National

કોર્ટે અતીકને આજીવન કેદની સજા ફટકારી, સાબરમતી જેલમાં રખાશે

પ્રયાગરાજ: પ્રયાગરાજની એક કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અતીક અહેમદ સહિત ત્રણ દોષિતોને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આજે મંગળવારે જ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આ કેસમાં અશરફ સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે અતીકને ઉમર કેદની સજા ફટકારવામાં આવી હતી. સાબરમતી જેલમાં લઈ જવા માટે પોલીસનો કાફલો પ્રયાગરાજથી રવાના થઈ ગયો છે.

એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું હતું કે, આજે મંગળવારે રાજ્યના મુખ્ય માફિયા અતીક અહેમદને પહેલી વાર કોઈ પણ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. ઉમેશ પાલના અપહરણ કેસમાં આજે નામદાર કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આજીવન કેદની સાથે ત્રણેય આરોપીઓને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપીઓમાં અતીક અહેમદ, ખાન શૌકત હનીફ અને દિનેશ પાસીનો સમાવેશ થાય છે.

અતીક અહેમદના વકીલે દાવો કર્યો છે કે, અતીકને સાબરમતી જેલમાં પરત મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અતીકને હાલમાં પ્રયાગરાજની નૈની જેલમાં રાખવામાં આવ્યો છે. અતીકને આજે મંગળવારે જ સાબરમતી જેલમાં મોકલી શકાય તેવી ચર્ચા છે.
પોલીસ અતીક અહેમદને નૈની જેલમાં લઈ જઈ રહી હતી. તે જ સમયે, અતીકના વકીલે કહ્યું કે, તે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે. અતીકને કોર્ટમાંથી વજ્ર વાહનમાં જેલમાં લઈ જવામાં આવી રહ્યો છે.

ઉમેશ પાલની માતાએ કહ્યું કે અતીક જેલમાંથી કંઈ પણ કરાવી શકે છે. મારા પુત્રની હત્યા માટે તેને ફાંસીની સજા થવી જોઈએ.
કોર્ટે ત્રણેય દોષિતોને એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. આ રકમ પીડિત પરિવારને આપવામાં આવશે. સાંજ સુધી કોર્ટરૂમમાં કાનૂની પ્રક્રિયા ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે બાંદામાં અતીક અહેમદ પર કોર્ટના નિર્ણય પર કહ્યું કે, ”અમારી સરકાર ગુનાખોરી અને ગુનેગારોને ખતમ કરી રહી છે. કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ગુનેગારને સખત સજા થવી જોઈએ. સમગ્ર રાજ્યમાં ભયમુક્ત વાતાવરણ સર્જાયું છે. અમે દરેક ગુનેગારને જેલમાં મોકલીશું.”

આજીવન કેદ બાદ અતીક અહેમદના વકીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.
ઉમેશ પાલની પત્ની જયા દેવીએ કહ્યું કે, ”જ્યાં સુધી અતીક, તેના ભાઈ અને પુત્રનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી આ આતંક ચાલુ રહેશે. હું ન્યાયતંત્રના નિર્ણયનું સન્માન કરું છું. હું ઇચ્છું છું કે મુખ્યમંત્રી અતીક અહેમદને ખતમ કરે જેથી તેમના આતંકને પણ કાબૂમાં લઈ શકાય.” અતીકને ઉમર કેદની સજા ફટકારવામાં આવી છે જેના કારણે તેને ફરીથી અમદાવાદની જેલમાં રાખવામાં આવશે. આ માટે પોલીસનો કાફલો પ્રયાગરાજથી અમદાવાદ આવવા નીકળી ગયો છે.

Most Popular

To Top