Surat Main

ના હોય, 1 મિનીટમાં 28 ઘારી!: સુરતની સવાસો વર્ષ જૂની મિઠાઈની પેઢીએ અદ્દભૂત ટેક્નોલોજી વિકસાવી, તમે જોઈ?

સુરત : કોરોના દોઢ વર્ષ પછી સુરતીઓનો પોતીકો પર્વ એટલે કે ચંદનીપડવાની ઉજવણી ધામધૂમથી થાય તેવી શકયતા છે. પૂર્ણિમાની રાતે પૂર્ણ ચંદ્રની રોશનીમાં ઘારી, ફરસાણ અને ઘેવર ખાવાની સુરતી પરંપરા ચાલતી આવી છે. ચાલુ વર્ષે સુરતીઓમાં ઘારી ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુમુલડેરી દ્વારા ચાલુ વર્ષે કેસર-બદામ-પીસ્તા અને સુગર ફ્રી ઘારી મળી 100 ટન ઘારી વેચાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે.

સુમુલડેરીનાં માર્કેટીંગ મેનેજર મનિષ ભટ્ટનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે દશેરાથી અત્યાર સુધીમાં 3 દિવસમાં લક્ષ્યાંક સામે 60 ટકા ઘારીનું વેચાણ થઈ રહ્યું છે. હજી 2 દિવસ વધુ વેચાણ થશે. ગયા વર્ષે કોરોનાની બીજી લહેર શાંત થયા પછી 80 ટન ઘારીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તે સમયે સંપૂર્ણ માલ ઉપડી જતાં ઘણાં સુરતીઓ માનવ સ્પર્શ વિનાની ઘારી ખરીદી શક્યા ન હતા. આ વખતે સુમુલે 20 ટન ઘારીનું વધુ વેચાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેને સારો પ્રતિસાદ મળવાની સંભાવના છે.

જમનાદાસ ઘારીવાળાની પેઢીમાં માનવસ્પર્શ વિના 1 મિનિટમાં 28 ઘારી બનાવાય છે

સુરત શહેરમાં ચૌટાબજારમાં આવેલી 123 વર્ષ જુની જમનાદાસ ઘારીવાળાની પેઢીએ વ્યવસાયિક ધોરણે સર્વપ્રથમ વાર ઘારી બનાવી વેચાણ માટે મુકી હતી. તે પછી આ ઘારી ચંદનીપડવાના દિવસે આરોગવાનું ચલણ શરૂ થયું હતું. સુરતના મોટાભાગે હાથથી ઘારી બનાવવાની પ્રથા ચાલતી આવી છે. પરંતુ મોટી ડેરીઓ દ્વારા માનવ સ્પર્શ વિના ઘારી બનાવવાની મશીનરી અને ટેકનોલોજી વિકસાવવામાં આવતા. શહેરમાં એક માત્ર જમનાદાસ ઘારીવાળા એટલે કે મિઠાઈ વિક્રેતા દ્વારા ગાંધીનગરથી આધુનિક મશીનરી મંગાવી મશીનરી પર ઘારીના પડનો મેંદાનો લોટ, અને ઘારી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જમનાદાસ ઘારીવાળાની પેઢીના કુંજન ઘારીવાળા કહે છે કે શહેરમાં એક પણ મિઠાઈ શોપમાં ઘારી બનાવવાનું મશીન નથી. આ મશીનમાં ઓછામાં ઓછો માનવ સ્પર્શ કરી ઘારી બનાવવામાં આવે છે. 3 માણસો ભેગાં મળી 1 મિનિટમાં હાથથી 15 ઘારી બનાવે છે જ્યારે મશીનમાં 1 મિનિટમાં 28 ઘારી બને છે. ચાલુ વર્ષે અમેરિકા, બ્રિટન અને કેનેડા કેસર-બદામ-પીસ્તા, માવા ઘારી, સુગર ફ્રી ઘારી, ચોકલેટ ઘારી સહિતની 7 પ્રકારની ઘારી બનાવી છે. ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે વેપાર સારો થવા આશા છે.

ઠાકોર મિઠાઈવાળાની પેઢીએ સોનાના વરખનાં આવરણવાળી ગોલ્ડ ઘારી આકર્ષણનું કેન્દ્ર બની

શહેરનાં રાજમાર્ગ પર ભાગળ ચાર રસ્તે આવેલી ઠાકોર મિઠાઈવાળાની પેઢીએ ચાલુ વર્ષે સોનાનાં આવરણવાળી ગોલ્ડ ઘારી બનાવી છે. સોનાની ઘારીનાં એક નંગની કિંમત રૂા. 450/- રાખવામાં આવી છે. નવા પ્રકારની ઘારીની વેરાયટીઓ બનાવનાર વિશાલ ઠાકોરભાઈ હલવાવાળાએ જણાવ્યું હતું કે ગોલ્ડ ઘારી વેલ્યુ એડીશન સાથે બનાવવામાં આવી છે. જેમાં બદામ પીસ્તા અને ડ્રાયફુટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મેંદાના પડનું કોટિંગ થયા પછી શુધ્ધ દેશી ઘીમાં ઘારીને વન ડીપ કરી ઘીની ઉપર 300 રૂપિયાની કિંમતનું સોનાનું વરખ ચઢાવવામાં આવે છે અને તેની ઉપર ફુલ કેસરપીસ્તાનું ડેકોરેશન કરી ખાસ બનાવવામાં આવેલા જ્વેલરી બોક્સમાં તેનું વેચાણ કરવામાં આવે છે. 3600 રૂપિયાના બોક્સમાં ઘારીના 10 પીસ આવે છે. ચાલુ વર્ષે 7 પ્રકારની ઘારી બનાવવામાં આવી છે. વાયકાઓ પ્રમાણે સોનાનો અર્ક આરોગ્વો તંદુરસ્તી માટે સારો માનવામાં આવે છે. તે થીમ આ ઘારીમાં રજૂ કરવામાં આવી છે. એક પ્રકારની એક ગોલ્ડ જેમ ઘારી છે. જેનો ક્રેઝ સુરતીઓમાં જોવા મળ્યો છે.

Most Popular

To Top