Business

જ્વેલર્સ હવે સીધા જ બુલિયન ખરીદી શકશે, PM મોદીએ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ખુલ્લું મુક્યું

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાંન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તથા NSE IFSC – SGX Connectનું લોન્ચ કરી વેપાર-ઉદ્યોગજગતને ભેંટ આપી છે. આ એક્સચેન્જના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરતા રોકાણકારો, ઉદ્યોગકારો અને ખાસ કરીને જ્વેલર્સને ખૂબ મોટો ફાયદો થશે. વડાપ્રધાને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનું શિલાન્યાસ પણ કર્યું છે. વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, ભારત પાસે ઉંમર અને અનુભવ બંને છે. ડિજીટલ પેમેન્ટમાં ભારતનો વિશ્વમાં હિસ્સો 40 ટકા છે.

જ્વેલર્સ બુલિયનની સીધી જ ખરીદી કરી શકાશે
ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનાં ઉદ્ઘાટનથી હવે જ્વેલર્સ સીધા જ બુલિયન ખરીદી શકશે. જે ગોલ્ડ સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી, જ્વેલર્સને વિસ્તાર કરવામાં મદદ કરશે. ભારતીય સંસ્કૃતિમાં ગોલ્ડ એટલે કે સોનું એક મહત્વનો ભાગ ભજવે છે. કારણે ભારત આજે સોના-ચાંદીના ક્ષેત્રમાં એક મોટું માર્કેટ છે. બુલિયન ખરીદી સાથે જ્વેલર્સ ઇન્ટનરનેશનલ પ્રાઇસ ડિસ્કવરીમાં ભાગ લઇ શકશે. સીધા ગોલ્ડમાં ટ્રેડ કરવાની તક મળશે. ગોલ્ડ ટ્રેડિંગની માર્કેટ ઓર્ગનાઇઝ્ડ થશે. ભારતમાં ગોલ્ડની ડિમાન્ડ અને ગોલ્ડની પ્રાઇસને પ્રભાવિત કરશે અને નિર્ધારિત પણ કરશે. આગામી દિવસમાં જે થશે તેનો પ્રભાવ વિશ્વમાં થશે. તેનાથી દૂનિયાને દિશા મળશે.

ગિફ્ટ સિટીના વિઝન સાથે દેશના સામાન્ય માણસની આકાંક્ષાઓ જોડાયેલી છે: પી.એમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ગુજરાતમાં હતો ત્યારે ગિફ્ટ સિટીની પરિકલ્પના કરી હતી. તે આર્થિક ગતિવિધિઓ સુધી સિમિત ન હતી. જાન્યુઆરી 2013માં ગિફ્ટ બેન્કના ઇનોગ્રેશન માટે આવ્યો હતો. ત્યારે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ કહેતા હતા. પરંતુ ગિફ્ટ સિટી એક એવો આઇડિયા પોતાના સમય કરતા પણ ઘણો આગળ હતો. આ ભવન આર્કિટેક્ચરમાં જેટલું ભવ્ય હશે એટલું જ તે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાના અનેક અવસર ઉભા કરશે. ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા વિશ્વના દેશોની હરોળમાં ઊભું છે, જ્યાંથી વૈશ્વિક નાણાને દિશા આપવામાં આવે છે. ગિફ્ટ સિટીના વિઝન સાથે દેશના સામાન્ય માણસની આકાંક્ષાઓ જોડાયેલી છે. ગિફ્ટ સિટીમાં ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે, ભારતના સોનેરી ભૂતકાળના સપનાઓ પણ જોડાયેલા છે. ગિફ્ટ સિટી વાણિજ્ય અને ટેક્નોલોજીના હબ તરીકે મજબૂત છાપ ઉભી કરી રહ્યું છે. આજે 21મી સદીમાં નાણા અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે, અને જ્યારે ટેક્નૉલૉજી, વિજ્ઞાન અને સૉફ્ટવેરની વાત આવે છે, ત્યારે ભારત પાસે ઉંમર અને અનુભવ બંને છે. આજે સમગ્ર વિશ્વમાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટ્સમાં એકલા ભારતનો હિસ્સો 40 ટકા છે.

2008ની મંદીમાં પણ ગુજરાતે ફિનટેક ક્ષેત્રમાં નવા ડગલાં ભર્યા: પી.એમ મોદી
2008માં વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ હતી ત્યારે ભારતમાં પણ દૂર્ભાગ્યથી એ પોલિસી પેરાલિસિસનો હતો. એ સમયે ગુજરાત ફિનટેક ક્ષેત્રમાં નવા અને ઉંચા ડગ માંડી રહ્યું હતું. ગિફ્ટ સિટી કોમર્સ અને ટેક્નોલોજીના મામલે મજબૂત ઓળખ ઉભી કરી રહ્યું છે. વેલ્થ અને વિઝડમ બન્નેને સેલિબ્રેટ કરે છે. આપણે યાદ રાખવું પડશે કે વાઇબ્રન્ટ ફિનટેક સેક્ટરનો અર્થ માત્ર સરળ વ્યાપાર વાતાવરણ, સુધારા અને નિયમો નથી. તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યાવસાયિકોને વધુ સારું જીવન અને નવી તકો આપવાનું પણ એક માધ્યમ છે. આજે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેથી ભવિષ્યમાં જ્યારે આપણી અર્થવ્યવસ્થા આજની સરખામણીએ મોટી હશે, ત્યારે આપણે તેના માટે અત્યારે જ તૈયાર રહેવું પડશે. આપણે તેના માટે એવી સંસ્થાઓની જરૂર છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણી વર્તમાન અને ભવિષ્યની ભૂમિકાને પૂરી કરી શકે.

અમે FICને આમંત્રણ આપીએ છીએ કે ગુજરાત આવો અને વ્યાપાર કરો: CM
GIFT સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ, સિરામિક, ડાયમંડ અને ફાર્માસ્યૂટિકલ હબ બન્યું છે અને હવે ફાઇનાન્સિયલ સર્વિસનું હબ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગીફ્ટ સિટીનો પાયો વડાપ્રધાન મોદી દ્વારા 2007માં નાખવામાં આવ્યો હતો. સમૃદ્ધ બંદરોના કારણે પ્રાચીન સમયથી જ ગુજરાત ગેટ વે ઓફ ઇન્ડિયા કહેવાઈ રહ્યું છે. અમે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ અને કંપનીઓને આમંત્રણ આપીએ છીએ કે ગુજરાત આવો અને વ્યાપાર કરો. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીનું આઇએફએસસી વિશ્વના અગ્રણી ફાઇનાન્સ સેન્ટર્સમાં સૌથી ઝડપથી વિકસતું સેન્ટર ગણાવાઈ રહ્યું છે.

Most Popular

To Top