Gujarat

જામનગર: બોરવેલમાં પડેલો બે વર્ષનો માસૂમ 10 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર આવ્યો

જામનગર: ગુજરાતના (Gujarat) જામનગરમાં (Jamnagar) આજે બુધવારે 2 વર્ષના માસૂમ બાળકને બોરવેલમાંથી (Borewell) સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. લગભગ 10 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ બાળકનો બચાવ થયો હતો. ઘટના ગઇકાલે 6:30 કલાકે બની હતી. જ્યારે બાળક રમતા રમતા બોરવેલમાં પડ્યો હતો. ત્યારે પિતાની નજર બાળક પર પડતા રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) હાથ ધરાયું હતું.

આ મામલો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામનો છે. અહીં ગઇકાલે મંગળવારે સાંજે 6:30 કલાકે મહારાષ્ટ્રના મજૂર પરિવારનો 2 વર્ષનો માસૂમ “રાજ” ખેતરમાં ખુલ્લામાં પડેલા 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યો હતો. ત્યાર બાદ સતત 10 કલાક દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરાયું હતું. બાળકને બચાવવો ખુબ જ મુશ્કેલ હતો છતાં રેસ્ક્યૂ ટીમે ઓક્સિજન પહોંચાડીને પણ બાળકનો જીવ બચાવ્યો હતો. બાળકને હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. તેમજ તેને 72 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

આ રીતે બચાવાયો 2 વર્ષનો રાજ
ગોવાણા ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતા મહારાષ્ટ્રના એક પરિવારનો બાળક રાજ રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. તેના માતા-પિતાએ આ અંગે ગામના સરપંચને જાણ કરતાં જ તેમણે તાત્કાલિક પ્રશાસનને આ અંગે જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર રાકેશ ગોકાણી અને કામિલ મહેતાની ટીમ પ્રથમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બોરવેલમાં ફસાયેલા બાળકના બંને હાથ દોરડા વડે બાંધી દેવામાં આવ્યો હતો અને તેને એક જગ્યાએ સ્થિર કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ બોરવેલમાં બાળકને સતત ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો. દરમિયાન બોરવેલના કિનારેથી ત્રણ ફૂટના અંતરે ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો અને નીચેથી પણ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. અંતે 10 કલાકની ભારે જહેમત બાદ 3 વાગ્યે બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.

રાજના પિતાએ કહ્યું…
ગોવાણા ગામની વાડીમાં ખેત મજૂરી કરતા બાળકના પિતાએ જણાવ્યું હતુ કે તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની છે. તેમજ ગુજરાત રોજગારીની શોધમાં આવ્યા હતાં. ત્યાર બાદ જામનગરના ગોવાણા ગામની વાડીમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતાં. દરમિયાન ગઇકાલે તેમના પરિવાર સાથે આ ગોઝારી ઘટના બની હતી. પીડિત બાળક રાજના પિતાએ કહ્યું, ‘મારો પુત્ર રાજ રમી રહ્યો હતો ત્યારે આ બોરમાં પડી ગયો હતો. મારી નજર પડતા જ હું તરત દોડીને આવ્યો હતો. તેમજ મેં વાડીના માલિકને ઘટનાની જાણ કરી હતી.’

Most Popular

To Top