Top News

More Posts

   The Latest

Most Popular

સરકારે દેશમાં એક જ ટેક્સ લાગુ રહે અને તેનો લાભ વેપારીઓને મળે તે માટે જીએસટીનો કાયદો લાગુ કર્યો. જીએસટીના કાયદામાં પણ સરકારે વિવિધ કેટેગરી નક્કી કરી. આ કેટેગરીમાં જીએસટી કેટલો રહેશે તેના વિવિધ દર નક્કી કરવામાં આવ્યા પરંતુ આ દર નક્કી કરનાર દ્વારા તેમાં સ્હેજેય મગજનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. જે સેવાઓ લકઝરી હતી તેની પર ઓછા દર લગાડવામાં આવ્યા અને જે સેવાઓ આવશ્યક હતી તેના પર વધુ દર લગાડવામાં આવ્યા.

શરૂઆતમાં તો જીએસટી 28 ટકા હતો પરંતુ બાદમાં ભારે ઉહાપોહ થતાં આ જીએસટીનો દર ઘટાડવામાં આવ્યો. જોકે, હજુ પણ ઘણી સર્વિસ એવી છે કે જેમાં જીએસટીનો દર વધુ છે અને સરકાર હજુ પણ તેમાં ઘટાડા કર્યા નથી. હાલમાં જ સંસદની નાણાં પરની સ્થાયી સમિતીએ વિવિધ કેટેગરીમાં જીએસટીના દરને તર્કસંગત બનાવવા માટેની ભલામણ કરી છે. તેમાં પણ સમિતીએ વીમા પર તો જીએસટી ઘટાડવા માટે ખાસ ભલામણ કરી છે.

આખા વિશ્વમાં જો વીમાનો ધંધો જોવામાં આવે તો ભારત 10માં સ્થાને છે. વર્ષ 2021માં ભારતનો વીમાના વ્યવસાયમાં બજાર હિસ્સો 1.78 ટકાથી વધીને 1.85 ટકા થયો છે. સાથે સાથે વીમા પ્રિમિયમમાં પણ 13.46 ટકાનો વધારો જોવા મળ્યો છે. ખરેખર વીમો એ જરૂરીયાતની વસ્તુ છે. આવશ્યક છે પરંતુ સરકાર તે સમજતી નથી. સાંસદ જયંતસિંહાની આગેવાની હેઠળની સંસદની સમિતીએ વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા ઉત્પાદનો તેમજ માઈક્રો ઈન્સ્યોરન્સ ઉત્પાદનો પર જીએસટી ઘટાડવા માટે કહ્યું છે પરંતુ જરૂરીયાત તમામ પ્રકારના વીમા પર જીએસટી ઘટાડવાની છે. સમિતીએ એવું પણ કહ્યું છે કે, હાલમાં વીમા પર 18 ટકા જીએસટી છે પરંતુ તે ઘટાડવું જોઈએ. જીએસટીના ઉંચા દરને કારણે પ્રિમિયમ વધી જાય છે અને તેને કારણે લોકો માટે વીમા પોલિસી લેવી મુશ્કેલ બની જાય છે. વીમાને વધુ સસ્તો બનાવવા માટે તેમાં જીએસટી ઘટાડવાની જરૂર છે.

હાલમાં ભારતમાં 4 જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ છે. જેને નાણાકીય રીતે મજબૂત કરવાની જરૂરીયાત છે. આ કંપનીઓ પાસે હાલમાં મૂડી ઓછી છે. નાદારીનો ગુણોત્તર પણ ઓછો છે. પરંતુ કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સના બિઝનેસમાં વધુ પડતી સામેલગીરીને કારણે ભારે નુકસાન થયું છે. આ કંપનીઓના કુલ બિઝનેસમાં હેલ્થ ઈન્સ્યોરન્સનો હિસ્સો 50 ટકાથી પણ વધારે છે. ખરેખર સમાજના નબળા અને વંચિત વર્ગ પણ માઈક્રો ઈન્સ્યોરન્સનો લાભ લઈ શકે તેવી રીતે નવી માઈક્રોઈન્સ્યોરન્સ પ્રોડક્ટ તૈયાર કરવી જોઈએ. જીએસટી ઘટાડવામાં આવે તો આવો વર્ગ પણ વીમા તરફ વળી શકે છે.

હાલમાં આયુષ્યમાન ભારત યોજના નબળા અને વંચિત વર્ગો માટે સ્વાસ્થ્ય વીમા કવરેજ માટેની ભારત સરકારની સૌથી સફળ યોજના છે. જેથી જે લોકો બાકી રહે છે તેમને પણ વીમામાં સામેલ કરી દેવા જોઈએ. હાલમાં ભારતમાં વીમાનો વ્યવસાય નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. વીમાની પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જેનો લાભ સમાજના તમામ વર્ગો લઈ શકે અને તે માટે વીમો જેટલો સસ્તો થાય તેટલો કરવો જોઈએ. હાલમાં આયુષ્યમાન ભારત યોજના દેશનો મોટો વર્ગ લાભ લઈ રહ્યો છે. સરકાર આ યોજનાનો વિસ્તાર કરી શકે છે અને તેમાં અનેક વીમા કંપનીઓને પણ સામેલ કરીને વધુને વધુ લોકોને તેનો લાભ મળી શકે તેવું આયોજન કરવું જોઈએ.

વીમા કંપની દ્વારા અનેક નવી પ્રોડક્ટ ઊભી કરવામાં આવે છે પરંતુ તેની પર જીએસટીનો 18 ટકાનો દર મોંઘો પડી જાય છે. આ કારણે જ અનેક પરિવારો વીમો લેવાનું ટાળે છે. જો વીમાનું પ્રિમિયમ સસ્તું થાય તો જે પરિવારો વીમાથી વંચિત છે તેઓ પણ વીમાનો લાભ લઈ શકે. જો વીમો સમિતીએ વીમા પર જીએસટીનો દર ઘટાડવાની ભલામણ કરી છે પરંતુ ખરેખર વીમા પર જીએસટી હોવું જ નહીં જોઈએ.

જીવનમાં તકલીફના સમયે કામ લાગે તે માટે વીમો લેવામાં આવતો હોય છે અને તેની પર જીએસટી, એ કોઈપણ રીતે તર્કસંગત તો નથી જ પરંતુ સ્વીકાર્ય પણ નથી. જીએસટી જ્યારથી લાગુ કરાયો ત્યારથી વીમા પર જીએસટી છે પરંતુ હવે સરકારે વીમાની પ્રોડક્ટ પરથી જીએસટી કાઢી નાખવાની જરૂરીયાત છે. ખાસ કરીને હેલ્થ ઈન્સ્યોરન્સમાં તો જીએસટી હોવો જ જોઈએ નહીં. હેલ્થ ઈન્સ્યોરન્સ એ પ્રત્યેક વ્યક્તિ માટે જરૂરીયાતસમાન છે. સરકારે ખરેખર આ સમજવાની જરૂરીયાત છે. આ ઉપરાંત સરકારે વીમા કંપનીઓને પ્રોત્સાહન પણ આપવાની જરૂરીયાત છે.

હાલમાં ઘણી વખત એવું થાય છે કે બેંકો કે પછી અન્ય સંસ્થાઓ દ્વારા વીમો લેવામાં આવે છે પરંતુ જે તે ખાતેદારો કે તેના ગ્રાહકોને તેમનો વીમો ઉતર્યો છે અને તેનું પ્રિમિયમ પણ કપાય છે તેની ખબર જ હોતી નથી. આ કારણે ઘણી વખત જે તે વ્યક્તિનો પરિવાર આ વીમાનો ક્લેઈમ કરી શકતો નથી. સરકારે વીમા ક્ષેત્રને વધુ ગંભીરતાથી લઈને તેનો લાભ ભારતના દરેક નાગરિકને મળે તેવા આયોજનો કરવા જોઈએ. સરકાર જો આ મામલે ધ્યાન કેન્દ્રીત કરશે તો જ દેશના સામાન્ય નાગરિક વીમો લઈ શકશે અને તેના સુધી વીમાનો લાભ પહોંચાડી શકાશે તે નક્કી છે.

To Top