Madhya Gujarat

પાલિકાના પૂર્વ પ્રમુખ પાસેથી ૪૬ લાખ વસૂલાશે

  લુણાવાડા : લુણાવાડા નગરપાલિકામાં તત્કાલિન પ્રમુખે   ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કર્યો હતો. અને સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉન હૉલ બાંધકામ બાબતે નગરપાલિકાઓની કચેરી વડોદરા પ્રાદેશિક કમિશ્નરે  ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ નગરપાલિકાને કરેલ 46 લાખના  નુક્સાનની વસુલાત તત્કાલીન  પાલિકા પ્રમુખ પાસેથી હુકમ થયાના દિન -૩૦ માં વસૂલ કરવા હુકમ કરતા  ખળભળાટ મચી જવા  પામ્યો છે.

તત્કાલિન પ્રમુખ જયેન્દ્રસિંહ વાય. સોલંકી અને ચીફ  ઓફિસર વિરુદ્ધ  લુણાવાડા પાલિકાના સભ્ય  મુળજીભાઇ રાણાએ નગર પાલિકાઓની  કચેરી વડોદરા પ્રાદેશિક કમિશ્નરની કોર્ટમાં  કરેલ અપીલ અંગે બંને પક્ષો  તરફથી રજુ થયેલ લેખિત દલીલો તથા સમગ્ર કેસની હકીકતો અને કેસ સાથે ઉપલબ્ધ સાધનિક કાગળો ના આધારે ફલિત  થયેલ તારણો મુજબ  ટાઉનહોલ બાંધવા ઠરાવેલ સી.સ.ન.૧૭૧ પૈકીની જમીન નગરપાલિકાને બગીચાના હેતુ માટે ફાળવેલ હતી. જે અંગે ટાઉન હોલ બાંધકામ કરવા માટે હેતુફેર કરવા અંગે કોઈ સક્ષમ ઓથોરિટીની મંજુરી લેવામાં આવેલ નથી. જેથી ઠરાવ કરીને સત્તાનો દુરુપયોગ  કરેલ છે.

 સ.ન. ૧૭૧ પૈકીની જમીનમાં બાંધકામ કરવાનું ઠરાવ્યા બાદ નવેસરથી રિવાઇઝડ વહિવટી તથા તાત્રિક મંજૂરી તેમજ સ્થળફેરની વહીવટી મંજૂરી મેળવવી જોઈતી હતી તે ન મેળવીને સત્તાનો દુરુપયોગ કરેલ છે.સામાન્ય સભાના ઠરાવ ન .૪૧ થી સી.સ.ન .૧૭૧ પૈકીની નગરપાલિકા હસ્તકની ખુલ્લી જગ્યામાં ટાઉન હોલ બાંધવા ઠરાવવામાં આવેલ અને આ અંગેની આગળની કાર્યવાહી કરવા પ્રમુખ નગરપાલિકા લુણાવાડાને સત્તા આપવા સર્વાનુમતે ઠરાવેલ છે.

જે સત્તાની રૂએ કરેલ કાર્યવાહીમાં થયેલ વિસંગતતાં કાયદાની જોગવાઈ વિરુદ્ધ કરેલ તમામ પ્રક્રિયા માટે પ્રમુખ જવાબદાર બને છે. સ્થળ ફેરફારની મંજૂરી મેળવ્યા સિવાય થયેલ કામ અંગે પ્રથમ આર.એ , બિલની માંગણી અન્વયે દિશા સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇનનાઓ દ્વારા થયેલ કામ અંગે માપપોથીમાં માપો નોંધી સર્ટીફીકેટ ઓફ પેમેન્ટ રૂ.૪૬,૫૫,૬૨૭/ ના બીલનું ચૂકવણું કરીને સત્તાનો દુરુપયોગ કરેલ છે.

તેમજ ટેન્ડર મંજૂર થયા બાદ લગભગ ૧ વર્ષ – ૯ માસ જેટલા લાંબા સમય બાદ દેવશ્રી કન્સટ્રકશન કપની, ગાંધીનગરને તા.૧૯ /૦૨ / ૨૦૧૯ થી ટેન્ડર , કરારની શરતોને આધીન વર્ક ઓર્ડર આપેલ છે. તેમજ તેઓ સાથે કરેલ કરાર મુજબ સદર કામ ૧૨ માસ સુધીમાં પૂર્ણ કરી આપવા જણાવેલ છે અને સમયમર્યાદામાં વિલંબ થશે તો કંપની જવાબદાર રહેશે તેમ જણાવેલ છે. તે મુજબ કામ પૂર્ણ થયેલ નથી. નાયબ કાર્યપાલક ઇજનેર લુણાવાડાનો રીવાઇઝડ ટી.એસ. લેવાની જરૂરિયાત રહેતી નથી તેમ આપેલ અભિપ્રાય ખોટો ઠરે છે.

અંદાજપત્રમાં જથ્થામાં થયેલ વધારા અંગે કન્સલ્ટન્ટ જોડે મૌખિક ચર્ચા વિચારણા કરી આપેલ અભિપ્રાય કાયદાકીય સુસંગત નથી. સમગ્ર કેસની હકીકતો તથા રેકર્ડની વિગત જોતાં નગરપાલિકાઓ વડોદરા પ્રાદેશિક કમિશ્નર ડો.હર્ષિત પી.ગોસાવીએ હુકમ  કર્યો છે કે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ વાય.સોલંકી દ્વારા નગરપાલિકાના કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરેલનું તેમજ તેઓને સોપેલ સત્તાનો દુરુપયોગ કરેલની સ્પષ્ટપણે ફલિત થાય છે. અને તેના સીધા પરિણામરૂપે નગરપાલિકાને રૂ.૪૬,૫૫,૬૨૭/-નું નાણાંકીય નુકશાન જણાતા ગુજરાત નગરપાલિકા નુકશાન નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૭૦ (૨) હેઠળ નગરપાલિકાને કરેલ રૂ .૪૬,૫૫,૬૨૭ /-(અંકે રૂપિયા છેતાલીસ લાખ પંચાવન હજાર છસ્સો સત્યાવીસ પૂરા) લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ વાય.સોલંકી પાસેથી હુકમ થયાના દિન -૩૦માં વસૂલ કરવા હુકમ કરવામાં આવે છે તથા નિયત મુદતમાં નાણાં સરકારમાં જમા કરવામાં આવે નહીં તો જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવા પગલાં લેવા અંગે ચીફ ઓફિસર લુણાવાડા નગરપાલિકાને સૂચના આપવામાં આવતા ખળભળાટ  મચી જવા  પામ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top