Comments

પરીક્ષાની ભ્રષ્ટ વ્યવસ્થા અને મેરીટનો ભ્રમ

એક પછી એક કેટલા છબરડા! પહેલાં નીટ પરીક્ષાનું પેપર ફૂટી ગયું, પછી સી.બી.એસ.સી. ની પરીક્ષાના મૂલ્યાંકનની ગેરરીતિ સામે આવી અને હવે સી.યુ.ઈ.ટી. પરીક્ષામાં ટેકનિકલ ખામી સર્જાઈ અને ૩૭૬૫ વિદ્યાર્થી પરીક્ષા ચૂકી ગયાં! આ બધી જ કેન્દ્રીય સ્તરે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા છે, જેને માટે અથાગ મહેનત કરી વિદ્યાર્થીઓએ સફળ જીવનનાં સપનાં જોયાં હોય! જો આ જ પરીક્ષામાં ધાંધિયા થાય તો હતાશા અને નિરાશા થાય અને વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધી પણ પહોંચી શકે. અત્યાર સુધી તેર વિદ્યાર્થીઓએ આવું આત્યંતિક પગલું લીધું હોવાનું નોધાયું છે,

 વિદ્યાર્થીની લાયકાત નક્કી કરવા માટે બહુ વિકલ્પ પ્રશ્નવાળી પરીક્ષાની યોગ્યતા અંગે દુનિયાભરના દેશોમાં વિવાદ છે. એ ચર્ચામાં ના પડીએ તો પણ, કેન્દ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સપાટી પર આવેલો ગેરવહીવટ માત્ર વહીવટી નિષ્ફળતા નથી પણ આખી વ્યવસ્થા ઉપર ઊઠતો સવાલ છે. આખા દેશમાં પરીક્ષા લેવાની જવાબદારી જેને સોંપાઈ છે તે નેશનલ ટેસ્ટ એજન્સીની કાબેલિયત અને વિશ્વસનીયતા સામે અનેક વાર સવાલ ઊઠ્યા છે.

એક જ મહિનામાં ઉપરાછાપરી બનેલી ઘટનાઓએ એ ભ્રમનો ભાંગીને ભૂકો કરી નાખ્યો કે રાષ્ટ્રીય સ્તરની મોટી પરીક્ષાઓ તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયસંગત હોય છે, જે સૌ માટે સમાન તક ઊભી કરે છે. જ્યારે કોઈ પરીક્ષા, રોજગાર અને પ્રગતિ માટેનો મુખ્ય માર્ગ બની જાય છે, ત્યારે તેની ભૂમિકા માત્ર કોલેજમાં પ્રવેશ મેળવવા પૂરતી મર્યાદિત રહેતી નથી, પણ તે વ્યક્તિની “યોગ્યતા”નો પુરાવો બની જાય છે. પરીક્ષામાં સફળતા કે નિષ્ફળતાને વ્યક્તિની આવડત સાથે જોડવામાં આવે છે.

ભલે ને સિસ્ટમ મૂળભૂત રીતે અસમાન હોય. નીટ, કે સી.યુ.ઈ.ટી. જેવી પરીક્ષામાં લાખો વિદ્યાર્થી બેસે છે એમની સાથે એમનાં પરિવારોની નાણાંકીય બચત, તેમજ ભાવનાત્મક રોકાણ પણ દાવ પર લાગ્યા હોય છે. સામે પ્રવેશ જો થોડાક હજાર વિદ્યાર્થીને જ મળવાનો હોય ત્યારે ભારે દબાણ હેઠળ કેટલાંક લોકોને જીવનમાં આગળ વધવા અથવા ટકી રહેવા માટે ગેરરીતિ “જરૂરી”લાગવા માંડે છે અને ભ્રષ્ટ વ્યવસ્થા તેમની અસલામતીને પોષતી રહે છે.

ભારતની પરીક્ષાવ્યવસ્થા સમાજમાં રહેલી વિસંગતિનું જીવંત ઉદાહરણ છે. માઈકલ સેન્ડલ નામના અમેરિકાના એક જાણીતા રાજકીય તત્ત્વચિંતક કહે છે કે એક જ પરીક્ષાના આધારે વિદ્યાર્થીની પ્રતિભા નક્કી કરવામાં આવે ત્યારે ‘તટસ્થ’ અને ‘ન્યાયિક’ લાગતી આ વ્યવસ્થા હકીકતમાં સમાજમાં રહેલી અસમાનતાને છુપાવવાનું કામ કરે છે. એક તરફ શહેરની સારી શાળાઓમાં ભણતાં, મોંઘા કોચિંગ ક્લાસની ફી ભરતાં, સ્થિર ઇન્ટરનેટની સગવડ વચ્ચે જીવતાં એવાં શિક્ષિત માતા-પિતાનાં સંતાન અને બીજી તરફ નબળી સરકારી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થી વચ્ચે કોઈ વાસ્તવિક સમાનતા નથી.

છતાં સ્પર્ધાનાં ધોરણો બંને માટે સમાન છે. શું આવી વ્યવસ્થાને ‘તટસ્થ’ કહી શકાય? આવા અસમાન મેદાન પર ઝઝૂમતાં વિદ્યાર્થીઓના પડતા પર પાટુ મારવાનું કામ કરે છે. પરીક્ષાઓ સાથે જોડાયેલી ગેરરીતિઓ, જેમાં શક્તિશાળી લોકોની સંડોવણી સામાન્ય બની ગઈ છે અને એમની સામે કોઈ શિક્ષાત્મક પગલાં ન લેવાય તો કોઈને આશ્ચર્ય નથી થતું. કહેવાતી “તટસ્થ”વ્યવસ્થા પણ પૈસા અને રાજકીય પ્રભાવ સામે નબળી પડે છે.

ભ્રષ્ટ વ્યવસ્થાનો ભોગ સમૃદ્ધ વર્ગનો વિદ્યાર્થી પણ બને જ છે. પણ એની પાસે ખાનગી કોલેજો કે વિદેશી શિક્ષણ જેવા વિકલ્પો છે. ધારે તો કાનૂની લડત પણ આપી શકે છે. મા-બાપ એને વિશ્વાસ આપી શકશે કે એક પરીક્ષાથી જીવનની શક્યતાનો અંત નથી આવતો. સફળતાનો કોઈક રસ્તો તો એને માટે ખૂલી જ જશે. જ્યારે ગરીબ વિદ્યાર્થીઓ માટે એક જ પરીક્ષા આખું ભવિષ્ય નક્કી કરતી હોય છે. પ્રગતિના રસ્તે જતા દરવાજા દૂરથી દેખાય છે પણ ઉઘડતાં નથી. જિંદગીભર એ વિદ્યાર્થી પોતાની આવડત પર શંકા કરવા અને ઓછી પડેલી મહેનતને કોસવામાં કાઢશે.

આ વર્ષની ઘટનાઓએ તો એ પણ સ્પષ્ટ સાબિત કરી દીધું કે ગેરરીતિઓ આકસ્મિક નથી તેમજ વ્યવસ્થાના કર્તા-હર્તા એનાથી અજાણ પણ નથી. સી.બી.એસ.સી. પરીક્ષા આપનાર સત્તર વર્ષનાં બે વિદ્યાર્થીઓએ ખૂલીને કહ્યું છે કે તેમણે ફેબ્રુઆરી મહિનામાં સી.બી.એસ.સી. પરીક્ષા અને મૂલ્યાંકનની ડીજીટલ પદ્ધતિમાં રહેલી એવી ગંભીર નબળાઈઓ તરફ ધ્યાન દોર્યું હતું કે છે જેને કારણે માર્ક્સ અને પરિણામોમાં ગેરરીતિ શક્ય બની શકે.

પરંતુ સી.બી.એસ.સી.ની સિસ્ટમ અને મંત્રાલય બંનેએ તેમનાં સૂચનો પ્રત્યે લગભગ મૌન જ રાખ્યું. વિદ્યાર્થીની પ્રતિભા (મેરીટ)ને તટસ્થ રીતે તપાસવાનો દાવો કરતી આ પરીક્ષાઓમાં જ્યારે ભ્રષ્ટાચાર, ટેક્નોલોજીકલ ક્ષતિઓ, કોચિંગ ઉદ્યોગ અને રાજકીય પ્રભાવ ઉમેરાય છે, ત્યારે “મેરિટ”નો આખો વિચાર જ ખોખલો બની જાય છે. માઈકલ સેન્ડલ કહે છે એમ ‘મેરીટ’નામનો પડદો મુઠ્ઠીભર લોકોના હાથમાં રહેલા આર્થિક અને માનવીય મૂડી ઉપરનાં વિશેષાધિકારને છુપાવવાનું કામ કરતો રહે છે, જ્યારે લાખો વિદ્યાર્થીઓ માટે શિક્ષણવ્યવસ્થા આશા કરતાં વધુ નિરાશા, અસમાનતા અને હતાશા ઉત્પન્ન કરતી રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top