Comments

નિસ્બત વગરના શાસનના હજુ કેટલા પુરાવા જોઇએ?

કોરોનાકાળમાં આરોગ્યની અપૂરતી સગવડોએ ઘેર ઘેર ‘ડૂસકાં’ મોકલ્યાં. હમણાં વરસાદમાં શહેર આયોજનની નિષ્ફળતાએ વ્યવસ્થાને પાણીમાં ડૂબાડી દીધી. હવે ‘કેમીકલયુકત નશાકાંડે મોતનો હાહાકાર મચાવી દીધો. સત્તાવીસ વરસથી વધુ સમયથી શાસન કરનારા શાસકોની નિષ્ફળતાના હજુ કેટલા વધારે પુરાવા જોઇશે! હમણાં હમણાં કાયદાનું રક્ષણ કરનારા પોલીસવાળા પર જ કાયદો તોડનારા વાહન ચડાવી દે.  તેને મોતને ઘાટ ઉતારી દે તેવા કિસ્સા વધતા જાય છે. ટૂંકમાં પોલીસ કામ કરે તો પણ જોખમ, ના કરે તો પણ જોખમ.

ગુજરાતમાં આઘાતજનક કાંડ સર્જાયો છે. બુધ્ધિશાળી લોકો એકદમ સરકારની પડખે ઊભા થઇ ગયા છે. મોટાં શહેરોમાં પાણી ભરાયાં તો પ્રજા જ ગટરો ભરી દે છે. પાણી જવાના માર્ગ રાખતી નથી ના લેખો શરૂ થયા. હવે લઠ્ઠાકાંડ થયો તો દારૂ પીનારા જ દોષિત અને ગુજરાતમાં દારૂબંધી હોવી જોઇએ કે નહીંની બૌધ્ધિક ચર્ચા શરૂ થઇ ગઇ. જો કે આ પહેલી વાર નથી થયું! સુરતના અગ્નિકાંડથી માંડીને શાળાઓમાં ફી ના નામે ચાલતી લૂંટ સુધીના મુદ્દામાં ‘પ્રજા જ દોષી’ છે તેવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન થાય છે! અથવા ઉપદેશો શરૂ થઇ જાય છે, પણ કોઇ સોઇ ઝાટકીને એમ કહેતું કે લખતું નથી કે હવે શાસન ખાડે ગયું છે!

જાહેર જીવનમાંથી નિસ્બત સાવ ખતમ થઇ ગઇ છે. ચૂંટણીઓ આવે છે અને જાય છે. પક્ષો જીતે છે અને હારે છે. પણ કોઇ પાસે પ્રજા જીવનની રોજિંદી હાડમારી ઘટાડવાનો સમયબધ્ધ પ્લાન (આયોજન) જ નથી! હપ્તા – કટકી અને ભાગીદારીનું એક વ્યવસ્થિત શાસન ચાલે છે. જયાં ખોટાં કામ નિયમિત રીતે થાય છે ત્યાં હપ્તા આપો એટલે કોઇ પૂછતું નથી. જયાં કામ કાયદેસર છે પણ બીજાએ કરવાનું છે ત્યાં ‘કટકી’ ચૂકવો પછી કામ કેવી રીતે થયું તે કોઇ પૂછતું નથી અને જયાં કામ સીધું જ હાથમાં આવે છે ત્યાં તો પ્રશ્ન જ ઊભો થતો નથી કે કોઇ રોકે-ટોકે! ખાનગી-મળતિયાઓને કામ સોંપી દેવાનું અને નફામાં, કમાણીમાં સીધી ભાગીદારી નકકી કરવાની!

કેમીકલને દારૂ માની પી જનારા મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા. આ ગેરવહીવટ દ્વારા થયેલો ‘હત્યાકાંડ’ છે! નાના નાના ટવીટ માટે લોકોની ધરપકડ અને કોર્ટ કેસમાં રચ્યાપચ્યા રહેતા લોકોને નશીલા પદાર્થોના કારોબાર, દેશી દારૂના વેચાણ, નબળાં બાંધકામો, કાગળ ઉપર ચાલતી શિક્ષણ સંસ્થાઓ, નકલી ડોકટર્સ કશું જ દેખાતું નથી. માણસનું મૃત્યુ એ સીધી, દેખીતી આઘાતજનક બાબત છે. પણ શિક્ષક અધ્યાપક વગરની શિક્ષણ સંસ્થાઓ, નબળી ગુણવત્તાનાં જાહેર બાંધકામો કશું જ ભણ્યા વગર ડોકટર બનતા યુવાનો લાંબા ગાળાની જોઇ શકાય તેવી ભયાનકતા સર્જે છે!

પ્રજા તરીકે આપણે કોંગ્રેસને શાસનમાંથી કેમ ઉખાડી ફેંકી? કારણ કે નવા નકકોર રસ્તા બન્યાના વરસમાં જ ધોવાઇ જતા હતા, વરસાદી પાણી ભરાયા પછી અઠવાડિયા સુધી ઓસરતા નોતા. મોટાં મોટાં આયોજનો માત્ર કાગળ ઉપર રસ્તા, રૂપિયા બારોબાર નેતાઓ, મળતિયાના ખાતામાં જમા થતા. ઉચ્ચ હોદ્દાઓ પર લાયકાતવાળાં લોકોને બદલે સગાં-વહાલાં બેસી જતાં અને ખાસ તો રાજગાદી પરિવારવાદમાં વારસામાં મળતી. હવે આ તમામ ફરિયાદો ફરી વાંચી જાવ અને વિચારો કે અત્યારે આમાંનું શું નથી! જો ઉપરની ફરિયાદ હોય તે શાસન નિષ્ફળ ગયું હોય તો આ વર્તમાન શાસન સફળ કેવી રીતે કહેવાય? ‘દિલ્હીમાં બેઠેલા આકાઓ ગુજરાતને ધ્યાનમાં જ લેતા નથી’ – જો આ ફરિયાદ કોંગ્રેસ માટે સાચી હતી તો અત્યારે કેવી છે?

મૂળ વાત આ જ છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનું શાસન અને બાવીસ વર્ષ પછી ૨૦૨૨ નું શાસન આસમાન જમીનનો ફેર અનુભવે છે. દેશના વડા પ્રધાન ગુજરાતી છે. દેશના ગૃહમંત્રી ગુજરાતી છે ત્યારે આ મૃતકો વિશે તેમની વિશેષ જવાબદારી બને છે. માત્ર બે-ચાર પોલીસવાળાને સજા કરીને કે મજબૂરીવશ દારૂની પોટલીઓ વેચતા બે-ચાર જણાને જેલના સળિયા પાછળ ધકેલીને સંતોષ નમાવાનો નથી. ઉપર સુધી હપ્તા પહોંચ્યા હોય એ તમામને જવાબદાર ગણવાનો – ખુલ્લા પાડવાનો સમય છે અને હવે શાસકીય નબળાઇને કારણે વધુ ‘કાંડો’ ન સર્જાય તેવાં પગલાં ભરવાનો સમય છે.

આજના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર છે તે સૌ સ્વીકારે છે. પણ કેટલાક ભ્રષ્ટાચાર સરળતાથી રોકી શકાય તેવા નથી. કાલ ને કાલ નાબૂદ થાય તેવા નથી. પણ ઓછામાં ઓછું આવા ‘જીવને જોખમમાં મૂકે તેવા ‘ભ્રષ્ટાચારો’ થી તો દૂર થઇ શકાય ને! નદી પર પૂલ બાંધવામાં આવે ત્યારે નફો મળે તે બધા જુએ પણ ‘પૂલ પહેલા વરસાદમાં ધોવાઇ જાય’ તો પણ વાંધો નહીં એવો ભ્રષ્ટાચાર તો ન કરાય ને! આ ઘટનાઓ વિપક્ષને આત્મમંથનની નથી તેમને આંદોલનની ઘડી છે. આત્મમંથનની ખરી જરૂર ભાજપના નેતાઓને છે. જેમ બોટલનું પ્રવાહી દારૂ છે એવા વિશ્વાસે પીનારાને ‘કેમીકલે’ મારી નાખ્યા તેમ સુશાસનમાં વિશ્વાસ મૂકનારા સાથે પણ ન બને તે જોજો…. બોટલમાંથી કોઇક બીજું જ નીકળશે! 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top