Top News

More Posts

   The Latest

Most Popular

શિક્ષણની ગઈ કાલ કરતાં આજ પરિવર્તન ઝંખે છે. સાથે સાથે શિક્ષણની આવતી કાલ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કદમ મિલાવવા આયોજન માંગે છે. શિક્ષણનું સુકાન જેના હાથમાં છે એ શિક્ષક કેટલો સજ્જ છે કે સજ્જ થવા તૈયાર છે એ મહત્ત્વનું છે. અનુભવે સમજાયું છે કે બદલાતા, નવા નવા જ્ઞાન સાથે પોતાની સજ્જતા વધારવામાં પોતે પ્રયત્નો કરે એવા શિક્ષકોની ભારે અછત છે. આજનો શિક્ષક પુસ્તકાલયનો કેટલો ઉપયોગ કરે છે, આધુનિક સંશોધનો અને ટેકનોલોજીથી સતત માહિતગાર થઈ શિક્ષણમાં તેને કેટલે અંશે સામેલ કરે છે એ મહત્ત્વનો પ્રશ્ન છે. આવતી કાલનો વિદ્યાર્થી પુસ્તકોને બદલે લેપટોપ પર કામ કરશે એ નક્કી છે. એ જોતાં શિક્ષક ટેકનોલોજીથી સજ્જ થાય એ સમયની માંગ છે.

શિક્ષણ વિભાગ સમયાંતરે શિક્ષકોની સજ્જતા માટે તાલીમો ગોઠવે છે પરંતુ એમાં જોઈએ એટલી ગંભીરતા બન્ને પક્ષે હોતી નથી. પરિણામે અઢળક ખર્ચ પછી પણ ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. ચોક અને ટૉકની જૂની પુરાણી પદ્ધતિનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને દૃશ્ય-શ્રાવ્ય શૈક્ષણિક સાધનોનો વધુમાં વધુ ઉપયોગ થાય એ અત્યંત આવશ્યક છે. કોઈ શાળા કે શિક્ષક વાસ્તવમાં આવો ઉપયોગ કરે છે કે એ માત્ર કાગળ પર દેખાડે છે એ ચકાસવા ચોક્કસ આયોજનની આવશ્યકતા રહે છે.  અભ્યાસક્રમ કે તાલીમ પૂરી કરવાની માત્ર વિધિ પૂરી કરવાથી કશો શુક્રવાર નહીં વળે એ સ્પષ્ટ હકીકત છે. શિક્ષણ ખાડે ગયું છે એવી વાતો વર્ષોથી થાય છે, એના પર ચર્ચા-ચિંતન પણ થાય છે છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. આ બાબતે ગંભીરતાથી વિચારી, ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન અને સઘન અમલીકરણ થાય એ જરૂરી છે.
સુરત       – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top