Dakshin Gujarat

લોકોના ખાતામાંથી આ રીતે ચીટર ટોળકી રૂપિયા કાઢતી હતી, પોલીસે દબોચી

પલસાણા: (Palsana) ગુજરાતના (Gujarat) અલગ અલગ વિસ્તારમાં એટીએમ (ATM) મશીનમાંથી કાર્ડ ફસાવી લોકોના ખાતામાંથી રૂપિયા પડાવી લેતી ગેંગના (Gang) સભ્યો પલસાણા તાલુકાના સાંકી ગામે આવ્યા હોવાની બાતમી મળતાં પોલીસે ૪ ઇસમ સહિત એક મહિલાને ૨.૮૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

  • પલસાણાના સાકીમાં એટીએમમાં કાર્ડ ફસાવી લોકોના ખાતામાંથી રૂપિયા પડાવી લેતી ટોળકી ઝડપાઈ
  • ગુજરાતના અલગ અલગ વિસ્તારના ૬ ગુનાને ભેદ પોલીસે ઉકેલ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસ ગત શુક્રવારે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં એટીએમ કાર્ડ થકી ફ્રોડ કરતી ગેંગના માણસો હાલ પલસાણાના સાંકી ગામે સુદર્શન સોસાયટીના મકાન નં.૨૧૩માં રોકાયા છે. જે બાતમીના આધારે પલસાણા પોલીસે સ્થળ પર જઇ એક મહિલા સહિત શિવશંકર રામુપ્રસાદ (ઉં.વ.૨૪), સુભાષકુમાર સુદર્શનસીંગ ભૂમિહાર (ઉં.વ.૧૯), ભરત ઉમેશપ્રસાદ ભૂમિહાર (ઉં.વ.૧૯) તેમજ અરુણ શરવનકુમાર પંચોરી (ઉં.વ.૨૧)ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૨,૬૦,૬૦૦, અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૭ કિં.૨૧ હજાર, ૬ નંગ એટીએમ કાર્ડ તથા ૮ નંગ સિમ કાર્ડ મળી કુલ ૨,૮૧,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યા હતા.

તેમની પૂછપરછ કરતાં તેમણે પોલીસને જણાવ્યું હતું કે, જે એટીએમ મશીન ઉ૫૨ સિક્યોરિટી ગાર્ડ ના હોય તેવા મશીન પર જઇ કાર્ડ સ્કેચ કરવાની જગ્યા ઉપર ફેવિસ્ટિક લગાવી એટીએમ મશીન પર સિક્યોરિટી ગાર્ડનો મોબાઇલ નંબર લખેલું પાટિયું મૂકી ત્યાંથી નીકળી જતા હતા. ત્યારબાદ કોઇનું એટીએમ કાર્ડ ફસાઇ જાય ત્યારે ગેંગમાં રહેલી મહિલા સિક્યોરિટીને ફોન કરવાનું જણાવી તેમના જ ગેંગના સભ્યને ફોન કરાવતી હતી. ત્યારબાદ તેનો પિન નંબર જાણી લઇ તેના ખાતામાંથી રૂપિયા પડાવી લેતા હોવાની કબૂલાત કરી હતી. આ ટોળકીએ નવસારી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ અને સુરત જેવાં શહેરોમાં આ રીતે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેમની અટકાયત કરી જે-તે પોલીસમથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top