Gujarat

દારૂના નેટવર્કમાં પોલીસ, પોલિટિશ્યન્સ અને બુટલેગરોની છે બરાબરની ભાગીદારી- કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ

લઠ્ઠાકાંડ (Lathha Kand) અને ત્યારબાદ દારૂબંધીનો (Prohibition of Alcohol) મુદ્દો હવે ગુજરાતના રાજકારણમાં હોટ ફેવરિટ બનતા જાય છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ લઠ્ઠાકાંડ મામલે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે જ્યારે બીજી તરફ સક્રીય રાજકારણમાં પ્રવેશ કરવા માટે નેતાઓ લઠ્ઠાકાંડને હથિયાર બનાવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ વહેતી ગંગામાં હાથ ધોવાના પ્રયાસ કરતા કોંગ્રેસમાં જોડાવાની અટકળો જાતે જ વહેતી કરી છે. વાઘેલાએ સામેથી કહ્યું હતું કે હું કોંગ્રેસ જો ગુજરાતમાંથી (Gujarat) દારૂબંધી દૂર કરવા માટે આગોતરી જાહેરાત કરે તો જ હું કોંગ્રેસમાં (Congress) જોડાઈશ. બીજી તરફ ભરતસિંહ સોલંકીએ પણ રાજકારણમાં ફરી સક્રીય થવાના સંકેત આપ્યા છે.

બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર શનિવારે મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને સ્થાનિક ધારાસભ્યો સહિતના લોકો સાથેની મિટિંગ દરમ્યાન જણાવ્યું હતું કે દારૂના નેટવર્કમાં પોલીસ, પોલિટિશ્યન્સ અને બુટલેગરોનો 30, 30 અને 40 ટકાનો હિસ્સો છે. સમગ્ર ગુજરાતની અંદર નશાનું નેટવર્ક ચાલી રહ્યું છે અને જો કોઈ રાજકીય આગેવાન જનતા રેડ પાડે અથવા સામાજિક સંસ્થા દ્વારા રેડ કરવામાં આવે તો તેની સામે ઊંધા કેસ દાખલ કરીને તે લોકોને ફીટ કરી દેવાનું કામ હાલમાં સરકાર અને પોલીસ કરી રહી છે. દરમ્યાન તેમણે જણાવ્યું કે સમગ્ર ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ અને લંપી વાયરસના મુદ્દે સરકારને ઘેરવા માટેના કાર્યક્રમો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવનાર છે.

જગદીશ ઠાકોરે જણાવ્યું કે બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પણ ગુજરાતમાં છૂટથી દારૂ, ડ્રગ્સ, ગાંજો, અફીણ વેચાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના દરેક જિલ્લાઓમાં દારૂ અને નશીલા પદાર્થ કોણ વેચાણ કરશે તે સંગઠન દ્વારા નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ હોલસેલર પાસેથી અન્ય બુટલેગરો દ્વારા નશીલા પદાર્થ લઈને તેનું વેચાણ કરવામાં આવે છે. આ નેટવર્કમાં પોલીસ ૩૦ ટકા, રાજકીય આગેવાનો ૩૦ ટકા અને બુટલેગરના ૪૦ ટકાના ભાગીદાર છે અને તેના લીધે નશાની લતમાં ગુજરાતના યુવાનો બરબાદ થઈ રહ્યા છે. તેમણે લંપી વાયરસને લઈને પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે લંપી વાયરસના કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર અનેક ગાયોના મોત નીપજ્યા છે. તેમ છતાં પણ સરકારી ચોપડે નજીવા આંકડા બતાવવામાં આવી રહ્યા છે જે રીતે કોરોનાકાળમાં સરકારી ચોપડે ખોટા આંકડા બતાવવામાં આવતા હતા.

બીજી તરફ શંહરસિંહ વાઘેલાએ પણ દારૂબંધીની આડમાં રાજકીય રોટલો શેકવાના પ્રયાસ કર્યા છે. તેમણે જણાવ્યું કે, દારૂબંધીના નાટકનો હું વિરોધી છું, એટલે કોંગ્રેસના ધારાસભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે તો હું કોંગ્રેસમાં જોડાઈને તમામ સભ્યોને ભેગા કરીને રાજ્યમાંથી દારૂ મુક્તિ મામલે ચર્ચા કરાવીશ. જોકે આ બાબત તેમણે જાતે સામે ચાલીને કહી છે.

Most Popular

To Top