National

ઉત્તરપ્રદેશમાં 36,230 કરોડના ખર્ચે બનશે 594 કિ.મી. લાંબો ગંગા એક્સપ્રેસ વે, આજે PM મોદી કરશે શિલાન્યાસ

ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશ (Uttar pradesh)ની વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) યુપીવાસીઓને ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી આજે રાજ્યના સૌથી લાંબા ગંગા એક્સપ્રેસ વે (Ganga expressway)નો શિલાન્યાસ કરશે. ગંગા એક્સપ્રેસ વે રાજ્યનો સૌથી લાંબો એક્સપ્રેસ વે છે જેનો ખર્ચ અંદાજિત 36,230 કરોડ રૂપિયા હશે. મેરઠથી પ્રયાગરાજ સુધીના 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનું કામ વર્ષ 2024માં પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ સહિત ભાજપના અન્ય મંત્રીમડળો પણ હાજરી આપશે.

વડાપ્રધાન મોદી બપોરે 12.50 વાગ્યે રોઝાના રેલવે ગ્રાઉન્ડ પહોંચશે જ્યાં ગંગા એક્સપ્રેસ વેના શિલાન્યાસ બાદ મોદી જનસભાનું સંબોધન કરશે. સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ પીએમ મોદીનું સ્વાગત કરશે. પીએમ મોદી લગભગ એક કલાક શાહજહાંપુરમાં રોકાશે. આ સાથે જ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાહજહાંપુર, હરદોઈ, બદાઉન અને પડોશી જિલ્લા હરદોઈ અને લખીમપુરથી લગભગ એક લાખ લોકો રેલીમાં ભાગ લેવા માટે પહોંચશે. 

594 કિ.મી. લાંબા એક્સપ્રેસ વે માટે સરકાર 36,230 કરોડ ખર્ચશે

મેરઠથી પ્રયાગરાજ સુધીના 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનું કામ વર્ષ 2024માં પૂર્ણ થશે. ગંગા એક્સપ્રેસ વેનો ખર્ચ અંદાજિત 36,230 કરોડ રૂપિયા હશે. એક્સપ્રેસ વેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ બનાવવામાં આવશે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEDA) એ જમીનની ડીડ મેળવવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ગંગા એક્સપ્રેસ વે પર ઈમરજન્સીમાં એરફોર્સના એરક્રાફ્ટના લેન્ડિંગ અને ટેક-ઓફ માટે શાહજહાંપુર જિલ્લામાં 3.5 કિમીનો રનવે પણ બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ વે સાથે ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ બનાવવામાં આવશે. ગંગા એક્સપ્રેસ વેનો રૂટ મેરઠ-બુલંદશહર રોડ (NH નંબર 334) પર મેરઠ જિલ્લાના બિજૌલી ગામ નજીકથી શરૂ થશે અને પ્રયાગરાજ બાયપાસ (NH નંબર 19) પર પ્રયાગરાજ જિલ્લાના જુડાપુર દાંડુ ગામ પાસે સમાપ્ત થશે. આ એક્સપ્રેસ વે 6 લેન પહોળો હશે જે ભવિષ્યમાં તેને 08 લેન સુધી વિસ્તારી શકાશે. 

એક્સપ્રેસ વેના શિલાન્યાસ સાથે ભાજપ યુપીમાં ચૂંટણીનું બ્યૂગલ વગાડશે

વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી શિલાન્યાસના કાર્યક્રમને ખૂબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. રોહિલખંડમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી આજે શિલાન્યાસ અને જાહેર સભાની સાથે ચૂંટણી શંખ વગાડશે. લગભગ રોહિલખંડ અને અવધની સાથે પશ્ચિમ યુપીની કુલ 70થી વધુ વિધાનસભા બેઠકો પર નિશાન સાધવામાં આવશે. ગંગા એક્સપ્રેસ વેના શિલાન્યાસને ભાજપની આગામી વિધાનસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે માંડલમાં 23 વિધાનસભા બેઠકો જીતી હતી. જ્યારે એસપીને શાહજહાંપુર અને બદાઉનમાં એક-એક સીટ મળી છે. જો કે વડાપ્રધાન બન્યા બાદ મોદી બીજી વખત શાહજહાંપુર આવી રહ્યા છે અને તેઓ વર્ષ 2018માં ખેડૂત કલ્યાણ રેલીને સંબોધિત કરવા આવ્યા હતા. પરંતુ આ વખતે તે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે શાહજહાંપુર આવી રહ્યા છે.

 

Most Popular

To Top