માતા અને પિતા જયારે પોતાના બાળકને તરછોડે છે, તેમાં દોષ તેમનો નથી આપણો છે

થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક પિતાના પોતાના જીવ કરતા વ્હાલા બાળકને  સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પાસે છોડીને જતો રહે છે, જો કે પોલીસની કુનેહને કારણે કલાકોમાં પોલીસ પિ દોષીતાની ઓળખ કરે છે અને પિતાની શોધી કાઢે છે, આવી જ બીજી ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઘટે છે, એક માતા પોતાની બે દિવસની નવજાત બાળકીને એક એપાર્ટમેન્ટમાં પગથીયા ઉપર મુકી જતી રહે છે, જો કે સ્થાનિક મહિવાની જાગૃત્તતાને કારણે બાળકી મુકી જઈ રહેલી યુવતીને તરત પકડી લેવામાં આવે છે. આ કઈ પહેલી અથવા બીજી ઘટના નથી આપણા દેશમાં આવી અસંખ્ય ઘટનાઓ ઘટે છે.

જો કે અમદાવાદ અને ગાંધીનગરની ઘટનાનો જ અભ્યાસ કરીએ તો પહેલી વાત આપણને સમજાશે કે પોતાના બાળકને છોડી દેનાર પિતા અને બાળકી છોડી દેનાર માતા પોતાના સંતાનને એવી જગ્યાએ તરછોડે છે જયાં તેમને કોઈ સાચવી લેશે તેવી મનમાં અપેક્ષા હોય છે, આમ તેમના મનમાં ઉંડે ઉંડે પણ પોતાના બાળકની ચીંતા અને પ્રેમ હતો, જો કે આપણે તેમના વ્યવહારની નોંધ લેતા નથી. આ બંન્ને ઘટનાઓના રીપોર્ટીંગ પછી મારા ધ્યાનમાં આવ્યુ કે સ્ટોરી વાંચ્યા પછી તમામે પોતાના બાળકને તરછોડી દેનારની આકરી ટીકા કરી, કેટલાંક વાંચકોએ કોમેન્ટમાં લખ્યુ કે તાકાત ના હોય તો શુ કામ બાળકને જન્મ આપ્યો.

સામાન્ય વાંચકો તો ઠીક પણ ટેલીવીઝનના એન્કરો પણ વાંચકોની ભાષામાં બાળક ત્યજી દેનાર પિતા અને માતાની આકરી ભાષામાં ટીકા કરતા હતા. બાળકને તરછોડી દેવુ કોઈ સારી બાબત નથી તેની પ્રસંશા તો થઈ શકે નહીં, પરંતુ જે બાળકને એક માતા નવ મહિના સુધી પોતાના ગર્ભમાં ઉછેરે છે અને સ્ત્રી પોતાના શરિરમાં બીજા શરિરને ઉછરે છે તેને અચાનક છોડી દેવા મજબુર થાય છે તેના માટે દોષી પિતા અથવા માતા કરતા દોષીત આપણે વધારે છીએ કારણ આપણી સમાજ વ્યવસ્થા અને સમાજ શિક્ષણ મળે છે તેમાં જ ખોટ હોવાને કારણે બાળકના જન્મ પછી તેને છોડી દેવામાં માતા અને પિતા પોતાની સલામતી સમજે છે

(1) આપણને જે સમાજ શિક્ષણ મળે છે, તેનું પહેલુ પગથીયુ છે આપણને બધી જ બાબત પાપ પુણ્યના આધારે સમજાવવામાં આવે છે, અને તેના આધારે જ આપણે જીવનનું મુલ્યાંકન કરીએ છીએ, લગ્ન પહેલા કોઈ સ્ત્રી અને પુરૂષ વચ્ચે શારિરીક સંબંધ ત્યાં સુધી પાપ નથી જયાં સુધી તે જાહેર થતો નથી, જો જાહેર થઈ જાય તો આપણે તરત તે સંબંધને પાપની વ્યાખ્યામાં મુકી દઈએ છીએ, હવે જો લગ્ન વગર સંબંધ સ્થાપિત થાય અને તે સંબંધને કારણે બાળકનો જન્મ થાય બીજા તો ઠીક તેની જન્મદાતા જ તેને પાપ માનવા લાગે છે.

કારણ જન્મદાતા પણ સમાજનો એક હિસ્સો છે, સમાજ શુ કહેશે તેની ચીંતા બાળકના જન્મના આનંદ કરતા વધારે મોટી હોય છે, આપણને જે જીવન પસંદ છે તેની નૈતિકતા-અનૈતિકતા અને પાપ-પુણ્ય નક્કી કરનાર સમાજ કોણ છે, પણ આપણે આપણા જીવનની તમામ ઘટનાઓ સાથે સમાજને જોડી દઈએ છીએ જેના કારણે લગ્ન વગરના સંબંધના પરિણામે બાળકને તરછોડી દેવાનો નિર્ણય થાય આમ જન્મદાતા આપણે શુ કહીશુ તેવા ડરમાં બાળકને છોડી દેવાનો નિર્ણય કરે છે.

(2) આપણને દંભમાં જીવનાની ટેવ પડી ગઈ છે, આપણે જેવા છીએ તેવા આપણી પોતાની સામે પણ રજુ થતાં નથી,એટલે આપણી જાતનું મુલ્યાંકન કરવાને બદલે આપણે આપણી આસપાસના લોકો શુ કરે છે તેની ઉપર બારીક નજર રાખીએ છીએ તેવી નજર આપણી ઉપર બીજા રાખે છે એટલે આપણે સતત બીજાની નજરમાં સારા રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, બીજાની નજરમાં સારા રહેવા આપણને ખોટુ બોલવુ પડે છે, અને ખોટુ જીવવુ પડે છે, એક સ્ત્રી અને પુરૂષ વચ્ચે સંબંધ સ્થાપિત થાય ત્યારે તો પ્રેમ જ હોય છે.

શારિરીક સંબંધ પણ પ્રેમનો એક હિસ્સો છે, આપણે ઈશ્વર નથી એટલે અલૌકિક પ્રેમનો દાવો કરવો જોઈએ નહીં કારણ તે શકય નથી, એક વાંચકે બાળકની ત્યજી દેનાર માતા માટે લખ્યુ કે આ પ્રેમ નથી વાસના છે, આપણે પોતાની જાતને કેવી રીતે છેતરીએ છીએ, પ્રેમ અને વાસનાને અલગ પાડી શકાય નહીં, હું જો મારી પત્ની સાથે સંબંધ રાખુ તો પ્રેમ છે અને અન્ય સ્ત્રી સાથેનો સંબંધ હોય તો તેને વાસનાનો ટેગ લગાડી દેવામાં આવે છે, હવે જો લગ્ન વગરના સંબંધને કારણે બાળકનો જન્મ થાય તો તે વાસના છે તેવી સમજને કારણે માતા બાળકને તરછોડે છે.

(3) આપણે કહીએ છીએ માણસને સાચુ બોલવુ, પણ સાચુ સાંભળવાની આપણને આદત નથી, આપણને ખોટુ બોલવુ ગમે છે અને ખોટુ સાંભળવુ સારૂ લાગે છે, સાચુ બોલવુ અને સાચુ સાંભળવુ ખુબ અધરૂ હોય છે, એટલે આપણે બધા ખોટુ બોલીએ છીએ, એક સ્ત્રી જો એવુ કહે કે મારા લગ્ન વગર મેં બાળકને જન્મ આપ્યો છે તો તે સાંભળવાની આપણામાં કેટલી હિમંત છે, સાચુ સાંભળવાની હિમંત તો ઠીક પણ કોઈ સ્ત્રી આવી હિમંત કરે તે સ્ત્રીને સામાજીક સ્વીકાર્યતા આપવાની પણ આપણી તૈયારી નથી, ગાંધીનગરમાં રહેતા સચિનમાં મહેંદી સાથે પ્રેમ કરવાની હિમંત હતી.

પણ મહેંદી દ્વારા થયેલા સંતાનનો પિતા છે તેવુ કહેવાની હિમંત ન્હોતી, વેજલપુરમાં બાળકને છોડી જનારી યુવતી સુનિલ નામના યુવકના પ્રેમમાં હતી અને તે ગર્ભવતી થતાં સુનિલ તેને છોડી જતો રહ્યો, આ બંન્ને કિસ્સામાં જો આપણને તેમને સાચુ બોલાવાની હિમંત આપી હોત તો તેઓ પોતાના બાળકને છોડી જવાનું કામ કરતા નહીં, કારણ સચિનને આ પોતાનું બાળક છે તેવુ પોતાની પત્નીને કહેવાની હિમંત ન્હોતી અને અમદાવાદની યુવતીને પોતે કુવારી માતા છે તે કહેવાની જીગર થઈ નહી.આમ આપણુ  સામાજીક શિક્ષણ સામાજીક સમજનો અભાવ આવી સ્થિતિ નિર્માણ કરે છે એટલે બાળકને તરછોડી દેનાર જન્મદાતાને દોષ આપવાને બદલે આપણી ભીતરના કાદવને ઉલેચવાની જરૂર છે.    
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts