National

26 જાન્યુઆરીએ જે થયુંં એ દૂર્ભાગ્યપુર્ણ: રાષ્ટ્રપતિએ દિલ્હી હિંસાની નિંદા કરી

દિલ્હી (Delhi): રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) શુક્રવારે સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધન કરતાં બજેટ સત્રના શરૂઆતની ઉજવણી કરી હતી અને સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદે કેન્દ્રના રસીકરણ અભિયાનની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું, ‘તે ગૌરવની વાત છે કે ભારત વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યુ છે. આ કાર્યક્રમની બંને રસી ભારતમાં બનાવવામાં આવે છે. આ કટોકટીમાં પણ ભારતે માનવતા દાખવી અનેક દેશોને રસીના લાખો ડોઝ પ્રદાન કર્યા છે.’.

પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિએ પ્રજાસત્તાક દિને (72nd Republic Day) દિલ્હીમાં જે હિંસાઓ થઇ તેની આકરી ટીકા કરી હતી. તેમણે નવા કૃષિ કાયદાઓની તરફેણ કરી હતી અને ન્યૂનતમ વેચાણ ભાવ (Minimum support Price-MSP) શાસન જાળવી રાખવાના વિવાદાસ્પદ મુદ્દા પર બોલતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, ‘અમે એમએસપી પર સ્વામિનાથન કમિશન અહેવાલ અમલમાં મૂક્યો. અમે માઇક્રો સિંચાઈ પર ધ્યાન આપી રહ્યા છીએ.’.

નવા ત્રણ કૃષિ કાયદાઓની વાત કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કાયદાઓનો બચાવ કર્યો હતો અને કહ્યુ હતુ કે, ‘અમને ખુશી છે કે સરકાર દ્વારા લેવામાં આવેલી અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. દેશમાં પાક, ફળો અને શાકભાજીનું વિક્રમી ઉત્પાદન જોવા મળ્યું છે. નાના ખેડુતો માટે સરકારે અનેક નિર્ણયો લીધા છે. સરકારે સાત મહિના પહેલા યોગ્ય પરામર્શ કર્યા પછી જ ત્રણ કૃષિ કાયદા લાગુ કર્યા છે. તેનાથી 10 કરોડ નાના ખેડુતોને લાભ થશે. ભૂતકાળમાં ઘણા રાજકીય પક્ષોએ આ મંતવ્યોનું સમર્થન કર્યું હતું. સંસદમાં આ બિલ પર યોગ્ય ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ કાયદાઓ મુલતવી રાખવામાં આવ્યા છે.’.

રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના ભાષણમાં ઉમેર્યું કે, ‘મારી સરકાર સ્પષ્ટતા કરવા માંગશે કે ત્રણ કૃષિ કાયદાની રચના પહેલા જે હક અને સુવિધાઓ ઉપલબ્ધ હતી તેમાં ઘટાડો કરવામાં આવ્યો નથી, હકીકતમાં આ નવા કૃષિ સુધારા સાથે સરકારે ખેડુતોને નવી સુવિધાઓ અને હક પૂરા પાડ્યા છે. રોગચાળા સામેની આ લડતમાં અમે ઘણા નાગરિકો ગુમાવ્યા. કોરોના કાળમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન થયું છે. કોવિડને કારણે છ સાંસદો અમને અકાળે છોડી ગયા. હું તે બધાને શ્રદ્ધાંજલિ આપું છું.’.

રાષ્ટ્રપતિ કોવિંદે તેમના સંબોધનમાં કહ્યું કે, ‘મને સંતોષ છે કે મારી સરકાર દ્વારા સમયસર લેવામાં આવેલા નિર્ણયથી લાખો નાગરિકોના જીવ બચ્યા છે. આજે નવા કોવિડ કેસોની સંખ્યા ઝડપથી નીચે આવી રહી છે. રિકવરી રેટ વધ્યો છે. કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે સંસદનું સંયુક્ત સત્ર આવશ્યક હતું. આપણે સ્વતંત્રતાના 75 માં વર્ષમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ. આજે બધા સાંસદો સંદેશ અને વિશ્વાસ સાથે અહીં હાજર છે કે ગમે તેટલા મુશ્કેલ પડકાર આવે ભારત અટકશે નહીં.’. જણાવી દઇએ કે આજે કુલ 19 વિરોધી પક્ષોએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top