Vadodara

કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગમાં ઓફિસરની ભરતી કરવામાં આવશે

વડોદરા, તા. 31
મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફૂડ સેફટી ઓફિસરોની ઘટ પડી રહી છે. જેની સામે વધુ ફૂડ સેફટી ઓફિસરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 2019 માં જેઓએ ઓનલાઇન અરજી કરી હતી તેઓ પુનઃ વાંધા અરજી કરી શકશે.
શહેરમાં હાલ આશરે 22 લાખની વસ્તીમાં માત્ર 8 જ ફૂડ સેફ્ટી ઓફિસરો છે. નિયમ અનુસાર દર 1 લાખની વસ્તીએ 1 ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હોવો જોઈએ. કોર્પોરેશનમાં જે તે સમયે 12 વહીવટી વોર્ડ હતા ત્યારે વોર્ડ દીઠ એક ફૂડ ઇન્સ્પેક્ટર રાખવાનું નક્કી કરાયું હતું અને તેને ધ્યાનમાં રાખીને વર્ષ 2019 માં 4 ફૂડ સેફટી ઓફિસરની ભરતી કરવાનું કામ હાથ પર લેવાયું હતું. વર્ષ 2019 માં 4 જગ્યા ભરવા ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. ચકાસણીના અંતે કામ ચલાઉ ગ્રાહ્ય રાખવા પાત્ર તથા ગ્રાહ્ય ન રાખવાપાત્ર ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મુકાઈ હતી. જે તે સમયે કોઈ ઉમેદવારો કોઈ કારણસર વાંધા અરજી રજૂ કરી શક્યા નથી, તેવા ઉમેદવારોને વધુ એક તક આપવા પુનઃ કામ ચલાઉ ગ્રાહ્ય રાખવા પાત્ર અને ન રાખવા પાત્ર અરજીની યાદી કોર્પોરેશનની વેબસાઈટ પર મુકાઈ હતી. જે ઉમેદવારોની અરજી પ્રાથમિક ચકાસણીમાં ગ્રાહ્ય રાખવામાં આવી નથી તેવા ઉમેદવારોને પુનઃ રજૂઆત કરવા માટે વધુ એક તક અપાઈ છે. આવા ઉમેદવારોને જરૂરી પુરાવા સાથે કોર્પોરેશનમાં તારીખ 2 સુધીમાં લેખિત વાંધા અરજી મોકલી આપવા જણાવ્યું છે. કોર્પોરેશનના વહીવટી વોર્ડની સંખ્યા પણ 12 થી વધીને 19 થઈ છે. તહેવારો ટાણે નમુના લેવાનું પ્રમાણ વધી જાય છે. અપૂરતા કુડ સેફટી ઓફિસર હોવાને કારણે દુકાનમાં ચેકિંગની કામગીરી સઘન થઈ શકતી નથી. ત્યારે વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top