Vadodara

મહુવડ ચોકડીના પેટ્રોલપંપ પરથી 9.82 લાખનું ડીઝલ ખરીદયા બાદ પંચાલે રૂપિયા ન ચૂકવ્યા

વડોદરા: વડોદરા જિલ્લાના પેટ્રોલપંપો પરથી કરોડો રૂપિયાની ડીઝલ પુરાવી રૂપિયા નહી ચૂકવીને પંચાલ પરિવારે કરોડોની છેતરપિંડી આચરી છે. જેમાં એક પાદરા મહુવડ ચોકડી પાસેના પેટ્રોલપંપના માલિક પાસેથી ચામુંડા ક્ન્સટ્રકશનના માટે 9.82 લાખનું ડીઝલ ઉધારમાં ખરીદ કર્યું હતું પરંતુ તેના નાણા ચૂકવતા ન હતા. ઉપરાંત પેમેન્ટ પેટે આપેલો પહેલો જ ચેક રિટર્ન થયો હતો. રૂપિયા માગતા તેઓ ફોન પર ગાળો બોલી ધમકીઓ આપવા લાગ્યા હતા. જેથી પેટ્રોલપંપના સંચાલકોએ એસપી તથા પોલીસ ભવનમાં રજૂઆત કરી હતી.

મૂળ અમદાવાદના હર્સરાજસિંહ વાઘેલા પાદરાની મહુવડ ચોકડી પાસે તુલજા પેટ્રોલિયમનો નામનો પેટ્રોલપંપ ધરાવે છે. તેઓએ જણાવ્યું હતું કે ચાર મહિના અગાઉ રણોલી ખાતે રહેતા પંચાલ પરિવાર તેમના પેટ્રોલ પંપ આવ્યા હતા અને અમારે ડીઝલનું ખાતું ખોલાવવુ છે તેમ કહી મારી સાથે મુલાકાત કરી હતી. પંચાલે જણાવ્યુ હતું કે ચામુંડા કન્ટ્રક્શનના નામે વેપાર કરીએ અમને ગવર્નમેન્ટના કોન્ટ્રાક્ટ મળે છે તેવી વાતો કરી ડીઝલ આપવા માટે કહ્યું હતું. તેઓએ ભલામણ કરતા જણાવ્યું કે, અમારા પિતા ગજેરા સરકારી શાળામાં શિક્ષક છે કે મારા છોકરાઓને ગવર્નમેન્ટ સહિત પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ મળ્યા છે તેમ કહી રેલ-રસ્તા અને સેન્ટિંગનો કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર બતાવ્યો હતો.

જેથી અમને વિશ્વાસ આવ્યો હતો અને પહેલીવાર મારા પેટ્રોલપંપથી 9.82 લાખનું ડીઝલ ઉધારી પર ખરીદ કર્યું હતું અને મને ચેક આપ્યો હતો જે ચેક બેન્કમાં નાખતા પહેલો જ ચેક રીટર્ન થયો હતો જેથી ડીઝલ આપવાનું બંધ કરી દીધુ હતું. જોકે ત્યારબાદ અન્ય ચેક પણ આપ્યા હતા પરંતુ તે પણ રિટર્ન થયા હતા. જેથી મેં તેમને પેમેન્ટ કરવા માટે ઘણી વાર ફોન કર્યા હતા. ચેક રિટર્ન થયા હોવાનો ચાર્જ કોણ ચૂકવશે તેવું કહેતા પંચાલે ચેક રિટર્નનો ચાર્જ ગુગલ પેથી ચુકવી દીધો હતો. પરંતુ માટા પેમેન્ટ માટે તેઓએ મને ધમકાવ્યા હોવાથી જેતે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ બાદમાં અન્ય પંપના માલિકો પણ ભોગ બનતા સૌએ ભેગા મળીને પોલીસ ભવન તથા એસપીને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં તપાસના અંતે મુખ્ય આરોપી, મળતીયા ઈસમો તથા મદદગારી કરનાર સામે કાર્યવાહી થશે.

Most Popular

To Top