Gujarat

રાજકોટમાં પિતા બન્યો હત્યારો: પુત્રની છાતીમાં છરી ભોંકી કાસળ કાઢ્યું

રાજકોટ: રાજકોટમાં રાત્રીના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન વિસ્તારમાં અમરગઢ ભીચરી ગામમાં પિતા રાજુ ભોજવીયા (ઉ.વ.55)એ તેના જ પુત્ર અજીત ભોજવીયા (ઉ.વ.32)ને છાતીમાં છરી ભોંકી પતાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મૃતક અજીત પોતાની વાડીએથી ઘરે પત્નીને બોલાવવા આવ્‍યો હતો. પત્ની દરવાજો બંધ કરી સુઇ ગઇ હોઇ જેથી અજીતે દરવાજો ખખડાવતાં તેના પિતા રાજુ ઓસરીમાં સુતા હતા. પિતા રાજુએ જાગી અજીતને ‘શું દેકારો કરે છે? કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન અજિતે ‘હું મારી પત્‍નીને કહુ છું, તમે વચ્‍ચે ન બોલો’ તેમ કહેતાં પિતા રાજુએ તેને છરી ભોંકી પતાવી દીધો હતો. વચ્‍ચે પડેલી પત્‍ની અને પુત્રવધૂને પણ આ પ્રૌઢે ઇજા પહોંચાડી હતી. આરોપી હત્‍યા કરી ભાગી જતાં મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્‍યાનો ભોગ બનનાર અજિતના મોટા ભાઇ અરવિંદ ભોજવિયાએ જણાવ્‍યું હતું કે મારા બાપુજી રાજુભાઇને નશો કરવાની આદત હતી. રાતે પણ તેઓ ફુલ પીધેલી હાલતમાં હતા. મૃતકને સંતાનમાં બે પુત્રી કિંજલ (ઉં.વ.10), રિતુ (ઉં.વ.7), પુત્ર જયદીપ (ઉં.વ.6) અને વિવેક (ઉં.વ.4.5) છે. પિતાની પોતાના જ દાદાના હાથે હત્‍યા થતાં આ ચારેય બાળરકો નોધારા થઇ ગયાં છે.

વડોદરાના માંજલપુરની 20 વર્ષીય યુવતીને ડામ આપી અને ગળું દબાવી હત્યા
રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડાના કેસરપુરા ગામ નજીક આશરે 20 વર્ષીય યુવતીની કરપીણ હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી હતી. પોલીસ તપાસમાં એ લાશ વડોદરાના માંજલપુરની બળિયા દેવ ચોકડી સામેના દરબાર ચોકડી ખાતે રહેતા નિલેશ રમણ સોલંકીની દીકરી મીરા સોલંકીની હોવાનું બહાર આવ્યું હતું. તિલકવાડા પોલીસે પોતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરની માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની લાશનું વડોદરા એસ.એસ.જી. ખાતે પેનલ ડોકટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી યોગેશ પટેલ, પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરી સહિત યુવતીના પરિવારજનોએ ત્યાં દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક મીરાએ તાજેતરમાં ધોરણ-12ની પરીક્ષા પણ આપી હતી. ત્યારે એની હત્યા કોણે કરી, કયાં કારણોસર કરી એ ચર્ચાનો વિષય બન્યો છે. બીજી બાજુ આ યુવતીની હત્યા પ્રેમ પ્રકરણમાં કરવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળિયા દેવ મંદિર સામે આવેલા ખેતરમાં રહેતી મીરા નિલેશ સોલંકી બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી. મોડી રાત સુધી પરત ન ફરતાં નિલેશ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. એ દરમિયાન જ નર્મદા જિલ્લાના તિલકવાડા નજીક કેસરપુરા ખેતરમાંથી મીરાની લાશ મળી આવી હતી.

સોશિયલ મીડિયા પર મીરાની લાશના ફોટા વાયરલ થતાં એ ફોટા મીરાના પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જોયા હતા. ચિરાગ ઝવેરી અને મીરાના પરિવારજનો તિલકવાડા પહોંચ્યા બાદ એ લાશ મીરાની હોવાની ઓળખ થઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મીરાની હત્યા ગળું દબાવી તેમજ ડામ આપીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ હત્યા કેવી રીતે કરાઈ એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.

Most Popular

To Top