Gujarat

આજથી બે દિવસ માટે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે: રાજકોટ નજીક હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે

ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદી (PMModi) આવતીકાલ તા.27 અને 28મી જુલાઈ દરમ્યાન ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી રહ્યાં છે. જેમાં ખાસ કરીને પીએમ મોદી આવતીકાલે રાજકોટની મુલાકાત લેશે , રાજકોટ નજીક આવેલા હિરાસર એરપોર્ટનું (HirasarAirport) તથા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના (SaurashtraNarmadaIrrigationScheme) હેઠળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું હોવાથી તા. 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની પ્રજાને સમર્પિત કરશે.

તા.28મી જુલાઈના રોજ પીએમ મોદી ગાંધીનગરમાં (Gandhinagar) રાજભવનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના (CMBhupendraPatel) નેતૃત્વ હેઠળ રચાયેલી નવી સરકારના મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરશે. એટલે કે તેમની કામગીરીનું રિપોર્ટ કાર્ડ પણ મેળવશે. આ ઉપરાંત પીએમ મોદી ભાજપના (BJP) સાંસદો (MP) તથા ધારાસભ્યોને (MLA) પણ મળનાર છે. લોકસભાની ચૂંટણી (ParliamentElection) પહેલા પીએમ મોદીની આ મહત્વની મુલાકાત મનાય છે.

રાજકોટમાં ક્યા કયા પ્રકલ્પોનું લોકાપર્ણ કરશે
વડાપ્રધાન મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરશે. અહીં તેઓ ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરીને જનતાને સમર્પિત કરશે. વડાપ્રધાન આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કરશે. બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધારશે. જ્યાં તેમના અધ્યક્ષસ્થાને લોકાપર્ણ કાર્યક્રમનો પ્રારંભ થશે.

રેસકોર્સ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા ૩૯૪ કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક ૩ના પેકેજ પેકેજ-૮ અને ૯, તેમજ રાજકોટમાં રૂપિયા ૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત રૂ. ૪૧.૭૧ કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની ૧૨૧૯ ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-૧માં રૈયાધારમાં રૂ.૨૯.૭૩ કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-૧૮માં કોઠારિયામાં ૧૫ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂ.૮.૩૯ કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કરશે.

સેમી કન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના સેમિકોન ઈન્ડિયા 2023ને વડાપ્રધાન ખુલ્લુ મુકશે
સેમીકન્ડક્ટર ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.28 જુલાઈ, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સ્થાનિક સેમી કન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકાર દ્વારા સેમીકન્ડક્ટર પોલિસી (2022-2027) જાહેર કરવામાં આવી હતી. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઈન ક્ષેત્ર માટે IT/ITes પોલિસી જાહેર પણ કરી હતી. સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ગુજરાત સરકારે ₹22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે એમઓયુ સાઇન કર્યા છે.

Most Popular

To Top