Vadodara

પાવાગઢનો ટ્રસ્ટી અને CAએ ગુજાર્યો બળાત્કાર

વડોદરા: મૂળ હરિયાણાના રોહતકની અને હાલ શહેરની પારુલ યુનિવર્સીટીમાં એલએલબીના અભ્યાસ માટે આવેલી 24 વર્ષીય યુવતીને કેફી પીણું પીવડાવી પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ કંપનીના માલિક અશોક જૈને મળી દુષ્કર્મ આચરતા બળાત્કારીઓ વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં સીએ કંપનીના માલિક અને જમીન લે-વેચ કરતા ઇન્વેસ્ટરે યુવતીને ફરિયાદ નહીં કરવા માટે જમીનમાં 50 ટકાની ભાગીદારી બનાવીશું અને નવી કંપનીમાં CEO બનવવાની લાલચ આપી હતી. ગોત્રી પોલીસે બંને બળાત્કારીઓ વિરુદ્ધ બળાત્કાર, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૂળ હરિયાણાના રોહતકમાં અને હાલ વડોદરાના દિવાળીપુરામાં રહેતી 24 વર્ષીય યુવતી શહેરની પારુલ યુનિવર્સીટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે. યુવતીના માતા પિતા હરિયાણા ખાતે રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતા લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એમ્સ કો એન્ડ સન્સ કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા પાંચ મહિનાથી કામ કરે છે. આ એમ્સ કો એન્ડ સન્સ કંપનીના મલિક અશોકભાઈ અશકરણ જૈનએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ રાખી આપ્યો હતો. ત્યારે સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન જે આજવા રોડ ખાતે આવેલ છે. તે જમીન માટે ઇન્વેસ્ટર રાજુ અને અશોક જૈનની મિટિંગ ચાલતી હતી. અશોક જૈન દ્વારા ભાડે રાખી આપેલા ફ્લેટમાં યુવતી રહેતી હતી.

એક મહિના પહેલા યુવતીના શેઠ અશોક જૈન યુવતીના ફ્લેટ નીચે પહોંચ્યા હતા અને યુવતીને જણાવ્યું હતું કે, ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મિટિંગ કરવાની છે. તેમ જણાવી યુવતીને પોતાની મર્સડિઝ કારમાં બેસાડી વાસણા રોડ સ્થિત હેલીગ્રીનમાં આવેલ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં પહેલાથી હાજર રાજુ સાથે યુવતીએ અને અશોકે મિટિંગ કરી હતી અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીનને સેબીમાંથી કેવી રીતે ફ્રી કરવી છે તે અંગે ચર્ચા કરી હતી.

દરમિયાન અશોક જૈન રસોડામાં ગયા હતા અને પ્લાસ્ટિકના ગ્લાસમાં પેપ્સી ભરી તેમાં નાસાયુક્ત પદાર્થ ભેળવી લાવ્યા હતા અને યુવતીને તે પેપ્સી પીવડાવી હતી.દરમિયાન મિટિંગ પુરી થયા બાદ યુવતીને માથું ભારે લાગવા લાગ્યું હતું. ત્યારે અશોકે યુવતી સાથે શારીરિક છેડછાડ કરી પોતાન કપડાં કાઢી નગ્ન અવસ્થામાં યુવતીના કપડાં કાઢી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી અને યુવતી બુમાબુમ કરી ત્યાં થી ભાગવા લાગી હતી. ત્યારે અશોકે યુવતીને રોકી હતી અને કપડાં પહેરીને જા તેમ જણાવતા યુવતી ત્યાંથી પોતાન ઘરે જતી રહી હતી.

પાંચ દિવસબાદ અશોકે યુવતીને ફોન કરી સહારાની ડીલ કરવાની હોય તેઓ તું તાત્કાલિક ઓફિસે આવી જા તેમ જણાવતા યુવતી ઓફિસ પર પહોંચી હતી. ત્યારે અશોકે જે કઈ પણ થયું છે તે વાત રફા દફા કર અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જે ડીલ છે તેમાં જે કઈ પણ ફાયદો થશે તેમાં તને 50 ટકા ભાગ આપીશ અને રિયલ એસ્ટેટની કંપની ચાલુ કરવાની છે. તેમાં CEO તરીકેની પોસ્ટ આપીશ તેમ જણાવી ફરિયાદ કરવાની ના કરી હતી.

ત્યારબાદ ત્રણ દિવસ પછી અશોક ફરીથી યુવતીના ઘરે ટિફિન લઇ પહોંચ્યો હતો અને ચાલ આપણે સાથે જમીએ તેમ જણાવી જબરદસ્તી યુવતીના ઘરમાં પ્રવેશ કરી યુવતીને મારમારી કપડાં ફાડી જબરદસ્તી શારીરક સંબંધ બાંધ્યો હતો.  આ ઉપરાંત યુવતીને પોતાની હવસનો શિકાર કર્યા બાદ અશોકે ઇન્વેસ્ટર રાજુ સાથે પણ સંબંધ બાંધી તેને ખુશ કરી દે તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે રાજુ યુવતીના ઘરે પહોંચ્યો હતો અને યુવતીને માર મારી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જેનું રાજુએ રેકોર્ડિંગ કરી વાયરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી.

ગત તા. 14 સપ્ટેમ્બરના રોજ અશોકે યુવતીને ફોન કરી ઓફિસ પર બોલાવી હતી અને અન્ય એક ઇન્વેસ્ટર છે તેને ખુશ કરી દે. જેથી ડીલ થશે તેમાંથી 50 ટકા પ્રોફિટ તને આપી દઈશ તેમ જણાવ્યું હતું. ત્યારે આ બાબતે યુવતીએ ના પાડતા અશોકે પોતાના મોબાઈલમાં રહેલ અશોક અને રાજુ સાથેના યુવતીના બીભત્સ ફોટો તેમજ યુવતી પોતાના ફ્લેટમાં કેવી રીતે રહે છે તેનું રેકોર્ડિંગ હતું તે બતાવી જો હું કહું છું તેમ નહીં કરે તો આ ફોટો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીને નજીકના અકોટાના રેસ્ટોરન્ટમાં લઇ ગયો હતો અને ત્યાં પણ યુવતીએ અશોકના કહ્યા મુજબનું કરવાની ના પાડતા અશોકે યુવતીના બીભત્સ ફોટો યુવતીના મિત્રને મોકલી આપ્યા હતા. અને કારમાં જ યુવતીને માર મારી તેના ઘરે છોડી દીધી હતી.

દરમિયાન યુવતીએ ઘરે જઇ તપાસ કરતા એસીની બાજુમાં લગાવેલ સ્પાઇ કેમેરા લગાવેલા મળ્યા હતા. ત્યારે યુવતીનો મિત્ર ઘરે આવ્યો હતો અને તેની સાથે ફોટો અંગે વાત કરતા યુવતી પોતાની સાથે વીતેલી સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારબાદ યુવતી થોડો સામાન લઇ પોતાના વતન રોહતક જવા નીકળી હતી. જ્યાં દિલ્હી પહોચ્યા બાદ અશોકે ફરીથી યુવતીને ફોન કરી ધમકાવી હતી. જેથી યુવતી પરત દિલ્હી ફરી હતી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં એમ્સ કો એન્ડ સન્સ કંપનીના મલિક અશોક અને ઇન્વેસ્ટર રાજુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top