Top News

More Posts

   The Latest

Most Popular

સુરત,ભરૂચ: બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનું ખૂબ ટેન્શન લઈ લે છે. ત્યારે વિદ્યાર્થીઓ માંદગીનો ભોગ પણ બનતા હોય છે. આવા જ ત્રણ કિસ્સા આજે સુરત જિલ્લામાં બન્યા હતાં. ધો. 10 બોર્ડની વાંકલની વિદ્યાર્થીની અને ઝઘડિયાના વિદ્યાર્થીનો પરીક્ષા પહેલાં અકસ્માતમાં હાથ ભાંગી ગયો હતો તો બીજી તરફ ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ પથરીનો દુ:ખાવો ઉપડ્યો હતો. જોકે, તંત્રની મદદથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા હતા.

ઝઘડીયાના ધો. 10ના વિદ્યાર્થીનો અકસ્માતમાં હાથ તૂટ્યો, રાઈટરની મદદથી પરીક્ષા આપી
ભરૂચ: ભરૂચ જિલ્લાના પૂર્વભાગ ઝઘડિયાના માધ્યમિક શાળા મોટા સોરવામાં 10 ધોરણમાં અભ્યાસ કરતા ભાવેશ વસાવાને મંગળવારે અકસ્માત થતાં ડાબા હાથમાં ફ્રેકચર થયું હતું. અકસ્માત થતાં શરીરે અસહ્ય દર્દ હતું. મેડીકલ સારવાર લીધી પણ બોર્ડની પરીક્ષા આપવી મુશ્કેલ હતી. વિદ્યાર્થીએ પોતાની તકલીફ શાળાના આચાર્યને ભાવેશ વસાવાની અકસ્માતનો બનાવ જણાવ્યો હતો.

મોટા સોરવાના આચાર્યએ તાત્કાલિક રીતે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલને આખી સ્થિતિથી વાકેફ કર્યા હતા. ખુદ જિલ્લા શિક્ષણાધિકારી સહિતની ટીમે કોઈ વિદ્યાર્થી સાથે બનેલી દુર્ઘટનાથી કારકિર્દી ન બગડે એવા માનવિય અભિગમ માટે ભાવેશ વસાવાનું મેડીકલ પુરાવા લઈને અંકલેશ્વર ઝોન-૮૦ના અધિકારીને વ્યવસ્થા ઉભી કરવા જાણ કરાઇ હતી.બીજા દિવસે તા.13મી માર્ચને બુધવારે ગણિત બેઝિક પેપર માટે દરીયા કેન્દ્રના સ્થળ સંચાલક પૂર્વીબેન પટેલે ઈજાગ્રસ્ત ભાવેશ વસાવાને પુરાવા લઈને તાત્કાલિક ધોરણે લહિયા (સાથે લખનાર)ની વ્યવસ્થા કરી આપી હતી. ઈજાગસ્ત ભાવેશ વસાવાની સાથે એક લહિયા બેસીને તમામ પ્રશ્નોત્તરીનો સુચારુ રીતે આપીને શાંતિથી પેપર પુર્ણ કર્યુ હતું. ભાવેશ વસાવાને એક તબક્કે લહિયાથી પેપર અપાતા ખુદ તેને હળવાશ થઈ ગઈ હતી.

બોર્ડની પરીક્ષા પહેલાં જ વાંકલની વિદ્યાર્થીનીનો હાથ તૂટ્યો, DEOએ ફોન પર જ રાઈટર માટે મંજૂરી આપી
સુરત: આજે માંગરોળ (Mangrol) તાલુકાના વાંકલ (Vankal) કેન્દ્રની વેરાકૂઈ શાળાની વિદ્યાર્થી વસાવા હની વિજયભાઈની ધો. 10 બોર્ડની બેઝિક ગણિતની પરીક્ષા હતી, પરંતુ હની વાંકલ યુનિટ 2 બ્લોકમાં આવેલી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા જાય તે પહેલાં જ પડી જવાથી તેના હાથમાં ઈજા પહોંચી હતી. જે હાથથી તે પરીક્ષાનું પેપર લખવાની હતી તે જ હાથમાં પરીક્ષા પહેલાં ઈજા થવાથી તે પરીક્ષા આપી શકે તેમ નહોતી. તેને આશા મુકી દીધી હતી, પરંતુ હનીની શાળાના આચાર્ય, પરીક્ષા કેન્દ્રના સ્ટાફે આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં જાણ કરી હતી.

વિદ્યાર્થીનીનું વર્ષ નહીં બગડે તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ સિંહ પરમારે રાઈટર માટે ફોન પર જ તત્કાલ મૌખિક મંજૂરી આપી હતી. આ સાથે જ વિદ્યાર્થીને તાત્કાલિક રાઈટર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી. વિદ્યાર્થીની હાથમાં પાટા સાથે પરીક્ષા આપવા પહોંચી હતી. ત્યાં તેણીએ રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી.

વાંકલ પીએચસી સેન્ટરે પથરીના દુ:ખાવાથી પીડાતા વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્રમાં સારવાર કરી
સુરત: વાંકલમાં ધો. 10 બોર્ડની એક વિદ્યાર્થીનીનો પરીક્ષા પહેલાં જ્યાં હાથ તૂટી ગયો હતો ત્યાં બીજી તરફ ધો. 12 કોમર્સની વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ તબિયત બગડી હતી. તેની કલાસરૂમમાં જ પ્રાથમિક સારવાર કરી તેને પરીક્ષા આપવા દેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકલના ધો. 12 સામાન્ય પ્રવાહના સ્ટુડન્ટ સોલંકી પ્રેમકુમાર જીતેન્દ્રભાઈ આજે અર્થશાસ્ત્રની પરીક્ષા આપી રહ્યાં હતાં ત્યારે અચાનક સાંજે 5.10 કલાકે કલાસરૂમમાં જ પથરીનો દુ:ખાવો ઉપડ્યો હતો. અસહ્ય દુ:ખાવાના લીધે વિદ્યાર્થી કણસી રહ્યો હતો. તે લખી શકતો નહોતો. વિદ્યાર્થીની ખરાબ તબિયત જોઈ તાત્કાલિક વાંકલ પીએચસી સેન્ટરને જાણ કરવામાં આવી હતી.

પીએચસી સેન્ટરની ટીમે તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર પર દોડી જઈ પેઈનકિલર સહિતની પ્રાથમિક સારવાર આપી દુ:ખાવો ઓછો કર્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. મોટા સોરવા શાળાના SSC બોર્ડ પરીક્ષા આપતો બાળકને અકસ્માત હાથ ભાંગી જતી વખતે જિલ્લા શિક્ષણાધિકારી વિભાગે સાથે લખવા લહિયા આપતા ગણિત બેઝિક પેપર આપતા હળવાશ અનુભવી હતી.

To Top