Gujarat

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓએ ભૂતકાળમાં રાજકીય પક્ષોને આંચકા આપ્યા છે

કોરોનાને કારણે ગુજરાતમાં (Gujarat) મુલતવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું (Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે ભાજપ, (BJP) કોંગ્રેસ (Congress) સહિતના રાજકીય પક્ષો દ્વારા સભાઓ કરવાની સાથે જોર લગાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં છ મહાપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંયાયતો તેમજ 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ કરવામાં આવશે. ગુજરાત આગામી એક માસ માટે રાજકીય સમરાંગણ બની જશે. જેને ભાજપ દ્વારા આખા દેશમાં મોડેલ સ્ટેટ તરીકે પ્રમોટ કરવામાં આવ્યું હતું તેવા ગુજરાત રાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં ગુજરાતના વિકાસની દિશા નક્કી કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આંચકાઓ આપનારી પણ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જ સને 2001માં ગુજરાત તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને આંચકો આપ્યો હતો અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનવાની તક મળી હતી. આ ન્યાયે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનેક નેતાઓનું ભાવિ ઘડશે અને અનેક નેતાઓનું ભાવિ બગાડી નાખશે.

એક માસ પછી તા.21મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની છ મહાપાલિકા માટે મતદાન થશે. બાદમાં તા.23મીના રોજ મતગણતરી થશે. જ્યારે પંચાયતોની ચૂંટણી માટે તા.28મીના રોજ મતદાન થશે અને તા.2જી માર્ચના રોજ મતગણતરી થશે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે માત્ર એક જ માસનો સમય અપાયો છે. આજથી જ રાજકીય પક્ષો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ દ્વારા ચૂંટણી પહેલા જ અનેક સભાઓ કરી લેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલે ભાજપ માટે ઝંઝાવાતી કાર્યક્રમો કર્યા હતાં. તેનો સીધો લાભ ભાજપને મળે તેમ છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ જનસભાઓના આયોજનો કરાયા તેનો લાભ કોંગ્રેસને મળશે. ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સભાઓ ઓછી થઈ હશે, પરંતુ રાજકારણમાં મતદારો કઈ તરફ ઢળશે તે છેલ્લી ઘડી સુધી નક્કી હોતું નથી.

આ ચૂંટણીઓ એવી રીતે પણ ઘણી મહત્વની બની રહેશે કે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલ માટે સ્થાનિક સ્વરાજની આ પહેલી ચૂંટણી છે. સીઆરની આગેવાનીમાં ભાજપે વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી જીતી લીધી છે. સીઆર પાટીલે ભાજપમાં પેજ પ્રમુખનું અભિયાન શરૂ કર્યા બાદ ભાજપનો ઉત્સાહ આસમાને છે. બીજી તરફ કોંગ્રેસ પણ ગાંજી જાય તેમ નથી. કોરોનાને કારણે ઉદ્દભવેલી ધંધા-રોજગારની સ્થિતિનો લાભ કોંગ્રેસ લેશે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ રીતે પણ મહત્વની બની રહેશે કે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ઔવેસની પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં ઉતરશે. આમ તો ગુજરાતનો ઈતિહાસ એવો રહ્યો છે કે આ રાજ્યમાં મુખ્યત્વે બે જ રાજકીય પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે. ભૂતકાળમાં ચીમનભાઈ પટેલ અને બાદમાં શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી બનાવીને ઉંધા જ પડ્યા હતાં અને બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં.

આજ રીતે ઔવેસીએ છોટુ વસાવાની પાર્ટી સાથે ભલે જોડાણ કર્યું હોય પરંતુ તેને વધારે સફળતા મળે તેવી સંભાવના નથી. જોકે, ઔવેસીની પાર્ટી કોંગ્રેસના ઉમેદવારોના મત જરૂર બગાડશે તે નક્કી છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપને વધારે વાંધો આવે તેમ નથી. પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મોટું જોખમ રહેલું જ છે. સીઆર પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. આ સંજોગોમાં ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પ્રત્યે વધારે ધ્યાન આપવું પડશે.

અગાઉની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાપાલિકા અને નગરપાલિકાને બાદ કરતાં જિલ્લા પંચાયતોમાં ભાજપે બહુમતિ ગુમાવી હતી. 31 જિલ્લા પંચાયતો પૈકી કોંગ્રેસે મોટાભાગની જીતી લીધી હતી. જોકે, બાદમાં ભાજપે કોંગ્રેસના સભ્યોને તોડીને અનેક પંચાયતોમાં બહુમતિ મેળવી લીધી હતી પરંતુ હવે ફરી ચૂંટણીઓ આવી ગઈ છે ત્યારે ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો જંગ રસપ્રદ બનશે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસની છેલ્લી પેઢી માટેની ચૂંટણી રહેશે. આ ચૂંટણી પછી બંને પક્ષમાં નવા ચહેરાઓ જોવા મળશે તે નક્કી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top