Dakshin Gujarat

પારડી હાઈવે બ્રિજ પર ઉભેલા ટેમ્પા પાછળ અથડાતા ડમ્પરના કેબીનનો ભુક્કો

પારડી : પારડીના ખડકી ગામે ને.હા. 48 સાઈ મંદિર સામે ઓવરબ્રિજ ચઢતા ખામી સર્જાયેલા ઉભેલો ટેમ્પોને પાછળથી ડમ્પર ચાલકે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પામાં અચાનક ખામી સર્જાતા ચાલક રશિક ઉમર મલેક ટેમ્પાને વચ્ચેના ટ્રેક પર છોડી કારીગર લેવા માટે ગેરેજમાં ગયો હતો. તે દરમ્યાન કોલસા ભરેલું ડમ્પર નં. GJ.16. AV.9779 ના ચાલકે પાછળથી બેફામ હંકારી લાવી ઉભેલા ટેમ્પા પાછળ ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કેબીનનો ભુક્કો બોલાઈ જતા ડમ્પર ચાલક ધર્મેન્દ્ર પટેલ કેબિનમાં ફસાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને રાહદારીઓએ ફસાયેલા ચાલકને બહાર કાઢવાના ભારે પ્રયાસ કર્યો હતો. અન્ય ટેમ્પોને બોલાવી ચગદાયઈ ગયેલી કેબિનને બાંધીને ખેંચી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલક ધર્મેન્દ્રને પારડી સીએચસી અને બાદમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સાપુતારા ઘાટમાર્ગમાં પ્લાસ્ટિકનો જથ્થો ભરેલું કન્ટેનર ખાડામાં ખાબક્યું
સાપુતારા : હૈદરાબાદથી પ્લાસ્ટિકનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલું કન્ટેનર નં. આર.જે.14.જી.જી.1035 જેનો સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં તીવ્ર વળાંકમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા સ્થળ પર કન્ટેનર સંરક્ષણ દિવાલ કુદી નજીકનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કન્ટેનરને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે વાહન અડફેટે અજાણ્યા વૃદ્ધાનું મોત
ભરૂચ: વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામે દિનેશ્વર મહાદેવ મંદિર પાસે રવિવારે સાંજે અજાણ્યા વાહને અજાણ્યા વૃદ્ધાને અડફેટે લેતાં તેઓનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વાલિયા પોલીસે ગુનો નોંધી મૃતક વૃદ્ધાના વાલીવારસાની શોધખોળ હાથ ધરી છે.

માંડવીના વિસડાલીયા ગામ પાસે ઉભેલા ટ્રેક્ટરમાં બુલેટ ઘૂસી જતાં ચાલકનું મોત
માંડવી : માંડવીના કીમ ડુંગરા ગામના ઉપલા ફળિયામાં રહેતા રામસિંગ રમાભાઈ ચૌધરી માંડવીથી પોતાના ગામે બુલેટ નં- GJ-19-AG-9835 પર જતા હતા. તે દરમિયાન વિસડાલીયા ગામની સીમમાં માલધા ફાટા ત્રણ રસ્તા પાસે રોડની સાઈડ પર ટ્રેલર સાથે ઉભેલા ટ્રેક્ટર નં- GJ-23-B- 2401માં બૂલેટ ઘૂસી જતાં ગંભીર ઈજાથી રામસિંગભાઈનું સ્થળ પર જ મોત થયું હતું. આ બાબતે માંડવી પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top