઈ જાય ત્યાં સુધી જીવવાની હતી, પણ તે ઇચ્છા પૂરી થઈ શકી નહોતી. જોડિયા પુત્રો હજી ૧૨ વર્ષના જ થયા છે, પણ રાકેશ ઝુનઝુનવાલા વિદાય થઈ ગયા છે. કોઈ માણસ પાસે ગમે તેટલી વેલ્થ હોય, પણ હેલ્થ ન હોય તો તે વેલ્થ તેને જરા પણ સુખ આપી શકતી નથી. રાકેશ ઝુનઝુનવાલાને ડાયાબિટીસ હતો અને તેમની બંને કિડનીઓ ફેઈલ થઈ ગઈ હતી.

ડાયાબિટીસને કારણે તેમના પગ સૂઝીને થાંભલા જેવા થઈ ગયા હતા. યુટ્યૂબ પર વાઇરલ થયેલા વીડિયોમાં તેઓ ‘કજરા રેકજરા રે’ગીત ઉપર ડાન્સ કરવા માગે છે, પણ વ્હિલચેર પરથી ઊભા થઈ શકતા નથી, તેનો રંજ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો છે. તેમની ૪૪,૦૦૦ કરોડ રૂપિયાની વેલ્થ પણ તેમને તેમના મનગમતા ગીત પર ડાન્સ કરવામાં મદદરૂપ બની શકી નહોતી. રાકેશ ઝુનઝુનવાલા કાયમ સ્ટ્રેસ હેઠળ જીવતા હતા. તેને કારણે તેમને સિગાર અને શરાબની લત લાગી ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ‘‘હું માછલીની જેમ દારૂ પીઉં છું. જો મારી પાસે અત્યારે જેટલા રૂપિયા છે, તેના કરતાં ૧૦-૧૫ ટકા જેટલા રૂપિયા હોય તો પણ મારી જિંદગીમાં કોઈ ફરક પડશે નહીં.

હું અત્યારે જેવાં કપડાં પહેરું છુ, તેવાં જ કપડાં પહેરીશ. અત્યારે જે કાર વાપરું છું, તેવી જ કારમાં ફરીશ અને અત્યારે જે દારૂ પીઉં છું તે જ દારૂ પીશ. મને લાગે છે કે મારે થોડી સંયમિત જિંદગી જીવવી જોઈતી હતી. ’’જો કે આ બધું ડહાપણ નુકસાન થઈ ગયા પછીનું હતું. તેમણે પોતાની જિંદગીના છેલ્લા ૬ મહિના પૈકી ૪ મહિના બ્રીચ કેન્ડી હોસ્પિટલના બિછાના પર ગુજાર્યા હતા. રાકેશ ઝુનઝુનવાલાના મરણમાંથી તેમના ચાહકોએ બોધપાઠ ગ્રહણ કરવાની જરૂર છે. ભારતના વોરન બુફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાનો જન્મ મારવાડી પરિવારમાં થયો હતો. તેમના પિતા મુંબઈમાં ઇન્કમ ટેક્સ કમિશનર હતા.

રાકેશ ઝુનઝુનવાલા જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે તેમણે પોતાની ૫,૦૦૦ રૂપિયાની મૂડી શેર બજારમાં લગાડી હતી. તેમનું નસીબ જોરમાં હતું, માટે તેમને ફાયદો થયા કરતો હતો. ૧૯૮૬ માં તેમણે ટાટા ટીના ૫,૦૦૦ શેર ૪૩ રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. ત્રણ મહિનામાં તેનો ભાવ વધીને ૧૪૩ રૂપિયા થઈ ગયો હતો. ત્રણ જ મહિનામાં તેમણે પાંચ લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. રાકેશ ઝુનઝુનવાલા કહેતા હતા કે ‘‘મને માર્કેટમાં અને સ્ત્રીઓમાં રસ છે. સ્ત્રીઓને પ્રેમથી જીતી શકાય છે અને માર્કેટને જીતવા જોખમ લેવું પડે છે. માર્કેટમાં નફો દેખાતો હોય તો હું મારી પત્નીની બંગડીઓ પણ વેચવા તૈયાર છું.’’

જેઓ રાકેશ ઝુનઝુનવાલાની નજીક હતા તેમને તેઓ કહેતા હતા કે ‘‘હું સવારે થોડો નાસ્તો કરું, પછી ઓફિસે જઈને થોડું ટ્રેડિંગ કરું, પછી રાત્રે ડિનર માટે ઘરે આવું, ડ્રિન્ક લઈને સૂઈ જાઉં અને સવારે ઊઠું જ નહીં, તેવું મરણ મને ઇષ્ટ છે.’’રાકેશ ઝુઝુનવાલા શનિવારે રાત્રે ડ્રિન્ક લઈને સૂઈ ગયા પણ રવિવારે સવારે ઊઠ્યા જ નહીં. તેમનું મરણ ઊંઘમાં જ થઈ ગયું હતું. ફરક એટલો હતો કે તેમનું મરણ ઘરની પથારીમાં થવાને બદલે હોસ્પિટલના બિછાને થયું હતું. તેમણે જિંદગીભર મહેનત-મજૂરી કરીને, કાળાં-ધોળાં કરીને જે ૪૪,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તે તેમને આરોગ્ય પ્રદાન કરી શક્યા નહોતા. તેમાંનો એક પણ રૂપિયો તેઓ પોતાની સાથે લઈ જઈ શક્યા નહોતા. ડોક્ટરોએ તેમને ચેતવ્યા હતા કે તમારી સ્મોકિંગની અને ડ્રિન્કિંગની આદત તમારા માટે જીવલેણ બની જશે. તેમને જીવવું હતું, પણ તેઓ ખોટી આદતોના ગુલામ બની ગયા હતા.

શેર બજારમાં ટ્રેડિંગ કરતાં ઘણાં લોકો બિગ બુલ હર્ષદ મહેતાને અને રાકેશ ઝુનઝુનવાલાને પોતાના આદર્શો માને છે, પણ તેમની કેવી દશા અંત કાળે થઈ, તેને તેઓ યાદ રાખતા નથી. હર્ષદ મહેતાએ તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવને તેમના ઘરે જઈને સૂટકેસમાં એક કરોડ રૂપિયાની લાંચ આપી હોવાની જાહેરાત કરીને દેશભરમાં સનસનાટી મચાવી હતી. તેમણે મોટું કૌભાંડ કર્યું હતું તો પણ યુવાનો તેમના ઓટોગ્રાફ લેવા પડાપડી કરતા હતા. બેઈમાની કરીને કરોડપતિ બનેલા હર્ષદ મહેતા યુવાનોના આદર્શ બની ગયા હતા.

લાંચ લેનારા નરસિંહ રાવને તો કાંઈ ન થયું પણ હર્ષદ મહેતા જેલમાં ધકેલાઈ ગયા હતા. છેવટે જેલની કોટડીમાં જ તેમનું મરણ થયું હતું. તેમણે કૌભાંડો કરીને જે કરોડો રૂપિયા કમાયા હતા તે તેમનો અંતિમ સમય સુધારી શક્યા નહોતા. રાકેશ ઝુનઝુનવાલાની જિંદગી જોખમોથી ભરપૂર હતી, પણ તેઓ નસીબના બળવાન હોવાથી શેર બજારમાં અઢળક કમાયા હતા. તેમણે રોકાણ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે સેન્સેક્સ ૧૫૦ પોઇન્ટ હતો. તેમનું મરણ થયું ત્યારે સેન્સેક્સ ૬૦,૦૦૦ પર પહોંચી ગયો હતો.

આજનું શેર બજાર સટ્ટા બજાર જેવું બની ગયું છે. સટ્ટામાં જુગારીને કમાણી થવાની જેટલી તક છે, તેટલી જ તક શેર બજારમાં રોકાણ કરનારને કમાણી કરવાની હોય છે. શેર બજાર આજે ફન્ડામેન્ટલ્સ પર નથી ચાલતું, પણ મેનિપ્યુલેશન પર ચાલે છે. જેમને આ મેનિપ્યુલેશન્સની ગતાગમ ન હોય તેઓ લૂંટાઈ જાય છે. જેઓ મેનિપ્યુલેશન કરતા હોય છે, તેઓ ન્યાલ થઈ જાય છે. રાકેશ ઝુનઝુનવાલા પણ મેનિપ્યુલેશન કરનારા વગદાર જૂથના સભ્ય હતા. તેનો સૌથી પહેલો લાભ તેમને મળતો હતો. તેમણે જે અબજો રૂપિયાની સંપત્તિ મેળવી તેની સામે કોઈના અબજો રૂપિયા ડૂબી પણ ગયા હતા.

જેમના અબજો રૂપિયા ડૂબાડીને ઝુનઝુનવાલા અબજોપતિ બન્યા તેઓ પણ તેમને આદર્શ માને છે. રાકેશ ઝુનઝુનવાલાની જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ જેવી સરળ નહોતી; તેમાં ગ્રે શેડ પણ હતા. ખરા મારવાડીની જેમ તેઓ અઢળક રૂપિયા કમાતા હોવા છતાં પોતાના ધનનો દેખાડો કરવામાં માનતા નહોતા. એક વખત તેઓ સ્લિપર પહેરીને નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને મળવા તેમની ઓફિસમાં પહોંચી ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક તસવીરમાં તેઓ કરચલી પડેલાં શર્ટ સાથે જોવા મળે છે.

કોઈ પત્રકારે સવાલ કર્યો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે ‘‘શર્ટને ઇસ્ત્રી કરાવવા પાછળ મેં ૬૦૦ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, પણ તે ચોળાઈ ગયું તેમાં હું શું કરું?’’રાકેશ ઝુનઝુનવાલાના જમા પાસે તેઓ પોતાની આવકનો ૨૫ ટકા ભાગ ધર્માદામાં ખર્ચતા હતા.  રાકેશ ઝુનઝુનવાલાનું સપનું પોતાની એરલાઇન્સ શરૂ કરવાનું હતું. તાજેતરમાં તે સપનું પણ પૂરું થયું હતું. તેમણે જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબે અને ઇન્ડિગોના ભૂતપૂર્વ અધ્યક્ષ આદિત્ય ઘોષની ભાગીદારીમાં ‘આકાશ એર’નામની ખાનગી વિમાની કંપની શરૂ કરી હતી. તેની પહેલી ફ્લાઈટ મુંબઈથી અમદાવાદની હતી.

જો કે પોતાનાં જ વિમાનમાં બેસવા જેટલી તેમની તબિયત નહોતી. રાકેશ ઝુનઝુનવાલા ફોર્બ્સની યાદી મુજબ ભારતના ૪૮ મા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા. જ્યારે રોગો અને મરણ આવે છે ત્યારે તે કોઈ ગરીબ-તવંગરના ભેદો કરતા નથી. ગરીબ હોય કે તવંગર, તેનો દેહ બળી જાય છે ત્યારે રાખમાં કોઈ ફરક હોતો નથી. આ ભવમાં કરેલાં સારાં કે ખરાબ કર્મો જ પરભવમાં સાથે આવે છે, માટે કર્મો કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top