Charchapatra

કોમ્યુનિટી હોલમાં માંસાહાર પ્રતિબંધિત ન હોવો જોઇએ

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો સામાજિક પ્રસંગોની ઉજવણી રાહત દરે કરી શકે એવા શુભ આશયથી શહેરભરમાં અનેક ઠેકાણે કોમ્યુનીટી હોલનું નિર્માણ કરેલ છે. સાધનસંપન્ન લોકો પોતાની હેસિયત મુજબ 5 આંકડા જેવી માતબર રકમ ખર્ચીને પાર્ટી પ્લોટ ભાડે રાખી પોતાના શુભ પ્રસંગની ઝાકમઝોળ રીતે ઉજવણી કરતા હોય છે. મધ્યમ વર્ગ અગર ગરીબ વર્ગ માટે પોતાના સામાજિક શુભ પ્રસંગની ઉજવણી કરવા મૂંઝવણ અનુભવે છે ત્યારે મ્યુ. કોમ્યુનીટી હોલની સગવડનો લાભ મેળવે છે. પરંતુ ઘણા ખરા કોમ્યુનીટી હોલ નોન વેજીટેરીયન વસ્તી નજીક અસ્તિત્વ ધરાવે છે.

પરંતુ નોનવેજ રસોઇ પીરસવા પર મ્યુ. કોમ્યુનીટી હોલમાં પ્રતિબંધ ફરમાવતી નીતિ ઘડવામા આવી છે. નવાઇની વાત એ છે કે એક અંદાજ પ્રમાણે સર્વ ધર્મની વસ્તીવાળા દેશમાં 70 ટકા લોકો નોન વેજીટેરીયન છે અને એમના દ્વારા ચુંટાયેલા લોક પ્રતિનિધિ એમના વતી સત્તા ભોગવે છે. વેજ કે નોનવેજ ખોરાક જીવનપધ્ધતિનો એક ભાગ છે જેને બંધારણમા છૂટ મળેલ છે. શાકાહારી જીવનપધ્ધતિ સારી છે. શાકાહારી લોકોની ભાવનાનું હર કોઇએ સન્માન કરવું જોઇએ. પરંતુ શાકાહારનો હઠાગ્રહ યોગ્ય નથી. શાકાહારી અથવા માંસાહારી લોકો જીવન બચાવવા એકમેકનું લોહી સુધ્ધાં લેતા હોય છે. માંસાહારી રસોઇ પીરસવાથી કોમ્યુનીટી હોલની સિમેંટ કોંક્રીટની દિવાલો કંઇ અભડાઇ જવાની નથી.

મહાનગરપાલિકાને આવક થશે. ટેક્ષ ભરનારી જનતાને લાભ મળશે. ટેક્ષ ભરવામાં તો આવો કોઇ ભેદ પાડવામાં આવેલો નથી. મહાનગરપાલિકાની કોમ્યુનીટી હોલમાં માંસાહાર રસોઇ પીરસવા પર પ્રતિબંધની નીતિના કારણે ઘણા ખરા કોમ્યુનીટી હોલ ધૂળ ખાઇ રહ્યા છે અને મહાનગરપાલિકા માટે ધોળા હાથી સમાન પુરવાર થઇ રહેલ છે. આજના વૈજ્ઞાનિક પ્રગતિશીલ યુગમાં આવી સંકીર્ણ વિચારસરણીવાળી નીતિને સ્થાન ન હોઇ શકે. બહુમતી માંસાહાર કરતી જનતાના વોટથી ચુંટાયેલા લોક પ્રતિનિધિઓ પણ માંસાહાર કરતા હોઇ શકે. આમાં છોછ કરવા જેવું કંઇ નથી. માંસાહાર કે શાકાહારવાળાં લોકો માટે અલગ અલગ કોમ્યુનીટી હોલ બનાવવા તર્ક સંગીન ન હોય તો મહાનગરપાલિકાના સત્તાધીશોએ કોમ્યુનીટી હોલમાં માંસાહાર રસોઇ પીરસવાની છૂટ આપતી નીતિ જાહેર કરવી જોઇએ એવી લોકલાગણી છે.
સુરત     – અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિકલ્પ શોધી શકાય?
વસ્તાદેવડી રોડ જૂની નોર્થ ઝોન ઓફિસ પાસે શ્રી ચંદ્રશેખર આઝાદ પુલ આવેલ છે. તેનો બીજો છેડો ધનમોરા કોમ્પલેક્ષ અડાજણ ચાર રસ્તા પાસે આવે છે. તમો પુલ પર ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલર જાવ તો બંને પુલ મળીને લગભગ 20 બમ્પર આવે છે. તેમાં પાછા એક બમ્પરમાં 6 સેકશન હોય છે. એટલે ટૂંકમાં 20×6=120 બમ્પર આવે છે. ગમે તે ગાડીમાં જાવ, આંચકા લાગ્યા વગર રહેતા નથી. ગમે તે ઉંમરની વ્યક્તિ માટે આ આંચકા લાંબે ગાળે નુકસાનકારક હોય છે. ઉપાય તરીકે કોઇ હાડકાંના નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈને તેનો વિકલ્પ શોધી શકાય?
સુરત     – મહેશ આઇ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top