Vadodara

રાજપુરામાં ૧ર ફૂટ- અણખોલમાંથી ૪ ફૂટના મગરને રેસ્ક્યુ કરાયાં

વડોદરા: વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામના એક ખેતરમાં આવેલા 12 ફૂટના મહાકાય મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. જ્યારે આજવા બાયપાસ રોડ પર આવેલા અણખોલ ગામ પાસેની સ્નાયડર કંપનીના પાર્કિંગમાંથી 4 ફૂટના મગરને પકડી લઈ પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર અને જીલ્લામાં દિવસેને દિવસે મગરો રહેણાક વિસ્તારોમાંથી પકડાયો હોવાના કિસ્સાઓ વધવા માંડ્યા છે. દરમિયાન વધુ એક મહાકાય મગર વાઘોડિયા જિલ્લાના રાજપુરા ગામમાંથી પકડી લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામના એક ખેતરમાં મહાકાય મગર દેખા દેતા ગામના અગ્રણી પ્રદ્યુમનસિંહ ચૌહાણ આ બાબતની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને કરતા તત્કાલ સંસ્થાના વોલિયન્ટર અરુણ સૂર્યવંશી ,કિરણ શર્મા ,પિંકલ ભાઈ વાઘોડિયા વનવિભાગના અધિકારી જે.પી. મકવાણાને સાથે લઈને રાજપુરા ગામ ખાતે દોડી ગયા હતા.જ્યાં તપાસ કરતાં ખેતરમાં 12 ફૂટનો મહાકાય મગર દેખા દેતા તેઓ પણ અચંબામાં પડ્યા હતા.આ મગરને એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

જ્યારે બીજા એક બનાવમાં આજવા બાયપાસ રોડ ઉપર આવેલ અણખોલ ગામ પાસેની સ્નાયડર કંપનીના પાર્કિંગમાં મગર દેખા દેતા કંપનીમાં કામ કરતા કર્મચારી દ્વારા વડોદરાના ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી તુરત જ સંસ્થાના કાર્યકર્તાઓ કંપની ખાતે દોડી ગયા હતા.જ્યાં 4 ફૂટનો મગર નજરે પડ્યો હતો.જેને રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારો તથા ગામની સીમ અને ખેતરોમાં આવા મહાકાય મગરો ઘૂસી આવવાના કિસ્સાઓ બનતા રહે છે ત્યારે સ્થાનિક લોોમાં ડરનો માહોલ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે. જોકે જીવદયા પ્રેમીઓ દ્વારા આ મગરોનુ રેસ્ક્યુ કરાતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.

Most Popular

To Top