Editorial

CAA અંગે વિપક્ષો હાલ વધુ પડતી કાગારોળ મચાવશે તો તેનાથી ભાજપને જ ફાયદો થશે

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) સંસદમાં પસાર થયાના પાંચ વર્ષ પછી આ સોમવારે લાગુ કર્યો. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા આ જાહેરાત આવી છે. આ કાયદો અમલી બનતા ભારતમાં ૨૦૧૪ પહેલાથી શરણાર્થીઓ તરીકે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો વગેરે ભારતીય નાગરિકતા કાયદેસર રીતે મેળવવા અરજી કરી શકશે.

અરજીઓ ઓનલાઈન મોડમાં સબમિટ કરવામાં આવશે જેના માટે વેબ પોર્ટલ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નાગરિકતા (સુધારા) નિયમો, 2024ના જાહેરનામા પછી કહ્યું કે તેના અમલીકરણથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધાર પર અત્યાચાર સહન કરતા લઘુમતીઓ ભારતમાં નાગરિકતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનશે. જો કે આ જાહેરનામું બહાર પડતાં જ વિવાદ શરૂ થઈ ગયો છે અને આ જાહેરનામું જે સમયે બહાર પાડવામાં આવ્યું તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

11 ડિસેમ્બર, 2019 ના રોજ સંસદ દ્વારા ઘડવામાં આવેલ CAA, સમગ્ર ભારતમાં તીવ્ર ચર્ચા અને વ્યાપક વિરોધનો વિષય રહ્યો છે. CAA એ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયોના લોકો જેઓ 31 ડિસેમ્બર, 2014 અથવા તે પહેલાં તેમના દેશોમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરવાને કારણે ભારતમાં પ્રવેશ્યા હોય તેવા સ્થળાંતર કરનારાઓને ભારતીય નાગરિકત્વનો ઝડપી માર્ગ પૂરો પાડવા માટે 1955ના નાગરિકતા કાયદામાં સુધારો કરે છે.

જો કે આ કાયદો ધાર્મિક આધાર પર નાગરિકતા આપતો હોવાથી તે ભેદભાવભર્યો છે એમ કહી તેની સામે વિરોધ શરૂ થયો. તે મુસ્લિમોની નાગરિકતા છીનવી લેશે એવી વાતો પણ ફેલાઈ. ૨૦૧૯મા તેની સામે ભારે વિરોધ પ્રદર્શનો થયાં હતાં. દિલ્હીના શાહીન બાગમાં ધરણાં અને આસામના ગુવાહાટીમાં વિરોધ સભાઓ થઈ હતી. જો કે બાદમાં કોવિડ-પ્રેરિત પ્રતિબંધો અને લોકડાઉનને કારણે તમામ વિરોધો મંદ પડી ગયા અને છેવટે શમી ગયા. જો કે હાલમાં જાહેરનામું બહાર પડતાં જ વિપક્ષી નેતાઓ ફરી વિરોધ કરવા લાગ્યા છે.

CAA ભારતમાં મુસ્લિમોની નાગરિકતા છીનવી લેશે તેવા આક્ષેપો થયા હતા તે અંગે સરકારે તેનું વલણ જાળવી રાખ્યું છે કે CAA નાગરિકતા આપવાનો કાયદો છે અને નાગરિકતા પાછી લેવાનો નથી. અને આ નિયમ ભારતના મુસ્લિમ નાગરિકોને અસર કરશે નહીં એવી સ્પષ્ટતા તેણે કરી છે. CAA નિયમો, જે મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા અને 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા હતા તેનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા હિંદુઓ, શીખો, જૈનો, બૌદ્ધો, પારસીઓ અને ખ્રિસ્તીઓ વગેરે , ત્યાં અત્યાચાર સહન કરનારા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકત્વ આપવાનો છે.

જો કે આ કાયદા સામે અનેક શંકાઓ ઉભી થઇ. ઇશાન ભારતમાં બાહ્ય વસ્તી વધી જવાનો ભય પણ ફેલાયો. પાડોશી દેશોનાં લોકોને નાગરિકતા અપાશે તો સ્થાનિક લોકોની રોજગારી ભયમાં મૂકાશે એવો મુદ્દો પણ ઉભો થયો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદી સરકાર એવા સમયે CAA લાવી જ્યારે દેશના યુવાનો નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. “ તેઓ પાડોશી દેશોમાંથી લોકોને ભારતમાં લાવીને વસાવવા માગે છે. શા માટે? તમારી વોટબેંક બનાવવા.

જ્યારે આપણા યુવાનો પાસે રોજગાર નથી તો પડોશી દેશોમાંથી આવતા લોકોને રોજગાર કોણ આપશે?” એમ કેજરીવાલે પૂછ્યું. યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ આવો જ સૂર કાઢ્યો. જો કે, CAA નિયમમાં જણાવ્યા મુજબ, 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નિયમ હેઠળ નાગરિકતા મળશે. આમ, CAA પડોશી દેશોમાંથી નવા શરણાર્થીઓને આમંત્રણ આપતું નથી.

જેઓ 2014 પહેલા ભારતમાં પ્રવેશ્યા હતા તેઓ પહેલેથી જ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કંઈક કરી રહ્યા છે અને ભારતીય નાગરિકત્વ તેમના શરણાર્થી દરજ્જાને સમાપ્ત કરશે અને તેમને સન્માનજનક જીવન જીવવાની તક આપશે. તેથી, તેઓ ભારતીય જોબ માર્કેટ પર તાત્કાલિક કોઈ દબાણ નહીં કરે. પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તો આ કાયદો સ્થાનિક ભારતીયો માટે કોઈ મુશ્કેલી સર્જે એવું લાગતું નથી, અને ભવિષ્યમાં જો સર્જે તો ત્યારે વિરોધ પ્રદર્શનો કરી શકાશે. પરંતુ અત્યારે જો વિપક્ષો અને લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો વધુ પડતી કાગારોળ મચાવશે તો તેનાથી ભાજપને જ ફાયદો થશે તે ચોક્કસ છે.

Most Popular

To Top