Charotar

નડિયાદમાં હલકી ગુણવત્તાના કારણે મકાન જમીનદોસ્ત થયું હતું


સ્લબ ભરતા સમયે સુરક્ષાના કોઇ નિયમનું પાલન કરાયું નહતું

નડિયાદમાં મરીડા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાછળ આવેલ અદનાપાર્ક સોસાયટીમાં નવનિર્માણ મકાન ધરાશાઈ થવાના મામલે કોન્ટ્રાકટર અને મકાન માલિકની ગંભીર બેદરકારી સામે આવી છે. જેથી સલુણ ચોકીના પીએસઆઇ જાતે ફરિયાદી બની સમગ્ર મામલે કોન્ટ્રાકટર અને મકાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તા વાળું અને સેફ્ટીના કોઈપણ સાધનો રાખ્યા સિવાય કામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ફરિયાદમાં કરાયા છે.
નડિયાદના મરીડા રોડ પર સોમવારે બપોરના સુમારે એક નવનિર્માણ પામી રહેલું મકાન પત્તાના મહેલની માફક તૂટી પડ્યું હતું. જેમાં 8 કામદારો દબાઇ જતાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બે લોકો અંદર કાટમાળમાં દટાયા હતા. જેને તુરંત સ્થાનિકોએ બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા. આ બનાવમાં કુલ 8 લોકોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે પોલીસ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, શહેર મામલતદાર સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે શહેર એમજીવીસીએલની ટીમ પણ દોડી જઇ તુરંત વિજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેથી મોટી જાનહાની ટળી હતી.
આ અંગે સલુણ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ. એમ. ભાટીએ મકાન માલિક ફરદીન ફારુક દલાલ (રહે.નુતનનગર સોસાયટી, નડિયાદ) અને કોન્ટ્રાકટર ધનજી કુવરજી સાપરા (રહે. બાપાજીનગર, પવનચક્કી રોડ, નડિયાદ) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં મકાન માલિકે પ્લોટમાં મકાનનું બાંધકામ કોન્ટ્રાક્ટરને સોંપ્યું હતું. મકાન માલિક ફરદીને રૂપિયા 200 પ્રતિ સ્ક્વેર ફૂટની મજૂરીથી પોતાનું મકાન બનાવવા કોન્ટ્રાક્ટર ધનજીને કામ સોંપ્યું હતું. કોન્ટ્રાક્ટર અંદાજિત બાર જેટલા મજૂરો સાથે અહીંયા વર્ક આઉટ કરતા હતા. જેમાં બંને લોકોએ હલકી ગુણવત્તાવાળું મકાન બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત મજૂરોની સલામતી માટે સેફટીના કોઈ સાધનો વગર આ કામગીરી કરવામાં આવતી હતી. આમ મકાન માલિક અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ મકાન એકાએક ધરાશા થઈ ગયું હતું.

Most Popular

To Top