Top News

More Posts

   The Latest

Most Popular

ચોમાસાની સિઝન સાથે કુંવારીકાઓ માટે અલુણા અને જયાપાર્વતીના વ્રતની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા જ સારા પતિની શોધ માટે કુંવારીકાઓ જયાપાર્વતીના વ્રત કરે છે અને જો કોઈનું વ્રત અધુરું રહી જાય તો લગ્ન બાદ સાસરીયામાં તેની ઉજવણી કરવામાં આવે છે. સિરીયલ અને ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે તેઓ કરવાચોથમાં પત્નીઓ માટે વ્રત રાખતા હોય છે, પણ હવે ગુજરાતીઓ પણ લગ્ન બાદ પત્નીઓના વ્રતને પ્રોત્સાહન આપવા માટે હવે પતિઓ પણ જયાપાર્વતીના વ્રત કરતા જોવા મળી રહ્યા છે. સમાજ શું કહેશે તેની પરવા કર્યા વગર પોતાના સબંધને વધુ મજબૂત બનાવવા માટે હવે પતિઓ તેમની પત્ની માટે પાંચ દિવસના જયાપાર્વતીના વ્રત કરીને તેની ઉજવણી કરવામાં પણ મદદ પણ કરી રહ્યા છે. હાલ શહેરમાં વ્રતનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમિત્ર સિટીપલ્સે શહેરના એવા પતિઓ સાથે વાત કરી જેમણે પોતાની પત્નીઓને જયાપાર્વતીના વ્રતના ઉપવાસ કરવામાં સાથ અને સહકાર આપ્યો હોય અને વિવિધ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હોય. જાણો આ પતિદેવોના વ્રત કરવા પાછળના કારણો તેમના જ શબ્દોમાં.. 

સાત જન્મ સાથ આપવાનો છે તો શરૂઆત અત્યારથી જ કરીએ : મંથન ચાવડા

મંથને તેની પત્ની જલ્પા માટે આ વર્ષે જયાપાર્વતીનું વ્રત કરવાનું નક્કી કર્યું છે. તે પાંચ દિવસ સુધી પોતાની પત્ની સાથે ઉપવાસ કરશે. તે પોતાની પત્નીનું નામ પણ હાથ પર મેંહદીથી લખાવશે. તેણે જણાવ્યું હતું કે હું પહેલી વખત લાઈફમાં ઉપવાસ કરવા જઈ રહ્યો છું. મારાથી પાંચ મિનિટ પણ ભૂખ્યુ રહેવાતું નથી. મારા ઘરે મારા પેરન્ટસે મને વ્રત કરવાની ખૂબ ના પાડી અને કહ્યું કે આજુ-બાજુ વાળાને ખબર પડશે તો તને બઈરીઘેલો કહેશે. મારું માનવું છે કે આપણે લગ્ન સમયે જ સુખ-દુ:ખ સાથે વહેંચીને જીવશું એવા નિયમો સાથે ફેરા ફરીએ છીએ ત્યારે સમાજ કંઈ કહેતો નથી તો મારી પત્ની મારા માટે ઉપવાસ કરી શકતી હોય તો હું તેના માટે કેમ ના કરી શકું. મેં અત્યારથી જ વ્રતમાં ખાવાની બધી વસ્તુઓ ભેગી કરી લીધી છે. મારું પણ હાલ વર્ક ફ્રોમ હોમ છે તો અમે સાથે જ ઉપવાસ કરીશું.

પત્ની તેનું પિયર છોડી તેમનો પ્રેમ બતાવે છે તમે વ્રત કરી તમારો પ્રેમ જતાવો : યશવંત મહેતા

પ્રેમ કરવો, લગ્ન કરવા અને તેને નિભાવવા આ બે વસ્તુમાં ખૂબ મોટું અંતર છે. યશના લગ્નને એક વર્ષ થયું છે અને તેની પત્નીની લગ્ન પછી જયાપાર્વતીના વ્રતની ઉજવણી છે, આથી તે પણ પોતાની પત્ની સાથે પાંચ દિવસ જયાપાર્વતીનું વ્રત કરશે. તેણે વ્રત અંગે વાત કરતા જણાવ્યું હતું કે વ્રત કરવાથી જ જો અમે બંને એકબીજાને મળ્યા હોય તો તેને ધન્યવાદ કહેવા માટે હું તેની સાથે તેનું છેલ્લું વ્રત કરીશ. અમે પાંચ દિવસના પાંચ જોડી મેચિંગ કપડા પણ રેડી કર્યા છે. તેનું આ છેલ્લું વ્રત અમે ઉત્સવની જેમ ઉજવશું. વ્રતની ઉજવણીના દિવસે અમે  આખા ફેમિલી સાથે હોટલમાં ડીનર પણ ગોઠવ્યું છે. સોસાયટી પણ હવે સમજવા લાગી છે કે જેટલું સામે આપશો તેટલું જ મળશે. મારી પત્ની સાથે વ્રત કરીને હું પણ મારો પ્રેમ જતાવીશ.

તેણે લગ્ન પહેલા પાંચ વર્ષ મારી માટે વ્રત કર્યા અને હું લગ્ન પછી પાંચ વર્ષ વ્રત કરીશ : અંકુર માવાણી

સાગરના લગ્નને હજી બે મહીના થયા છે અને તેની પત્નીનું આ છેલ્લું વ્રત છે. સાગરે જણાવ્યું હતું કે મારી પત્નીએ મને મેળવવા માટે પાંચ વર્ષ સુધી ઉપવાસ કર્યા તો હવે તે મને સાત જન્મ સુધી તે જ પત્ની તરીકે મળે તેના માટે હું હવે પછીના પાંચ વર્ષ તેના માટે વ્રત કરીશ. તેના વ્રત પુરા થયા અને મારા શરૂ થયા. મને મારા મિત્ર વર્તુળમાંથી ઘણાએ કહ્યું કે તું આ બધુ બંધ કર અને કામમાં ધ્યાન આપ.મને પણ ખબર છે આ બધુ કરવાનો કોઈ અર્થ નથી. પણ તમે દરેક પરિસ્થિતિમાં હંમેશા એકબીજાની સાથે છો એવું સાબિત કરવા માટે મેં આવતા પાંચ વર્ષ સુધી વ્રત કરવાનો નિર્ણય લીધો છે. હું પાંચ વર્ષ પછી વ્રતની ઉજવણી પણ કરીશ.

હું પણ મારી વાઈફ સાથે પાંચ દિવસ મીઠા વિનાનું ખાઉ છું : જયેશ પ્રજાપતિ

જયેશભાઈ જણાવે છે કે ખાવામાં મીઠા વિના મજા ના આવે, ચપટી મીઠાથી જ રસોઈ સ્વાદિષ્ટ લાગતી હોય છે. છતાંય જો પત્ની પોતાના પતિ માટે જો પાંચ દિવસ વ્રત ઉપવાસ કરતી હોય તો હું માનું છું કે એની સામે આપણે સ્વાદિષ્ટ ખાવું યોગ્ય નથી, મારી વાઈફ જ્યાપાર્વતી વ્રત કરે છે, હું તો તેને ના જ પાડું છું વ્રત માટે પણ તેની ઈચ્છા છે તો મનાઈ નથી કરી શકતો. હું તેની સાતે વ્રત તો નથી કરતો પણ તેને કંપની આપવા તેની સાથે પાંચ દિવસ મીઠા વિનાનું મોળું જ ખાઉ છું.’’

To Top