Top News

More Posts

   The Latest

Most Popular

વ્હલા વાચકમિત્રો, ધો. ૧૦-૧૨નાં પરિણામો આવી ગયાં, સ્નાતક / ડિપ્લોમા લેવલે પ્રવેશ શરૂ થઇ ગયા. સાથે જ કોલેજ લેવલે સ્નાતક કક્ષાનાં પરિણામો આવી રહ્યાં છે અને અનુસ્નાતક કક્ષાએ પણ પ્રવેશ શરૂ થઇ ગયા છે અને આજના સમયમાં જયારે કારકિર્દી ક્ષેત્રે હજારો ક્ષિતિજોના વિકલ્પો મળી આવે છે ત્યારે વાલીઓનો પ્રાણપ્રશ્ન: કઇ કોલેજમાં અને કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો? દિશીતાએ ધો. ૧૨ વિજ્ઞાન – ગણિત જૂથ સાથે માસ પ્રમોશનમાં 86% ટકા મેળવ્યા છે. ગુજકેટમાં માત્ર 27 માર્કસ મેળવ્યા અને JEEમાં સ્કોરીંગ ઓછું જ થતું જાય છે. ત્યારે વાલી મુંઝાય. શું કરવું? કેમ કે દિશીતાના પપ્પા સારી એન્જિનિયરીંગ કોલેજમાં દીકરી માટે વિચાર કરે છે.

જયાં લગભગ ૧૦-૧૫ લાખનો ખર્ચો તો થવાનો જ છે પણ એડમિશન મળે એવું લાગતું નથી એટલે વિચારે કે ગ્રુપમાંથી ૧૫ – છોકરા – છોકરી કેનેડા અભ્યાસ કરવા જવાનાં છે, જેનો ખર્ચો પણ ૧૫-૨૦ લાખ સુધી જવાનો છે. તો મુંઝવણમાં કે પ્રાધાન્ય કોને આપવું? GTU / કેનેડા? સાથે જ કઇ લાઇનમાં પ્રવેશ લેવો? બીજા એક કિસ્સામાં મહેશ ગુજ કેટની પરીક્ષા સીરિયસલી આપતો નથી. ઓછી ટકાવારી હોવા છતાં પ્રાઇવેટ એન્જિનિયરીંગમાં એની સીટ બુક / પ્રવેશ પાકકો છે. કહે છે કે આપણે તો ડિગ્રી જ લેવાની છે અને આ વાત એના પિતા હસતાં  – હસતાં કહે છે. જયારે રિયા ધો. 12 જીવવિજ્ઞાનના વિષય સાથે 96% લાવી છે. Guj CET – માં 97% પર્સનટાઇલ છે અને NEET માં પણ ઉત્તમ દેખાવ કરી સારું સ્કોરીંગ કરવાનું ધ્યેય છે. સુરતની સિવિલમાં MBBSમાં પ્રવેશ લેવાનું ધ્યેય છે. જયાં NEET નો સ્કોર જ ચાલવાનો છે. છતાં Guj CET સીરિયસલી આપી અને ઉત્તમ સ્કોર મેળવ્યો.

મિત્રો, ઉપરના ત્રણે વિદ્યાર્થીઓમાં આજનો વર્તમાન સમયનો ટ્રેન્ડ જોવા મળે છે. આજે જયારે દરેક કોલેજ – એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પરિવર્તિત થવાની દિશામાં છે ત્યારે શિક્ષણ પણ કોઇ ચીજ-વસ્તુની જેમ sell and buyની કક્ષામાં આવી જાય છે. ગ્રાહક પોતાની કેપેસિટી પ્રમાણે, પોતાના સ્ટેટસ પ્રમાણે વસ્તુ  દુકાન / મોલ / ઓનલાઈન ખરીદશે. આમ સમાજમાં અસમાનતાની ખાઇઓ વધશે. જે વિદ્યાર્થીઓ ખરેખર જ અભિયોગ્યતા જેતે વિષયમાં ધરાવે છે તે પોતાની અભિયોગ્યતા પ્રમાણે આગળ વધશે. એને શિક્ષણ મેળવવાની તક મળશે, ખરીદવું નહીં પડે. દિશીતાના પપ્પા પોતાના સર્કલમાં એક સ્ટેટસ જાળવવા માટે તાર્કિક દલીલ કરે કે અહીં મેનેજમેન્ટ / NRI સીટ પર પ્રવેશ લેવો એના કરતાં કેનેડા મોકલવાથી ભવિષ્ય વધુ સારું બનશે. તે આવા કાલ્પનિક વિચારોમાં ખોવાયેલા છે.

થોડા મુદ્દાઓ પર મનોમંથન કરીએ…. (1) સૌ પ્રથમ તમારાં સંતાનોની શૈક્ષણિક સિધ્ધિને આંકો. શું તમારું બાળક હંમેશાં – 90+ રહ્યું છે? 60-70% ની વચ્ચે કે એનાથી પણ નીચે ગ્રાફ રહ્યો છે? આ ગ્રાફમાં ધો. 9-10-11, 12 ની એવરેજ જોવાની છે. નહીં કે પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક. સમજો કે બાળક હંમેશા 90+ રહ્યું છે છતાં Guj CETમાં ટકાવારી નથી આવતી – તો શું? અને 60-70 ની એવરેજમાં આવતું બાળક Guj CET માં ઉત્તમ દેખાવ કરી શકે છે. ત્યારે તટસ્થતાપૂર્વક પૃથક્કરણ કરી – એની જેતે ક્ષેત્રની અભિયોગ્યતાનો તાગ મેળવી – એને એ ક્ષેત્રે આગળ વધારવા – કુટુંબની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇઅથવા તો સરકારી બેંકમાંથી લોન કે અન્ય વ્યવસ્થા વિશે વિચારી મેરીટ પ્રમાણેની કોલેજો વિશેનો અભ્યાસ કરી – વિવેકપૂર્ણ નિર્ણય લઇ શકાય. આવા નિર્ણયો કૌટુંબિક રીતે લેવાવા જોઇએ નહીં કે સામાજિક રીતે દેખાદેખીની રીતે.

(2) ઓછી ટકાવારીએ વિવિધ વિકલ્પોમાં ઊંચી ફી સાથે પ્રવેશ લીધા પછી વિદ્યાર્થી જેતે શૈક્ષણિક કાર્ય સાથે, જેતે કોલેજના બેચ મેટ સાથે અનુકૂલન ન સાધી શકે તો ધીરે – ધીરે હતાશા તરફ જઇ શકે છે. સામાન્ય પરિણામવાળો વિદ્યાર્થી – મેનેજમેન્ટ / NRI બેઠક પર એવી એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવે છે જયાં JEE advanced ના સ્કોર પર મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તો એને ઇન્ટેલેકચ્યુઅલી એડજસ્ટ થવામાં બહુ સંઘર્ષ કરવો પડશે. (3) અન્ય એક ગેરમાન્યતા વાલી – વિદ્યાર્થીમાં પ્રર્વતે છે તે એ કે સારી કોલેજમાં, સારી બ્રાન્ચમાં પ્રવેશ લીધો હશે તો કેમ્પસમાં જ નોકરી મળી જશે. મિત્રો આ બાબતોનો અભ્યાસ કરવો જ પડશે કે કેમ્પસમાં ઇન્ટરવ્યૂમાં બેસવા માટેના માપદંડો કયા છે? શું એ બધા જ માપદંડો તમારા સંતાન જાળવવા માટે કેપેબલ છે?

વિશાલ ડિસ્ટીંકશન સાથે MCA થઇ રહ્યો છે. કેમ્પસમાં MNC આવે છે. વિશાલ વર્ગમાં પ્રથમ પાંચમાં આવે છે પરંતુ એને કેમ્પસમાં ઇન્ટરવ્યૂમાં નથી બેસવા મળતું કેમ કે કંપનીના ચેકલિસ્ટ પ્રમાણે ધો. 10, 11, 12 UG અને PG બધાંમાં જ પ્રથમ વર્ગ હોય તેને જ ઇન્ટરવ્યૂ લિસ્ટમાં સામેલ કરવા. વિશાલ ધો. 12 માં 57% લાવેલો માટે BCA – MCA માં જવું પડયું નહીં તો એન્જિનિયરીંગમાં જતે, ઘરની પરિસ્થિતિ સ્વનિર્ભરમાં પ્રવેશ લેવા માટે સાહજિક ન હતી. શહેરની L & T માં ઇન્ટર્નશીપ માટે પણ ધો. 10 થી માસ્તર ડિગ્રી સુધી પ્રથમ વર્ગ – પ્રથમ પ્રયત્ને જ જોઇએ છે. કહેવાનું તાત્પર્ય એટલું કે વિદ્યાર્થીની અભિયોગ્યતા, શૈક્ષણિક સ્તર, બુધ્ધિઆંક જોઇ કોલેજ – કોર્સ પસંદ કરવા નહીં કે સામાજિક વેલ્યુ પ્રમાણે સફળ વાલી દેખાવા માટે.

To Top