SURAT

સાહેબ, હું વધારે રૂપિયા નહીં આપી શકું, જવા દો મને’: પાંડેસરા ડી-સ્ટાફના કેશિયરનો ઓડિયો વાયરલ

સુરત: પાંડેસરામાં (Pandesara) દારૂનો ધંધો કરનારા બુટલેગરને થર્ડ ડિગ્રી (Third degree) આપવાનું પાંડેસરા પોલીસને ભારે પડી ગયું છે. કોર્ટમાં આ મામલે ઓડિયો ક્લીપ (Audio Clip) આપવામાં આવી છે. તેમાં ડી-સ્ટાફનો (D-Staff) પોલીસ (police) દ્વારા એવું કહેવાઇ રહ્યું છે કે, તારા ઘરેથી માલ પકડાયો તો પણ અમે તને જવા દીધો છે. તારે વધારે ચૂકવણું કરવું પડશે. તેના જવાબમાં બુટલેગર દ્વારા વધારે નાણાં નહીં આપવા માટે કાકલૂદીઓ કરવામાં આવી રહી છે.

પચાસ હજાર રૂપિયા પડાવવામાં આવ્યા બાદ નરેશને ફટકારવામાં આવ્યો છે
પાંડેસરા ડી-સ્ટાફનો આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. તેમાં જે વિગત ચર્ચાઇ રહી છે તે પ્રમાણે નરેશે વધારે નાણાં આપવાનો ઇનકાર કરતાં તેને ફટકારવામાં આવ્યો હતો. આ મામલે પચાસ હજાર રૂપિયા પડાવવામાં આવ્યા બાદ નરેશને ફટકારવામાં આવ્યો છે. દરમિયાન આ આક્ષેપ સાચા છે કે ખોટા તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે. અલબત્ત, હાલમાં તો પાંડેસરા ડી-સ્ટાફ વિવાદમાં આવી ચૂક્યો છે. આ મામલે નવા પીઆઇ કામલિયા અને તેમના સ્ટાફ સામે આકરી કાર્યવાહીની તલવાર તોળાઇ રહી છે. જો કે, કામલિયા દ્વારા આ મામલે તપાસ કાર્યવાહી કરવા માટે જણાવાયું છે.

ગૃહમંત્રીએ બંધ કરાવેલો દારૂનો અડ્ડો 40 દિવસમાં ફરીથી પકડાયો
સુરત: ચોક પોલીસની કરતૂત સ્ટેટ વિજિલન્સના દરોડામાં બહાર આવી છે. 30 જેટલી વિદેશી દારૂની પેટીઓ ઝડપાઇ છે. આ દરોડા એટલે ચોંકાવનારા છે. કેમ કે, ભરત પટ્ટી નામનો બુટલેગર લોકોને ફટકારતો હોનાની ફરિયાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરવામાં આવી હતી. હર્ષ સંઘવી દ્વારા ત્વરિત ભરત પટ્ટીનો દારૂનો અડ્ડો જે વેડ રોડ પર આવ્યો છે તે બંધ કરાવી દીધો હતો.કમિ.અજય તોમર એટલા બગડ્યા હતા કે, પીઆઇ અને ડી-સ્ટાફનું વિસર્જન કરી દીધું હતું. દરમિયાન આ ઘટનાને ચાલીસ દિવસ થયા છે, ત્યાં ભરત પટ્ટીના દારૂના અડ્ડા પર ફરીથી દરોડા કરવામાં આવતાં આ અડ્ડા પરથી વિદેશી દારૂની બોટલો પકડાઇ છે.

ચોક બજારમાં પચાસ કરતાં વધારે દારૂના અડ્ડા ચાલુ થઇ ચૂક્યા છે
હાલમાં ચોક ડી-સ્ટાફમાં વિવાદી જમાદારો આવતાં તથા પીઆઇ અસૂરિયાની અણઆવડતને કારણે ચોક બજારમાં પચાસ કરતાં વધારે દારૂના અડ્ડા ચાલુ થઇ ચૂક્યા છે. દરમિયાન હાલમાં તો ચોક પોલીસ પોતાની આબરૂ બચાવવા દોડી રહી છે. અલબત્ત, તેઓ કમિ.અજય તોમરના રોષનો સમાનો કેવી રીતે કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે. દરમિયાન હાલમાં તો ચોક ડી-સ્ટાફનું વિસર્જન કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. કમિ. અજય તોમર દ્વારા આ મામલે તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. એટલું જ નહીં ચોકના પુલ પાસે એક કુખ્યાત વ્યક્તિની ક્લબમાં રાત્રે 11 થી 6 સુધી લોકો જુગાર રમવા પણ આવે છે.

Most Popular

To Top