Top News

More Posts

   The Latest

Most Popular

માંડવી: માંડવી-કીમ રોડ (Mandvi Kim Road) રાજ્ય ધોરી માર્ગ હોવાથી બિસમાર બનતાં તેની મરામત માટે GSRDC દ્વારા રૂ.97 લાખ મંજૂર કરવા છતાં રોડની મરામત નહીં કરતાં તડકેશ્વર ગામના ટોલનાકા (Tadkeshwar TollPlaza) પર ધારાસભ્યની આગેવાની હેઠળ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. તેમજ ટોલટેક્સ ઉઘરાવતાં તેનો પણ વિરોધ કરાયો હતો.

માંડવી-કીમ રોડ પર આવેલા તડકેશ્વર ગામે ટોલનાકા નજીક ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાની હેઠળ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આ રાજ્ય ધોરી માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. જેથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અને અકસ્માત સર્જાય તેવી દહેશત છે. આ રાજ્ય ધોરી માર્ગની મરામત કરવા GSRDC દ્વારા રૂ.97 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. પરંતુ આ માર્ગને રિકાર્પેટ ન કરતાં કોંગ્રેસે સોમવારે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. તેમજ માંડવીના તડકેશ્વર ગામે જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. તેનો પણ સખત કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો.

આ રસ્તા રોકો આંદોલન બાબતની જાણ પીએસઆઈ પ્રશાંત ગોંડલિયાને થતા સ્થળ પર પહોંચી ધારાસભ્ય સહિત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને મુક્ત પણ કરી દેવાયા હતા. આમ બિસમાર બનેલા માર્ગની વહેલી તકે રિકાર્પેટ કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. આ કાર્યક્રમમાં માજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંકર ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીમસિંગ ચૌધરી, લઘુમતી સેલના પ્રમુખ ઈકબાલ કરોડિયા, ધીરુ ચૌધરી અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

To Top