Editorial

દેશમાં ગરીબી ઘટી છે પરંતુ આર્થિક ચિત્ર બહુ ફૂલગુલાબી નથી

છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં લોકોની આર્થિક સ્થિતિ નોંધપાત્ર રીતે સુધરી હોવાનું સ્પષ્ટ જણાય છે અને દેશમાં ગરીબીના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે છતાં આપણે જોઇ શકીએ છીએ કે સમાજનો એક ઘણો મોટો વર્ગ  હજી પણ સંઘર્ષમય જીવન જીવે છે અને બે છેડા મેળવવા પણ તેણે ઘણી મથામણ કરવી પડે છે. ભારતમાં ગરીબી ઘટી છે તે બરાબર છે પરંતુ સુખાકારી વધી છે એમ કહી શકાય તેમ નથી. હાલમાં પ્રકાશિત થયેલો યુએનડીપીનો એક નવો  અહેવાલ પણ કંઇક આ પ્રકારનું જ સૂચન કરે છે.

ભારત ઉંચી આવક અને મિલકતની અસમાનતા ધરાવતા ટોચના દેશોમાંના એક તરીકે ઉપસ્યું છે પરંતુ તેની બહુપરિમાણીય ગરીબીમાં જીવતી વસ્તીનુ઼ં પ્રમાણ ૨૦૧૫-૧૬ અને  ૨૦૧૯-૨૧ વચ્ચે ૨પ ટકા પરથી ઘટીને ૧૫ ટકા થઇ ગયું છે એમ યુએનડીપીનો હાલનો અહેવાલ જણાવે છે. ભારતમાં માથાદીઠ આવક વધી છે, જેને ભયંકર કહી શકાય તેવી ગરીબીના પ્રમાણમાં ઘટાડો થયો છે પરંતુ તે સાથે  જ આર્થિક અસમાનતા પણ વધી છે અને જેઓ ગરીબીમાંથી બહાર આવી ગયા હોવાનું કહેવાય છે તેમણે પણ મોંઘવારી જેવા પરિબળોને કારણે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ધ ૨૦૨૪ એશિયા-પેસેફિક હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, જે સોમવારે જારી કરવામાં આવ્યો છે તે ભારત માટે લાંબા ગાળાના વિકાસનું એક ગુણવત્તાયુક્ત ચિત્ર દોરે છે પરંતુ પ્રવર્તી રહેલી અસમાનતા અને વ્યાપક ખોરવણીને  કારણે એક વમળયુક્ત વિકાસનું ચિત્ર બતાવે છે અને માનવ વિકાસને વેગ આપવા માટે તાકીદે એક નવી દિશાઓ માટે હાકલ કરે છે. ભારતમાં વર્ષ ૨૦૦૦ અને ૨૦૨૨ વચ્ચે માથાદીઠ આવક ૪૪૨ ડોલર પરથી વધીને ૨૩૮૯  ડોલર થઇ છે.

જ્યારે ૨૦૦૪ અને ૨૦૧૯ વચ્ચે ગરીબીનો દર(પ્રતિ દિન ૨.૧૫ ડોલરના આંતરરાષ્ટ્રીય માપના આધારે) ઘટીને ૪૦ ટકા પરથી ૧૦ ટકા પર ગયો છે. ગરીબીનો દર ભલે દસ ટકા રહ્યો હોય પરંતુ જેને  મલ્ટિડાયમેન્શનલ કે બહુપરિમાણીય કહી શકાય તેવી ગરીબીમાં જીવતી વસ્તીનું પ્રમાણ ૧૫ ટકા જેટલું છે. ‘મેકિંગ અવર ફ્યુચર: ન્યૂ ડાયરેકશન ફોર હ્યુમન ડેવલપમેન્ટ ઇન એશિયા એન્ડ ધ પેસેફિક’ એવું મથાળું ધરાવતો આ  નવો અહેવાલ કહે છે કે પુરી નહીં થયેલી આકાંક્ષાઓ, વધેલી માનવ અસુરક્ષા અને સંભવિતપણે વધુ વમળયુક્ત ભવિષ્ય પરિવર્તન માટે એક તાકીદની જરૂરિયાત પર ભાર મૂકે છે.

અહીં વમળયુક્ત ભવિષ્ય એ મહત્વના શબ્દો  છે. આપણે પણ જો બારીકાઇથી જોઇએ તો સમજી શકાશે કે એક ઘણો મોટો વર્ગ જાત જાતની અચોક્કસતાઓનો સામનો કરે છે. ઘણા લોકોની આવક તો વધી છે પરંતુ આ આવક મેળવવા તેમણે વિશ્વના અન્ય ઘણા દેશોની  સરખામણીમાં ઘણું વધારે કામ કરવું પડે છે. અવિધિસરના ખાનગી ક્ષેત્રોમાં કામદારો અને કર્મચારીઓનું ઘણુ શોષણ થાય છે અને  તેમને સામાજીક સલામતી તો મળતી જ નથી. આ અહેવાલ જણાવે છે કે ગરીબી ઘટાડવામાં  સફળતા છતાં ભારતમાં ગરીબી તે રાજ્યોમાં વધુ પ્રવર્તવાનું ચાલુ રહ્યું છે જે રાજ્યો દેશની કુલ વસ્તીના ૪૫ ટકા વસ્તી ધરાવે છે પરંતુ દેશના કુલ ગરીબોમાં આ રાજ્યોના ગરીબોનું પ્રમાણ ૬૨ ટકા છે.

વધુમાં એવા પણ ઘણા  લોકો છે કે જેઓ ગરીબીમાંથી બહાર આવ્યા છતાં પણ તેઓ ફરીથી ગરીબીમાં ધકેલાઇ જવાનું મોટું જોખમ ધરાવે છે. આ લોકો ગરીબી રેખાની ઉપર ઝળુંબી રહ્યા છે. આમાં મહિલાઓ, અવિધિસરના કામદારો અને એક  રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરવા જતા માઇગ્રન્ટોનો સમાવેશ થાય છે. આ અહેવાલ એમ પણ જણાવે છે કે ઝડપી વિકાસ છતાં પ્રવર્તતી અસમાનતાને કારણે આવકની વહેંચણી વધુ અસમાન રહી છે. એવા વધતા પુરાવાઓ  છે કે ભારતમાં આવકની અસમાનતામાં, ખાસ કરીને વર્ષ ૨૦૦૦ પછીના સમયગાળામાં મજબૂત વધારો થયો છે.

ગરીબી ઘટી તેમ છતાં ભારતમાં ૧૮.પ૦ કરોડ લોકો હજી પણ અત્યંત ગરીબીમાં જીવે છે – જેઓ દિવસના ૨.૧૫ ડોલર કરતા પણ  ઓછી આવક મેળવે છે એમ જણાવતા આ અહેવાલ એવી પણ ચેતવણી આપે છે કે કોવિડ-૧૯ના રોગચાળા પછીના આર્થિક આંચકાઓને કારણે આ આંકડો હજી વધી શકે છે. ભારતમાં મધ્યમ વર્ગના લોકોનાં પ્રમાણમાં મોટો વધારો થયો છે એમ યુએનડીપીનો અહેવાલ જણાવે છે. મધ્યમ વર્ગના વૈશ્વિક વિકાસમાં ભારતનો મોટો ફાળો છે. દિવસના ૧૨ ડોલર પરથી ૧૨૦ ડોલર જેટલી રકમ પર ગુજારો  કરતા આ મધ્યમ વર્ગના વૈશ્વિક વધારામાં ભારતનો ફાળો મોટો છે. ભારતમાં મધ્યમ વર્ગ મોટો થયો છે જે ટુ-વ્હીલર, રેફ્રિજરેટર કે એસી જેવી સુવિધાઓ તો સરળતાથી ખરીદી શકે છે પરંતુ જીવન માટે આવશ્યક એવું રહેઠાણ ખરીદવું હોય કે ભાડે લેવું હોય તો તેણે ભારે સંઘર્ષ કરવો પડે છે. ટૂંકમાં, ભારતમાં ગરીબી ઘટી છે પરંતુ આર્થિક ચિત્ર ફૂલગુલાબી નથી તે સ્પષ્ટપણે સમજાય છે.

Most Popular

To Top