Top News

More Posts

   The Latest

Most Popular

અમેરિકાની ઇન્સિટ્યુટ જેવા જ ડુપ્લિકેટ ડાયમંડ સર્ટિફિકેટના આધારે સુરતમાં હીરાનો વેપાર કરતા એક વેપારીને મહિધરપુરા પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે આ વેપારીની સામે અટકાયતી પગલા ભર્યા હતાં, પરંતુ કોઇ ફરિયાદી નહીં હોવાથી તેને જામીન મુક્ત કરી દેવામાં આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આ વેપારીની પાસેથી 24 જેટલા સર્ટિફિકેટ પણ મળી આવ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી મહિધરપુરાની હીરાબજારમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટના આધારે કરોડો રૂપિયાના હીરાનો વેપાર કરવામાં આવતો હોવાની વાતો વહેતી થઇ હતી. પોલીસે આ અંગે કેટલાક હીરા વેપારી અને દલાલોના નામો પણ જાણવા મળ્યાં હતાં. આ માહિતીના આધારે પોલીસે મૂળ મહેસાણા જિલ્લાના ગમાનપુરા ગામના વતની અને સુરતમાં જૂના કતારગામ પોલીસ મથકના પાછળ શાલિન એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ વિસાભાઇ પટેલને પકડી પાડ્યો હતો.

પોલીસને માહિતી મળી હતી કે, ધર્મેશની પાસે જીમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકા (જીઆઇએ)નું સર્ટિફિકેટ છે, પરંતુ તેની પાસે કોઇ હીરો નથી. આ માહિતીના આધારે પોલીસે ધર્મેશને પકડ્યો હતો અને પૂછપરછ કરતા ડુપ્લિકેટ જીઆઇએનું સર્ટિ કબજે લીધું હતું, પરંતુ ધર્મેશની પાસેથી કોઇપણ પ્રકારના હીરા મળ્યા ન હતાં. આ ઉપરાંત પોલીસે ધર્મેશની ઓફિસમાં તપાસ કરી ત્યાં બીજા પાંચ સર્ટિફિકેટ મળી આવ્યા હતાં અને તેની સાથે હીરા પણ મળી આવ્યાં હતાં.

આ ઉપરાંત ધર્મેશની પાસેથી બીજા 19 સર્ટિફિકેટ પણ કબજે લેવાયાં હતાં. આ સર્ટિફિકેટના આધારે ધર્મેશ બીજા હીરા લઇને વેચવાની ફિરાકમાં હતો પરંતુ તે પહેલા જ તેને પકડી લેવાયો છે. પોલીસે કુલ્લે 24 જેટલા સર્ટિફિકેટ કબજે લઇને તે અંગેનો રિપોર્ટ જીઆઇએ લેબના એક્સપર્ટ ઓપિનિયન માટે મોકલી આપ્યાં હતાં. પોલીસે ધર્મેશ પટેલની પાસેથી કુલ્લે રૂા. 11 લાખની કિંમતનો લેસર મશીન, સર્ટિફિકેટ અને હીરા કબજે લીધાં હતાં. અને વધુ તપાસ શરૂ કરી છે.

લાખો રૂપિયાની કિંમતનું લેસર મશીન પણ કબજે લેવાયું
પોલીસના જણાવ્યા પ્રમાણે ધર્મેશ પટેલની પાસેથી પોલીસે એક લેસર મશીન કબજે લીધું છે. આ મશીનમાં સર્ટિફિકેટમાં જે નંબર હોય તે જ નંબર હીરા ઉપર લખવામાં આવતો હતો અને તેના આધારે સર્ટિફિકેટ વેચવામાં આવતું હતું. મોટાભાગે ધર્મેશ પટેલે જ્વેલર્સને ટાર્ગેટ કરીને તેઓને હીરા વેચતો હતો. જ્વેલર્સ વિવિધ જ્વેલરીમાં હીરા ફીટ કરીને જીઆઇએ સર્ટિફિકેટના આધારે વેચી દેતાં હતાં. સર્ટિફિકેટના આધારે મશીન ઉપર નંબર લખવા માટે થઇને ધર્મેશ પટેલે રૂા. 15 હજારના પગાર ઉપર એક યુવકને નોકરીએ રાખ્યો હતો. પોલીસે કુલ્લે રૂા. 11 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

શું છે આ જીઆઇએ સર્ટિફિકેટ..?
જીમોલોજિકલ ઇન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકા (જીઆઇએ) એક સંસ્થા છે, અને આ સંસ્થા દ્વારા ડાયમંડને લઇને સર્ટિફિકેટ આપવા માટે લેબોરેટરી ચલાવાઇ છે. આ સર્ટિફિકેટના આધારે ડાયમંડને વિશ્વની કોઇપણ બજારમાં વેચી શકાય છે અને ખરીદી પણ શકાય છે. આ સર્ટિફિકેટથી ડાયમંડની ઊંચામાં ઊંચી કિંમત આવે છે અને ડાયમંડ ઓરીજનલ હોવાની વિશ્વસનીયતા વધી જાય છે. સુરતમાં આવા અનેક વેપારીઓ સાથે ડુપ્લિકેટ જીઆઇએ સર્ટિફિકેટથી વેપાર થયા હોવાની પોલીસને શંકા છે અને તે દિશામાં તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

જ્યારે હીરો લેબોરેટરીમાં જાય છે ત્યારે જ સર્ટિફિકેટ બને છે, પરંતુ ધર્મેશ પાસે પહેલાંથી જ સર્ટિફિકેટ હતાં
પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઇ હીરો તૈયાર થાય છે ત્યારે તેની વિશ્વસનીયતા માટે લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે. આ હીરો ઓરિજિનલ છે કે નહીં..? તે માટે લેબમાં ચકાસણી થઇને રિપોર્ટ આપવામાં આવે છે. સુરતમાં આવી અનેક લેબ આવેલી છે જે સ્થળ ઉપર જ હીરો ચેક કરીને રિપોર્ટ આપે છે. પરંતુ પોલીસે ધર્મેશને પકડ્યો ત્યારે તેની પાસેથી 24 જેટલા સર્ટિફિકેટ મળી આવ્યા છે. જો કે, આ સર્ટિફિકેટ ઓરિજિનલ છે કે નહીં..? તેની પણ તપાસ કરવામાં આવશે.

અંડર વેલ્યુએશન અને ઓવર વેલ્યુએશન માટે આ સર્ટિફિકેટનો ઉપયોગ થતો હોવાની શંકા
વેપારીઓના મત પ્રમાણે આ સર્ટિફિકેટ સહેલાઇથી મળતું નથી, પરંતુ કોઇ એક સર્ટિફિકેટના આધારે ડુપ્લિકેટ સર્ટિ બનાવીને તેની ઉપર હીરાનું કૌભાંડ કરવામાં આવે છે. આ સર્ટિફિકેટના આધારે અંડર વેલ્યુએસન અને ઓવરવેલ્યુએશન કરવામાં આવતું હોવાની શંકા છે. જો સિન્થેટિક ડાયમંડ હોય તો તેને ઓરિજિનલ ડાયમંડ બતાવીને ઊંચી કિંમતે પણ વેચી શકાય છે. અથવા તો ઓરિજિનલ હીરાને સિન્થેટિક ડાયમંડ કહીને તેને વિદેશમાં એક્સપોર્ટ કરી મોટા હવાલા કૌભાંડ કરવામાં આવતા હોવાની પણ શક્યતા છે. જો કે, આ બાબતે ઉચ્ચ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો બહાર આવે તેમ છે

To Top