Madhya Gujarat

પાવાગઢ માતાજીના દર્શને ચાલતા જતા 42 વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત

હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શને ચાલતા જતા ખેડા જિલ્લાના શરનાલ ગામના 42 વર્ષીય યાત્રિકને હાલોલ ગોધરા હાઈવે રોડ પર મઘાસર ગામ નજીક એક તોતિંગ ટ્રેલરે  ટક્કર મારતા યાત્રિકનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે ટ્રેલરનો ચાલક અકસ્માત સર્જી  યાત્રીકનું મોત નીપજાવી ટ્રેલર સાથે ફરાર થઈ ગયો હતો હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના શરનાલગામ સુખીની મુવાડી ખાતે રહેતા બે કુટુંબી ભાઈઓ અજીતસિંહ વાઘેલા ઉં.વર્ષ ૪૨  અને રણજીતસિંહ વાઘેલા એમ બન્ને કુટુંબી ભાઈઓ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે ચાલતા ચાલતા શરનાલ ગામેથી પાવાગઢ ખાતે આવવા માટે નીકળ્યા હતા.

તે દરમ્યાન મઘાસર ગામે ભુવરનીકોતર નજીક મુખ્ય રોડ પર એક તોતિંગ ટ્રેલરના ચાલકે પોતાના ટ્રેલરને બેફામ પુરઝડપે હંકારી લઈ આવી રસ્તે ચાલતા અજીતસિંહને ટક્કર મારતા ટ્રેલરની ટક્કરથી અજીતસિંહ રોડ પર પછડાતા તેઓના માથામાં કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી અજિતસિંહના કુટુંબીભાઈ રણજીતસિંહ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્ત અજીતસિંહને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અજીતસિંહને જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા જેમા અકસ્માતમાં મોતને ભેટેલા અજીતસિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે અકસ્માતની ખબર સાંભળી દોડી આવેલા તેઓના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો જ્યારે બનાવ અંગે અજીતસિંહના  કુટુંબી ભાઈ રણજીતસિંહ બાલુસિંહ વાઘેલાએ હાલોલ રૂરલ પોલીસ મથકે અજાણ્યા ટ્રેલર  ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top