Top News

More Posts

   The Latest

Most Popular

સુરત(Surat): શહેરના મુખ્ય માર્ગ સમાન અઠવાગેટ રોડ પર મહાવીર હોસ્પિટલની સામે રાત્રે 2 વાગ્યાના અરસામાં સરેઆમ ચપ્પુના પાંચથી છ ઘા મારીને યુવકની હત્યાના (Murder) કેસમાં સુરતની ઉમરા પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

બે દિવસ અગાઉ રાત્રિના 2 વાગ્યાના અરસામાં મહાવીર હોસ્પિટલની સામે જાહેર રોડ પર પીંકેશ નવસારીવાલા (ઉં.વ. 33, રહે ખંડેરાવપુરા, નાનપુરા, સુરત) ની હત્યા થઈ હતી. પૈસાની લેતી દેતીમાં આ હત્યા થઈ હતી. આ કેસે ખાસ્સી ચકચાર જગાવી હતી. સુરત ઉમરા પોલીસની હદમાં બનેલી આ ઘટનાના ઘેરા પડઘાં પડ્યા હતા. પોલીસ પર આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવાનું દબાણ બન્યું હતું. ઉમરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યા છે.

આરોપીઓ કારમાં સચિન હાઈવે તરફ ભાગ્યા હતા
પોલીસે કહ્યું કે, હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી અવી ઉર્ફે અશુ તથા બાલાજી તથા ધમો તથા હાર્દીક ઉર્ફે આદુ પોતાની કાળા કલરની સ્કોર્પીઓ ગાડી જેનો રજી નં-GJ-05-RW-0111 ની લઈ જુના આર.ટી.ઓ થઈ સચીન હાઇ-વે તરફ સુરત શહેર છોડી ભાગી ગયા હોવાની બાતમી મળી હતી તેના આધારે ઉમરા પોલીસ સ્ટેશનની એક ટીમ તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

દરમિયાન સચીન વિસ્તારમાં આવેલા રાજનગર પાસે આરોપીઓ છુપાયા હોવાની બાતમી મળતા ટીમના માણસોને સાથે રાખી ચારેય આરોપીઓને ગુનાને અંજામ આપવામાં ઉપયોગમાં લીધેલ કાળા કલરની સ્કોર્પીઓ જેનો રજી નં-GJ- 05-RW-0111 ની સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપીઓ પકડાયા
ઉમરા પોલીસે અવી ઉર્ફે અક્સુ દિપક પટેલ (ઉં.વ. 29, રહે પ્રાકૃતિ એપાર્ટમેન્ટ, ઉમા ભવન સામે, ભટાર), હાર્દિક ઉર્ફે આદુ મનીષ ગજ્જર (ઉં.વ. 22, રહે. લુહાર સ્ટ્રીટ, ગેલેક્સી સર્કલ પાસે, પાલ, સુરત), ધર્મેશ રમેશ પટેલ (ઉં.વ. 31, રહે. ગાર્ડન વ્યૂ એપાર્ટમેન્ટ, પારસીવાડ મહોલ્લો, અડાજણ, સુરત) અને રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ (ઉં.વ. 27, રહે તિરંગા આવાસ, મગદલ્લા, વેસુ, સુરત)ને ઝડપી પાડ્યા છે.

શું બની હતી ઘટના?
નાનપુરા ખંડેરાવપુરા માછીવાડ ખાતે રહેતો પીન્કેશ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નવસારીવાલા માથાભારે તરીકે છાપ ધરાવતો હતો. તેનો ભાઈ દિવ્યેશ રેતીના ધંધામાં સંકળાયેલો છે. પીન્ટુ અને અક્ષુ ઉર્ફે અવી પટેલ વચ્ચે પૈસાની લેતી હતી. જેના કારણે બને વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો. ત્યારબાદ મંગળવારે રાત્રે ફરીથી પીન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની લેતીદેતી મામલે ફોન પર ઝઘડો થયો હતો. મોડી રાત્રે દોઢથી પોણા બે વાગે અઠવાગેટ પાસે ભગવાન મહાવીર હોસ્પિટલ પાસે મટકા ચાની બહાર પીન્ટુને મળવા માટે બોલાવ્યો હતો.

પીન્ટુ ત્યાં પહોંચ્યો ત્યારે અક્ષુ બીજા પાંચેક મિત્રો સાથે ત્યાં હાજર હતો. પીન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની બાબતે ફરીથી બોલાચાલી થઈ હતી. ત્યારે અક્ષુ અને તેના મિત્રોએ પીંકેશ ઉર્ફે પીન્ટુને રેમ્બો છરા વડે જમણા પડખે પીઠના ભાગે બે થી ત્રણ જીવલેણ ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા.

To Top