Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) લિંબાયતમાં પાંચ દિવસ એક બુટલેગરની હત્યા તેની પ્રેમિકાની નજર સામે થયા બાદ પ્રેમિકાએ ગુરુવારે રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લીધો હતો. બુટલેગરની હત્યા કેસમાં પ્રેમિકા લિંબાયત પોલીસ (Police) મથકમાં ફરિયાદી પણ બની હતી. હાલ પ્રેમિકાએ માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની શક્યતા છે.

મૂળ નિયોલના વતની અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલ શ્રીજીનગર સોસાયટીમાં રહેતી 30 વર્ષિય સોનલબેન વિઠ્ઠલભાઈ રાઠોડે ગુરુવારે પોતાના ઘરે રસોડાના પ્લેટફોર્મ પર ચડીને છતના લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. લિંબાયત પોલીસે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, સોનલ કાપડના કારખાનામાં કામ કરીને લાલો ઉર્ફ લાલચંદ શીમ્પીની સાથે જીવન ગુજારી રહી હતી. લાલાચંદ ઉર્ફે લાલો શીમ્પીની પાડોશી યુવક સંતોષ નિકમ સાથે ઝઘડો થતા સંતોષે 25મીએ ઘરમાં જઈ ચપ્પુ લાવીને લાલાને ઘા મારી કરપીણ હત્યા કરી નાંખી હતી. સમગ્ર ઘટના સોનલની નજર સામે થતાં તેણીએ લીંબાયત પોલીસ મથકમાં સંતોષ નિકમ વિરુધ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. લાલાનું મોત નિપજતાં પોતે એકલી પડી જતા તેના વિરહમાં સોનલે માનસિક તણાવમાં આવીને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસે અગાળની તપાસ હાથ ધરી છે.

ઉનમાં સગીરાનો આપઘાત : ગર્ભવતી હોવાનો પીએમ રિપોર્ટ

સુરત : ઉન પાટીયા પાસે રહેતી એક સગીરાએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. સગીરાની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેણીને ગર્ભ હોવાના લક્ષણો મળી આવતા સેમ્પલો લઇને લેબમાં મોકલી અપાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુળ ઓરિસ્સાના વતની અને સુરતમાં ઉન પાટીયા પાસે રહીને મજૂરીકામ કરતા પરિવારની 16 વર્ષની સગીરા ધો.8માં અભ્યાસ કરતી હતી. બે દિવસ પછી પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યું હતું. ઘરમાં શાકભાજી ખરીદવા માટે સગીરાના પિતા બજારમાં ગયા હતા.

દરમિયાન ઘરમાં પરિવારજનોની ગેરહાજરીમાં સગીરાએ અચાનક જ દુપટ્ટા સાથે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. સગીરાને તાત્કાલીક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. સગીરાનું પોસ્ટમોર્ટમ કરનાર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સગીરાના શરીરમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. જેના સેમ્પલો લઇને ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

To Top