Columns

જીવનની વ્યાખ્યા

એક અનુભવી શિક્ષક …વર્ષો સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા ..રીટાયર થયા બાદ પણ બાળકોને ભણાવવાનું ચાલુ રાખ્યું.હજી પણ ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ બાળકોને ભણાવે છે.હવે ઉંમર થતાં માત્ર સાંજે જ ભણાવે છે અને સ્વાસ્થ્ય માટે રોજ સવારે ચાલવા જાય છે અને ત્યાં મોર્નીગ વોકમાં પોતાના હમ ઉંમર દોસ્તોને પણ જીવનના પાઠ પોતાની વાતો દ્વારા ભણાવતા રહે છે. એક દિવસ વોક પછી બધા મિત્રો બાંકડા પર બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે એક જણ જરા નિરાશાના સુર સાથે બોલ્યું, ‘આ જીવનથી તો હવે થાકી જવાય છે…’શિક્ષક તરત બોલ્યા, ‘અરે, આવી નિરાશાવાદી વાત શું કામ કરવાની ..આવું વાક્ય બોલવાનું જ નહિ.આપણા બધા તો જીવનનો …જીવનમાં આવતા પડકારોનો સામનો કરી ચુકેલા અનુભવીઓ છીએ.આપણે શું કામ નિરાશાવાદી વિચારવું જોઈએ.દરેક જણ જીવન જીવે છે …પડકારોનો સામનો કરે છે ..લડે છે …જીતે છે ..પડે છે તો ફરી ઉઠે છે …આ જીવન બધા માટે એકસરખા અનુભવો નથી લાવતું પણ કસોટી બધાની જ કરે છે.’

બીજા મિત્રએ કહ્યું, ‘એટલે માસ્તર સાહેબ તમારા મતે જીવન એક લડત છે.જેમાં બધાએ લડતાં રહેવાનું છે અને જીતવાનું છે…’બધા હસ્યા.શિક્ષક બોલ્યા, ‘દોસ્ત જીવનને સફર કહી શકાય…જીવનને યુધ્ધ કહી શકાય…જીવનને રમત કહી શકાય જે આપણે કહેવું હોય તે કહી શકાય.પણ મારા મતે જીવનની સાચી વ્યાખ્યા એ છે કે જીવન એટલે જોઈતી મનગમતી વસ્તુઓ ન મળે તો તેની તકલીફ અને ન ગમતી , ન માંગેલી ,અણગમતી વસ્તુઓ સામે આવીને ઉભી રહે તેનો પડકાર…બસ આ ગમતી અને અણગમતી વસ્તુઓ વચ્ચે જીવન છે.મારા તમારા બધાના જીવનમાં આવો અનુભવ થાય જ છે જે જોઈએ છે તે મળતું નથી અને કયારેક સાવ અણધાર્યું ન વિચારેલું સામે આવીને મળે છે.

હવે જયારે અચાનક અણધારી સફળતા મળે …ન વિચારેલું સુખ ઝોળીમાં આવી પડે ત્યારે તો જીવન આપણને બહુ ગમે છે ..જીવવા જેવું લાગે છે …અને જયારે બહુ જ મહેનત કરવા છતાં ધારેલી સફળતા ન મળે …કોઈક દુઃખ અચાનક આવી પડે ત્યારે આપણને જીવન ગમતું નથી.એટલે વાત શું મળે છે તેની છે …આપણી પસંદની છે …બાકી ; જીવન તો જીવન છે … અણમોલ છે …જીવવા જેવું જ છે ..જીવવું પડે જ છે.માટે ક્યારેય નિરાશાવાદી વાત કરવી જ નહિ. જીવન જીવતા રહેવું જે મળે તે સ્વીકારતા રહેવું …કોઈ માંગેલી વસ્તુ ન મળે તો તેની ખોટ પણ સ્વીકારી લેવી અને અચાનક કઇંક ન ગમતું મળી જાય તો તેનો સામનો પણ કરી લેવો.બસ હસતા હસતા ,હિંમતથી જીવન જીવતા રહેવું.’શિક્ષક મિત્રએ પોતાના દોસ્તોને જીવનની સુંદર સમજ આપતી વ્યાખ્યા સમજાવી.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top