Gujarat

ઘોડદોડના વેપારી પુત્ર અપહરણનું અપહરણ કરનાર પિતાનો મિત્ર જ નિકળ્યો, સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી

સુરત: (Surat) ઘોડદોડ રોડ ઉપર રહેતા વેપારી પુત્રના અપહરણના (Kidnapping) કેસમાં પુત્રને છોડાવવા માટે પરિવારે 1 કરોડ રૂપિયા આપ્યા ત્યારે પુત્રને જીવિત જોયો હતો. આ અપહરણમાં પો.કમિ. અજય તોમર (Ajay Tomar) સહિત દોઢસો જેટલા પોલીસ (Police) અધિકારીઓની ટીમ દ્વારા જે રીતે સમયચૂચકતા દાખવવામાં આવી, તેને કારણે તમામ અપહરણકારઓ 99 લાખની રકમ સાથે પકડાઈ ગયા હતાં. તમામ અપહરણકારઓનો ઇતિહાસ ગુનાહિત હતો. કોમીલને જરૂર પડે તો મારી નાંખવા સુદ્ધાંની તૈયારી અપહરણકારો દ્વારા કરવામાં આવી હતી.

આખી ઘટનામાં બે અપહરણકારોએ ભેગા થઇને આઠ લોકોની ટોળકી બનાવી હતી. આ તમામ લોકોને પોલીસે પકડી લીધા છે. વેપારી પરિવારને ધમકાવવા માટે અપહરણકારોએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરનાર આઠ અપહરણકારઓની ધરપકડ કરીને તેઓની પુછપરછ શરૂ કરી છે. પોલીસે તમામને કોસંબા બ્રિજ નજીકથી પકડી પાડ્યા હતા અને 99.14 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પો.કમિ. અજય તોમર, એડી સીપી શિંગલે આખું ઓપરેશન જાતે હાથમાં લીધું હતું. તેમાં ડીસીપી રાહુલ પટેલ, એસીપી સરવૈયા સહિત દોઢસો જેટલો સ્ટાફ આ ઓપરેશનમાં જોતરાયો હતો.

મોટા વરાછામાં એક કરોડ રૂપિયા અપાયા
મોટા વરાછા ખાતે બે અપહરણકારો બાઇક પર હેલ્મેટ પહેરીને નાણાં લેવા માટે આવ્યાં હતાં. જ્યાં તેઓએ એક કરોડ રૂપિયા લઇને ચાલતી પકડી હતી. આ પોલીસ માટે ટર્નિંગ પોઈન્ટ હતો. પોલીસે એક અંદાજ પ્રમાણે દોઢસો કરતા વધારે કુમક આ આ અપહરણ કર્તાઓની પાછળ લગાડી દીધી હતી. આમ એક કરોડ અપાવીને અપહરણકારઓને બિન્દાસ્ત કરીને પોલીસે તમામ આઠ અપહરણકારઓને પકડી પાડ્યાં હતાં. એવું કહેવાય છે કે મોટા વરાછામાં ચાર લોકેશન ચેન્જ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ સેફટી જણાતા અપહરણકારોએ બેગ હાથમાં લીધી હતી.

પોલીસને ખબર પડી કે કોસંબા બ્રિજ પાસે અપહરણકારો ભેગા થવાના છે
શંકાસ્પદ લોકોનો પીછો કરતી અને ફ્રોન ટ્રેસ કરતી પોલીસને ખબર પડી ગઇ હતી કે કોસંબા બ્રિજ પાસે તમામ અપહરણકારઓ ભેગા થવાના છે. જેવા અપહરણકારઓ નાણાં લઇને તેને વેચવા માટે ભેગા થયા કે ત્વરિત જ અપહરણકારઓ ઝડપાઇ ગયા હતા. સિત્તેર કરતાં વધારે પોલીસોનો જાપ્તો હોવાને કારણે તમામ અપહરણકારઓ ઘેરાઇ ગયા હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત ફોન ટ્રેસિંગ કરીને પોલીસે તમામ લોકોને ઝડપી પાડ્યા હતાં.

પરિવારે 3 કરોડને બદલે એક કરોડ લેવા માટે અપહરણકારોને મનાવ્યા અને કોમીલ બચી ગયો
આ મામલે જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે આઠ અપહરણકારોને કોમીલના પરિવાર પાસેથી 3 કરોડની ખંડણી જોઇતી હતી. આટલી મોટી રકમ ત્વરિત આપવી અશકય હોવાની વાત અપહરણકારઓએ કરતા અપહરણકારો આખરે એક કરોડ લેવા સંમત થયાં હતાં.

વિડીયો કેમેરો ચાલુ કરીને કોમીલ પર ફાયરિંગ કરવાનું નાટક અપહરણકારોએ કર્યું હતું
અપહરણકારોએ વિડીયો કેમેરો ચાલુ કરીને કોમીલની સામે રિવોલ્વર ધરીને તેની પર ફાયરિંગ કરવાનું નાટક કર્યું હતું. અપહરણકારો એવું બતાવવા માંગતાં હતાં કે તેઓ કોમીલની હત્યા પણ કરી શકે છે. જેથી આ બીક પરિવારજનોમાં હાવી થઇ ગઇ હતી. તેઓએ ત્વરિત એક કરોડ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી. અપહરણકારો કોઇ ખોટી હરકત કરે અને કોમીલને મારી નાંખે તે પહેલા એક કરોડ રૂપિયા આપવા માટે પોલીસે જાતે સંમતિ દર્શાવીને ગણતરીના કલાકોમાં અપહરણકારોને ઝબ્બે કર્યા હતા.

કોમીલને સ્કોડા કારમાં માર મારવામાં આવ્યો હતો
કોમીલના પરિવારજનોને ડરાવવા માટે કોમીલને ફોન ચાલુ કરીને ફિલ્મી સ્ટાઇલથી ફટકારવામાં આવ્યો હતો. આમ અપહરણકારો જો બાજી અવળી પડે તો કોમીલને મારી નાંખવાની તૈયારી પણ કરી લીધી હતી. તેથી કોમીલના પરિવાર માટે સવારના છ થી રાત્રિના સવા અગિયાર વાગ્યાની એક સેકંડ સૈકાઓ બરાબર વીતી હતી.

કોમીલને બપોરે કામરેજ પર છોડાયો અને પોલીસે અપહરણકારઓને સવા અગિયાર વાગ્યે પકડી લીધા
આ મામલામાં કોમીલને કામરેજ પર છોડી દેવામાં આવ્યો હતો. કોમીલ રિક્ષામાં બેસીને ઘરે આવ્યો હતો. કોમીલ જેવો ઘરે આવ્યો ત્યારે તેને જોઈને પરિવારજનોના આંખમાંથી આંસુ નીકળી ગયા હતાં. કોમીલના પરિવારજનો સાથેનું મિલન જોઈને પોલીસની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

ઘટનાક્રમ: ઈર્શાદ ઉર્ફે છોટુ મુલતાનીને લાખોનું દેવું થઈ ગયું હોવાથી કોમીલના અપહરણનો પ્લાન બનાવ્યો હતો

  • ઘોડદોડ રોડ ઉપર કરીમાબાદ સોસાયટીમાં રહેતા ખોજા સમાજના વેપારી અનવરભાઇ દૂધવાલાનો પુત્ર કોમીલનું ગુરૂવારે વહેલી સવારે છ વાગ્યે અપહરણ થયુ હતું. જીમમાં જતા કોમીલને સ્કોડા ગાડીના ચાલકે ટક્કર મારીને તેનું અપહરણ કરી લઇ ગયા હતા.
  • અપહરણકારોએ કોમીલના ફોન ઉપરથી જ અનવરભાઇને ફોન કરીને ધમકી આપી હતી કે, ‘જો તમે ત્રણ કરોડ આપશો તો જ તમારા પુત્રને જીવિત જોશો’. અપહરણકારોની ધમકીથી દૂધવાલા પરિવાર ડરી ગયો હતો અને રૂપિયાની વ્યવસ્થા કરવા લાગ્યો હતો.
  • અપહરણકારો કોમીલને લઇને સૌ પ્રથમ તડકેશ્વર રોડ, માંડવી, ઓલપાડ સહિતના વિસ્તારોમાં અંદાજે બસો કિલોમીટરનો રાઉન્ડ માર્યો હોવાની વિગત જાણવા મળી છે. અપહરણકારો ગામડાના વિસ્તારોમાં ગોળ-ગોળ ફરતા રહ્યા હતા. આખરે અનવરભાઇએ 1 કરોડની વ્યવસ્થા કરી આપી હતી અને પુત્રને છોડી દેવાનું કહેતા અપહરણકારોએ 1 કરોડ લઇ લીધા હતા.
  • કોમીલને કામરેજ નજીકના ગામડામાં છોડી દીધો હતો. બીજી તરફ સુરત પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી અપહરણકારો કોસંબાથી વડોદરા તરફ ભાગી જતા હોવાની બાતમી મળતા જ વોચ ગોઠવી હતી અને કોસંબા બ્રિજ પાસેથી સ્કોડા કારમાંથી ત્રણ અપહરણકારો, પલ્સર મોપેડના ચાલક તેમજ અર્ટિગા ગાડીમાં આવેલા અન્ય ચાર યુવક સહિત કુલ્લે 8ને પકડી પાડ્યા હતા.
  • પોલીસે તેઓની પુછપરછ કરતા આઠ અપહરણકાર પૈકી ઇર્શાદ ઉર્ફે છોટુ સમશેર મુલતાનીને લાખો રૂપિયાનું દેવું થઇ ગયું હોવાથી તેને પોતાના મિત્ર ઇસ્તીયાકને વાત કરી હતી અને બાદમાં બીજા અન્ય અપહરણકારોએ ભેગા થઇને કોમીલનું અપહરણ કરી ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
  • હાલ તો ઉમરા પોલીસે આઠેય અપહરણકારોની ધરપકડ કરીને તેઓની પાસેથી ખંડણીના રોકડા રૂા. 99.14 લાખ, દેશી હાથ બનાવટનો તમંચો, જીવતા ત્રણ કાર્ટિઝ, સ્કોડા ગાડી, પલ્સર મોટરસાઇકલ, અર્ટિગા ગાડી તેમજ સાત મોબાઇલ મળીને કુલ્લે રૂા. 1.16 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરી છે.

વરાછા આવ્યા બાદ કોમીલે પરિવારને જાણ કરી હતી
સાંચે પાંચ વાગ્યાના અરસામાં કોમિલને કામરેજ હાઇવે ઉપર છોડી દેવાયો હતો. ત્યારબાદ ગભરાતા ગભરાતા કોમિલ રિક્ષા મારફતે વરાછા વિસ્તારમાં આવ્યો હતો અને અહીંથી પોતાના પરિવારને જાણ કરી હતી કે, હું વરાછા વિસ્તારમાં છું. ત્યારબાદ તેના પરિવારો કોમિલને લેવા માટે ગયા હતા અને બાદમાં ઉમરા પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી.

અનવરનો મિત્ર ઇર્શાદ દગાબાજ નીકળ્યો , દેવુ ચૂકતે કરવા અપહરણનો પ્લાન ઘડયો
પોલીસની પ્રાથમિક પુછપરછમાં ઇર્શાદ ઉર્ફે છોટુ સમશેર મુલતાની અને કોમીલના પિતા અનવરભાઇની વચ્ચે ધંધાકીય વ્યવહારથી સંબંધો બન્યા હતા. બંને એકબીજાને ધંધાના કારણે ઓળખતા હતા. ઇર્શાદને જ્યારે દેવું થઇ ગયું હતું ત્યારે તેણે પોતાના મિત્રોને વાત કરીને કોમીલનું અપહરણ કરવાનું કહ્યું હતું. કોમીલના પિતા પાસે કરોડો રૂપિયા હોવાનું કહીને અપહરણનો પ્લાન બનાવ્યો હતો. અને અપહરણ બાદ જે રૂપિયા મળશે તેનાથી દેવું પણ ચૂકતે થઇ જશે તેમ કહીને આઠેય મિત્રો ભેગા થયા હતા. કોમીલને ટાર્ગેટ કરીને તમામએ 15 દિવસથી પ્લાનિંગ કર્યું હતુ અને ચાર દિવસ સુધી કોમીલ ક્યાં જાય છે, કોને મળે છે, કયા રસ્તેથી જાય છે તે સહિતની તમામ ગતિવિધી ઉપર નજર રાખી હતી અને આખરે ગુરૂવારે વહેલી સવારે કોમીલ જીમમાં ગયો ત્યારે જ તેનું અપહરણ કર્યું હતું.

આવી રીતે બન્યો અપહરણનો પ્લાન..
રામપુરામાં રહેતા ઇર્શાદને દેવું થઇ ગયું હતું. ઇર્શાદે તેના મિત્ર અને નાનપુરામાં રહેતા ઇસ્તિયાક રફીક શેખને વાત કરી હતી. ઇસ્તિયાકે તેના મિત્ર સંતોષ ઉર્ફે સાહીદને વાત કરી હતી. ત્રણેયએ ભેગા થઇને અજય ભરવાડને બોલાવ્યો હતો અને સમગ્ર પ્લાન સમજાવ્યો હતો. અજય ભરવાડે અપહરણ કરવા માટે રાજસ્થાનમાં રહેતા મિત્ર ફૈજાનખાન નબીખાન ઉસ્માનને જાણ કરીને તેની પાસેથી દેશી તમંચો અને કાર્ટિજ મંગાવ્યા હતાં. આ અપહરણમાં કુલ આઠ અપહરણકારઓએ ભેગા થઇને પ્લાન બનાવ્યો હતો અને અપહરણના રૂપિયા આવી ગયા બાદ તમામ ભાગી જવાની ફિરાકમાં હતા.

ડીજીપી અને ગૃહમંત્રીએ સુરત પોલીસને 1 લાખનો પુરસ્કાર જાહેર કર્યો
વેપારીના પુત્રનું અપહરણ કરનાર આઠ અપહરણકારઓની ધરપકડ થઇ ગયા બાદ મોડી સાંજે ઘટના અંગે સુરતના પોલીસ કમિશનર અજય તોમરે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા તેમજ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ટેલીફોનિક જાણ કરી હતી. પોલીસની સારી કામગીરીને ધ્યાને રાખીને ડીજીપી તેમજ ગૃહમંત્રીએ સુરત પોલીસને 1 લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.

કોણ-કોણ પકડાયું..?

  • અજય રત્નાભાઈ ડામલા (ઉ.વ.21, રહે. કીમ ખુડસદ, મુળ રહે. ભાવનગર)
  • ચિરાગ ગોપાલ યાદવ (ઉ.વ.20, રહે. સાયણરોડ શ્યામજી નગર, મુળ વતન મધ્યપ્રદેશ)
  • સોનુ દેવપુરી ગોલિંદપુરી ગોસ્વામી (ઉ.વ.21, રહે. ભરવાડ ફળિયુ, કાપોદ્રા, મુળ આંધ્રપ્રદેશ)
  • ફૈજાનખાન નબીખાન ઉસ્માન (ઉ.વ.21, રહે. સરથાણા સીમાડાગામ, મુળ રાજસ્થાન)
  • અરવિંદ માવજીભાઈ વાઢેલ (ઉ.વ.46, રહે. બીબીનો ડેલો, સૈયદપુરા)
  • ઈશ્તિયાક રફીક શેખ (ઉ.વ.33, મેમુના પેલેસ, ખજૂરાવાડી)
  • ઈર્શાદ સમશેર મુલતાની (ઉ.વ.26, રહે. રામપુરા લાલમીંયા મસ્જીદ પાસે)
  • સંતોષ સુનુલ પાટીલ (ઉ.વ.26, પુણા એસએમસી આવાસ)
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top