Editorial

માઉન્ટ એવરેસ્ટ પર કચરાના ઢગલા: થોડા વર્ષ માટે પર્વતારોહણ પર પ્રતિબંધ જરૂરી છે

માઉન્ટ એવરેસ્ટ એ પૃથ્વી પરનું સૌથી ઉંચુ શિખર છે. આ શિખરની ટોચ સુધી જવું એ એક સમયે ખૂબ મુશ્કેલ લગભગ અશક્યવત જણાતું હતું. સને ૧૯૫૩માં અત્યંત મુશ્કેલ સંજોગોમાં સર એડમંડ હિલેરી અને તેનસિંગ નોર્ગેએ સૌપ્રથમ વખત આ શિખર સર કર્યું. પછી તો બીજા સાહસિકો પણ જવા લાગ્યા. અનેક સાહસિકો નિષ્ફળ પણ નિવડ્યા તો કેટલાકનાં મોત પણ થયા. પછી તો નવા નવા ટેકનોલોજીકલ સંશોધનો પણ આ પર્વતારોહણમાં મદદરૂપ થવા માંડ્યા અને સેંકડોની સંખ્યામાં સાહસિકો આ શિખર સર કરવા લાગ્યા. પરંતુ આ સાથે જ એક નવી મુશ્કેલી પણ સર્જાવા માંડી. પર્વતારોહકોની સંખ્યા વધતા આ પર્વત પર કચરાનો ઢગલો પણ વધવા માંડ્યો. હાલમાં અહેવાલ આવ્યા છે કે માઉન્ટ એવરેસ્ટના સૌથી ઊંચા કેમ્પનું સ્થળ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયું છે, જેમાં હાલમાં બહાર આવેલા એક વીડિયોમાં ત્યજી દેવાયેલા ટેન્ટ, ખાલી ઓક્સિજન સિલિન્ડર અને માનવ મળમૂત્ર બરફ પર વેરાયેલા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફૂટેજમાં પૃથ્વી પરનો સૌથી ઊંચો કેમ્પસાઇટ ‘કેમ્પ IV’ પર્વતારોહક જૂથો દ્વારા પાછળ છોડી દેવાયેલા કચરાના ઢગલાઓથી ભરેલો દેખાય છે, જેમાં અસંખ્ય ફાટી ગયેલા તંબુઓ તીવ્ર પવનમાં ફડફડી રહ્યા છે. સાઉથ કોલ પર આવેલો કેમ્પ IV, વિશ્વના સૌથી ઊંચા અને ચોથા સૌથી ઊંચા પર્વતો અનુક્રમે માઉન્ટ એવરેસ્ટ અને લ્હોત્સેની વચ્ચે આવેલો છે. ૨૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ બનાવેલો આ કેમ્પ પર્વતારોહકો માટે ૨૯,૦૩૨ ફૂટ ઊંચા શિખર તરફ ‘ડેથ ઝોન’માંથી પસાર થવાનો પ્રયાસ કરતા પહેલાં આરામ કરવાનું અંતિમ સ્થળ છે.

એવરેસ્ટના આરોહણને સમર્પિત સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘એવરેસ્ટ ટુડે’ એ X પર પોસ્ટ કર્યું કે, ‘જે પૃથ્વી પરના સૌથી અદ્ભુત સ્થળોમાંનું એક હોવું જોઈતું હતું, તે ઘણી રીતે એવરેસ્ટના વ્યાપારીકરણનો સૌથી કદરૂપો ચહેરો બની ગયું છે.’ આ વાત બિલ્કુલ યોગ્ય જ છે. સુંદર માઉન્ટ એવરેસ્ટને માણસજાતે ગંદકીથી ભરેલું સ્થળ બનાવી દીધું છે. વધુમાં તેણે કહ્યું છે કે ‘સાઉથ કોલ પર ત્યજી દેવાયેલા ટેન્ટ, ખાલી ઓક્સિજન બોટલો, ખાદ્ય પદાર્થોના ડબ્બા, તૂટેલા સાધનો અને અન્ય કચરો ચારેય તરફ વેરવિખેર પડ્યો છે, જેણે વિશ્વના સૌથી ઊંચા કેમ્પસાઇટને પર્વતારોહણના સાધનોના સ્મશાનમાં ફેરવી દીધું છે.’

વિશ્વના સૌથી ઉંચા પર્વત પર હવે મોટી સમસ્યા વધુ પડતા પ્રમાણમાં પર્વતારોહકોનો ધસારો છે. મે મહિનામાં માત્ર એક જ દિવસમાં વિક્રમી ૨૭૪ લોકોએ નેપાળ થઈને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો, જેના કારણે મુલાકાતીઓના ધસારાએ કચરાની સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી છે. સ્વાભાવિક રીતે પર્વતારોહકો પોતાની સાથે લઇ ગયેલા ખોરાકના ખાલી ડબ્બા, પાણીની બોટલો, કામચલાઉ તંબુઓ વગેરે ત્યાં ફેંકતા આવે છે.

શૌચક્રિયાઓ પણ તેમણે ત્યાં કરવી પડે છે અને તેથી ગંદકી થાય છે. વર્ષોથી આ બધું થતું આવ્યું છે તેથી કચરો વધતો ગયો છે. મળ-મૂત્રનું તો વાતાવરણમાં વિસર્જન પણ થઇ જાય, પરંતુ પ્લાસ્ટિક જેવા પદાર્થોમાંથી બનેલી અનેક વસ્તુઓનું ઝડપથી વિસર્જન થતું નથી અને એવરેસ્ટ પર કચરો વધતો જાય છે. ૧૯૫૩માં એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા આ શિખર પ્રથમ વખત સર કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં હજારો પર્વતારોહકો આ પર્વત પર ચઢી ચૂક્યા છે. સમજી શકાય છે કે કેટલો કચરો ભેગો થયો હશે! જો કે પર્વત પર વર્ષોથી જમા થયેલા કચરાને સાફ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અતિશય ઊંચાઈ અને આત્યંતિક હવામાન આ કાર્યને ખૂબ જ જોખમી બનાવે છે.

સારું હવામાન પણ ઝડપથી હિમવર્ષામાં ફેરવાઈ શકે છે અને અહીં ઓક્સિજનનું સ્તર સામાન્ય કરતાં ત્રીજા ભાગનું થઈ જાય છે. તેથી અહીં સામાન્ય સફાઇ કર્મચારીઓને મોકલી શકાતા નથી અને પર્વતારોહકો કચરો સાફ કરવાની જવાબદારી ઉઠાવતા નથી. ૨૦૨૪ માં, શેરપાઓ અને નેપાળી સૈનિકોના એક જૂથે પર્વત પરથી ૧૧ ટન કચરો સાફ કર્યો હતો અને ચાર મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ મિશન સરળ ન હતું: બરફથી સંપૂર્ણપણે ઢંકાઈ ગયેલા એક મૃતદેહને બહાર કાઢવામાં આ ટીમને બે દિવસનો સમય લાગ્યો હતો. ટીમને ત્યાં મળેલો કેટલોક કચરો તો ૬૯ વર્ષ જૂનો હતો!

હાલમાં ૨૦ મેના રોજ એક જ દિવસમાં ૨૭૪ પર્વતારોહકોએ શિખર સર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે, જેણે અગાઉ ૨૨ મે, ૨૦૧૯ના રોજ સ્થાપિત ૨૨૩ પર્વતારોહકોના રેકોર્ડને તોડી નાખ્યો છે, જેમણે નેપાળ તરફની દક્ષિણ બાજુથી એવરેસ્ટ સર કર્યો હતો. ડ્રોન ફૂટેજમાં આ મે મહિનામાં સાનુકૂળ હવામાનનો લાભ લેવા માટે સેંકડો પર્વતારોહકો પર્વત પર ચઢવા માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા, જેના કારણે એવરેસ્ટના અતિ-વ્યાપારીકરણ અંગેની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.

નિષ્ણાતો ઘણીવાર પર્વત પર મોટી સંખ્યામાં પર્વતારોહકોને મંજૂરી આપવા બદલ નેપાળની ટીકા કરે છે, જેના કારણે ક્યારેક શિખરની બરાબર નીચેના વિસ્તારમાં જોખમી ટ્રાફિક જામ અથવા લાંબી કતારો સર્જાય છે. માઉન્ટ એવરેસ્ટને સંપૂર્ણપણે કચરાના ઢગલામાં ફેરવાઇ જતો અટકાવવા માટે તેના પર પર્વતારોહણની પ્રવૃતિ થોડા સમય માટે સંપૂર્ણપણે અટકાવી દેવી જોઇએ. ઓછામાં ઓછું ત્રણેક વર્ષ પણ પર્વતારોહણ બંધ રાખીને તાલીમબધ્ધ ટુકડીઓ અને લશ્કરની સહાયથી સફાઇ અભિયાન શરૂ કરવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે. વિશ્વભરના દેશોએ આ માટે નેપાળ સરકાર પર દબાણ કરવું જોઇએ.

Most Popular

To Top