Business

સુરત જિલ્લામાં આઝાદીની ચળવળમાં સૌથી વધુ સક્રિય એવા બારડોલી તાલુકાના પૂર્વ છેડે આવેલું ગામ એટલે વઢવાણીયા

સુરત જિલ્લામાં આઝાદીની ચળવળમાં સૌથી વધુ સક્રિય એવા બારડોલી તાલુકાના પૂર્વ છેડે આવેલા વઢવાણીયા ગામમાં પ્રવેશતા જ એન.આર.આઇ. ભાઈઓનું ગામ હોય તેવી ઝાંખી થાય છે. ગામમાં પ્રવેશતા જ ભવ્ય પ્રવેશદ્વાર, પાકા રોડ અને રોડની બંને તરફ ભવ્ય મકાનોની હારમાળા નજરે પડે. કોઇ સમૃદ્ધ વિસ્તારમાં તમે પ્રવેશ્યા હોય એવું લાગે. બારડોલી, કામરેજ તથા પલસાણા તાલુકાનાં જે ગામોમાં પાટીદાર સમાજનુ પ્રભુત્વ છે તે ગામોમાં આકર્ષક ભવ્ય પ્રવેશદ્વાર, મિનરલ વોટર પ્લાન્ટ, ભવ્ય મંદિર તથા પાકા રસ્તા, ગ્રામજનોના ઉદાર દિલ હોવાથી સાકાર થયાં છે. તે જ રીતે વઢવાણીયા ગામમાં પણ આ ચાર સુવિધા જોવા મળે છે.

ગામના આદિવાસી વિસ્તારમાં સરકારની સહાયથી પાકા રોડ સાકાર થયા છે. ગામના અનેક પરિવારોએ ગામના વિવિધ વિકાસના પ્રકલ્પોમાં દાનની સરવાણી વહેવડાવી છે. જેને પગલે ગ્રામજનો આજે વિકાસનાં ફળો ચાખી રહ્યાં છે. આમ તો ગામનો પાટીદાર સમાજ ખેતી સાથે આજે પણ સંકળાયેલો છે. તેમજ આદિવાસી અને અનુસૂચિત જાતિના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન થકી રોજગારી મેળવી રહ્યા છે. ગામના અનેક આગેવાનો કડોદ વિભાગ તથા બારડોલી તાલુકાની વિવિધ સહકારી, સેવાભાવી, શૈક્ષણિક તથા વૈદકીય સંસ્થાઓમાં ડિરેક્ટર પદે સેવા આપી ચૂક્યા છે તેમજ આપી રહ્યા છે.

૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર ગામની કુલ વસતી ૧૭૯૭ છે. જેમાં સ્ત્રીઓની સંખ્યા ૮૯૦ છે. વઢવાણીયા ગામ ૬૨.૨ % શિક્ષિત છે. ગામમાં અનુસૂચિત જનજાતિની ૧૪૦૬ અને અનુસૂચિત જાતિની જન સંખ્યા ૨૨ છે. સ્વ.મગનભાઈ ગોવિંદભાઇ પટેલે મઢી સુગર ફેક્ટરી તથા કડોદ વિભાગ એજ્યુકેશન સોસાયટીમાં સેવા આપી હતી. તો સ્વ.કસનભાઇ હીરાભાઈ પટેલ કડોદ વિભાગ એજ્યુકેશન સોસાયટીમાં સુદીધે સમય ઉપપ્રમુખ પદે રહ્યા. એ દરમિયાન સંસ્થાએ અનેક જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. સ્વ.નાગરભાઇ પ્રેમાભાઇ પટેલ તથા હસમુખભાઈ મુળજીભાઈ પટેલે કડોદ સહકારી રાઇસ મિલ તથા કડોદ વિભાગ સેવા સહકારી મંડળીમાં સેવા આપી હતી.

હાલ ધીરુભાઈ ગોવિંદભાઇ પટેલ કડોદ સહકારી રાઇસ મિલ તથા કડોદ વિભાગ સેવા સહકારી મંડળીમાં ડિરેક્ટર પદે સેવા આપી રહ્યા છે. વઢવાણીયા ગામમાં લેઉવા પાટીદાર, હળપતિ, ચૌધરી, ગામીત, આહીર તથા બ્રાહ્મણ સમાજની વસતી વધુ જોવા મળે છે. ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે. તેના વિદ્યાર્થીઓને દર વર્ષે વનેન્દ્રભાઈ પટેલના અમેરિકાસ્થિત દીકરી ઈલાબેન તરફથી મળેલા દાનના વ્યાજમાંથી નોટબુક, અન્ય સ્ટેશનરી તથા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકો સરકાર તરફથી આપવામાં આવે છે. ગરીબ માં-બાપને દીકરા-દીકરીનો પ્રાથમિક શિક્ષણનો ખર્ચ ભોગવવો પડતો નથી.

શાળાનું પટાંગણ પણ ગ્રામજનોના સહકારથી સુંદર બનાવવામાં આવ્યું છે. સામાન્યતઃ દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી વિદેશમાં વસતા આ ગામના નાગરિકો વતન આવતા હોય ત્યારે ગામની રોનક બદલાઇ જતી હોય છે. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પનામા તથા કેટલાક આફ્રિકન દેશોમાં પણ અહીંના નાગરિકો સ્થાયી થયા છે અને ત્યાં પણ આગવી પ્રગતિ કરી છે. સ્વ.કસનભાઇ હીરાભાઈ પટેલ અને સ્વ.દિવાળીબેન કસનભાઇ પટેલનો પરિવાર ગામના ભામાશા પરિવાર તરીકે જાણીતો છે. આ પરિવારે ટ્રસ્ટ બનાવી વર્ષો સુધી ગરીબ લોકોને અનાજ તેમજ રોકડ સહાય કરી હતી તેમજ અનેક સંસ્થાઓમાં તેમના દાનની સરવાણી વહી હતી.

ગામમાં આવેલાં ધાર્મિક સંસ્થાનો

વઢવાણીયા લક્ષ્મીનારાયણ મંદિરનું સંચાલન વઢવાણીયા લાલજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરાય છે. લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના તા.૧૪/૦૨/૧૯૯૨માં થઈ હતી. વઢવાણીયા લાલજી મંદિર ટ્રસ્ટના હાલના ટ્રસ્ટીઓ મૂળજીભાઇ નાગરભાઈ પટેલ (પ્રમુખ), દર્શનભાઈ ભૂલાભાઇ પટેલ, રિપેનભાઈ હસમુખભાઇ પટેલ, ભૂલાભાઇ હરિભાઇ પટેલ, અશ્વિનભાઈ હીરાભાઈ પટેલ અને મદનભાઈ પ્રેમાભાઈ પટેલ છે. ઈ.સ.૨૦૧૭માં મંદિરની ૨૫મી સાલગીરીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અને ત્રણ દિવસીય વિષ્ણુ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં આશરે ૮૨ જેટલાં દંપતીએ ભાગ લીધો હતો. તદુપરાંત વઢવાણીયામાં વેરાઈ માતાનું મંદિર પણ આવેલું છે. એ સિવાય વઢવાણીયામાં શ્રી ભાથીજી મહારાજ મંદિરની સ્થાપના તા. ૨૪/૦૨/૨૦૦૩માં થઈ હતી. જેની સંભાળ નવીનભાઈ રમણભાઈ હળપતિ કરે છે. તો કાકરાપારમાં આવેલા શ્યાનેશ્વર મહાદેવ મંદિરનું સંચાલન વઢવાણીયા ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા જ થાય છે. જેના હાલના મુખ્ય ટ્રસ્ટીઓ પીયૂષભાઈ મદનભાઈ પટેલ, સેહુલકુમાર શાંતિલાલ પટેલ, રિપેનભાઈ હસમુખભાઇ પટેલ, જિજ્ઞેશભાઇ દિનેશભાઇ પટેલ, ભૂલાભાઇ હરિભાઇ પટેલ અને હસમુખભાઇ મૂળજીભાઇ પટેલ છે. શ્યાનેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતા ભંડારા માટે મુખ્ય દાતાઓ સુરેશભાઇ કસનજીભાઇ પટેલે રૂ.૨,૦૦,૦૦૦ તથા મગનભાઇ ગોવિંદભાઇ પટેલે રૂપિયા રૂ.૨,૦૦,૦૦૦ અને મૂળજીભાઇ મકનભાઇ પટેલે રૂ.૧,૦૦,૦૦૦ના દાન આપ્યા છે.

અરવિંદભાઈ પટેલ સૌપ્રથમ તબીબ બન્યા હતા

વઢવાણીયા ગામમાંથી સૌપ્રથમ અરવિંદભાઈ પટેલે વર્ષ-૧૯૬૮માં જમશેદપુરમાંથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી ડોક્ટરની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૭૧માં તેમણે અમેરિકા પ્રયાણ કરી ત્યાં ગેસ્ટ્રો ઓન્ટ્રોલોજીમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. આજથી આશરે ૩૫-૪૦ વર્ષ પહેલાં તેઓ ઈન્ડિયાના (અમેરિકા) રહેતા હતા. ત્યાં ચિત્તાને પેટમાં તકલીફ થતાં ત્યાંના વેટરિનરી વિભાગ પાસે જરૂરી સાધનો ઉપલબ્ધ ન હોવાથી ડો.અરવિંદભાઈની સેવા લીધી હતી અને ડો.અરવિંદભાઈએ ચિત્તાની પણ સફળ સારવાર કરી હતી. જેની નોંધ અમેરિકા મીડિયા તથા ‘ગુજરાત મિત્ર’એ પણ તે સમયે લીધી હતી.

પ્રાથમિક શાળા કરે છે જ્ઞાનનું સિંચન

વઢવાણીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વઢવાણીયા તથા આજુબાજુનાં ગામોના મળી કુલ ૩૮૩ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે ગામના લોકો તથા ગામના વિદેશમાં રહ લોકો દ્વારા દાનની સરવણી સતત વહેતી રહે છે, જેમાં મુખ્યત્વે વન્નેદ્રભાઈની દીકરી ઈલાબેને આપેલા દાનના વ્યાજમાંથી દર વર્ષે વિદ્યાર્થીઓને પુસ્તકોનું અને બેગનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં પરભુભાઈ (ભૂલાભાઈ) રણછોડભાઇ પટેલે શાળામાં રમતગમતનાં મોટાં સાધનો જેવા કે લસરપટ્ટી, હિંચકા તથા ટોઇલેટ-બાથરૂમ અને મધ્યાહન ભોજન માટે શેડ બનાવી આપ્યો છે. તો ભરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એમના દીકરાના જન્મદિવસ તા.૦૬/૦૧/૨૦૦૩થી દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને બૂટ, ચપ્પલ અને રમકડાંનું વિતરણ કરી અને ભોજન કરાવી ઉજવણી કરે છે.

વર્ષ-1983માં દૂધમંડળીની સ્થાપના થઈ હતી

વઢવાણીયામાં દૂધમંડળીની સ્થાપના ઈ.સ.૧૯૮૩માં કરવામાં આવી હતી. સ્થાપના સમયે પ્રમુખ પદે સ્વ.છગનભાઇ ઢેડિયાભાઇ ચૌધરી અને મંત્રી તરીકે સ્વ.બાબુભાઇ ભગાભાઈ ચૌધરી હતા. જેમાં હાલ પ્રમુખ પ્રવીણભાઈ સુખાભાઇ હળપતિ પ્રમુખ તરીકે સેવા આપે છે. અને મંત્રી તરીકે હિતેશભાઇ ભગાભાઈ હળપતિ સેવારત છે. તો કમિટીના સભ્યોમાં અરવિંદભાઇ મગનભાઇ હળપતિ, નવીનભાઈ રમણભાઈ હળપતિ, ધનસુખભાઈ રમણભાઈ હળપતિ, રામુભાઈ ભાણાભાઈ હળપતિ, વિક્રમભાઈ ગોવિંદભાઇ હળપતિ, ભૂલાભાઇ જીવણભાઇ હળપતિ, રાજુભાઇ ઠાકોરભાઈ હળપતિ, સવિતાબેન પ્રવીણભાઈ હળપતિ, ચંદ્રકાન્તભાઈ છોટુભાઈ હળપતિ અને સુલેખાબેન વસંતભાઇ હળપતિ સેવા આપે છે. દૂધમંડળી સુમુલને આશરે રોજ રૂ.૭૦૦ લિટર દૂધ આપે છે, જેમાં દૂધ ભરતા સભાસદોની સંખ્યા ૧૧૦ છે અને આ દૂધમંડળી વઢવાણીયા, નસુરા, બાલ્દા તથા સિંગોદ ગામના પશુપાલકોને રોજગારી પૂરી પડે છે. દૂધમંડળીમાં મહતમ સભાસદો આદિવાસી છે. મંડળી થકી આ આદિવાસી પરિવારો સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવે છે.

પ્રવેશદ્વાર ગામની શોભા

વઢવાણીયા ગામની શોભા વધારતો ગામનો પ્રવેશદ્વાર ઇ.સ.૧૯૯૨માં રામુભાઇ ગોવિંદભાઇ (વિઠ્ઠલભાઈ) પટેલના દાનમાંથી બનેલો છે. તથા ડામર રોડનું નિર્માણ સરકારી ગ્રાન્ટમાંથી (જવાહર યોજના હેઠળ) કરાયું છે. તથા રિકાર્પેર્ટિંગ સરકારી ગ્રાન્ટ અને લોકફાળાથી થયું છે. તો વઢવાણીયા ગામના પાટીદાર સમાજે દાન ભેગું કરી મિનરલ વોટર પ્લાન્ટ બનાવ્યો છે. જે પાટીદાર સમાજને મફતમાં મિનરલ વોટર સુવિધા આપે છે અને દાનના વ્યાજમાંથી પ્લાન્ટના મેઈન્ટેનન્સ અને ચલાવનારના પગારની ચૂકવણી થાય છે. એ સાથે લોકોને પાણીની સુવિધા આપતી બે ટાંકી તથા વઢવાણીયા ગામમાં અંતિમસંસ્કાર માટે સ્મશાનભૂમિની સુવિધા પણ અપાઈ છે. જ્યારે ગામના લોકો પોતાના ખાલી સમયમાં કુદરતી સૌંદર્ય માણી શકે એ રીતે ગામના બાબુભાઈ ડાહ્યાભાઈ પટેલે એમના દીકરા રોશનના સ્મરણાર્થે રોશન કુટિર બનાવી છે.

પરભુભાઈ પટેલ ખરા દાનવીર

પરભુભાઈ (ભુલાભાઈ) રણછોડભાઇ પટેલ આર્થિક રીતે નબળા પરિવારમાં જ્યારે પણ કોઈનું અવસાન થાય છે ત્યારે અંતિમસંસ્કાર માટે રૂપિયા ૧૫૦૦ની સહાય કરે છે. તદુપરાંત તેમણે રોટરી ક્લબ-નવસારી સાથે મળી શાળામાં રમતગમતનાં મોટાં સાધનો જેવાં કે લસરપટ્ટી, હિંચકા તથા વિદ્યાર્થીઓની તકલીફોને ધ્યાનમાં રાખી ટૉઇલેટ-બાથરૂમ અને મધ્યાહન ભોજન માટે શેડ બનાવી આપ્યો છે. તથા શાળામાં ૧૨ જેટલાં કમ્પ્યૂટરનું પણ દાન આપ્યું છે. તેઓ ગણપતિ મહોત્સવમાં પણ નાનાં બાળકો માટે રમતગમતનું આયોજન કરવા તથા વિજેતાઓને ઇનામ આપવા માટે પણ દાન આપે છે.

વઢવાણિયા ગામના ઉત્સાહી તથા સ્ફૂર્તિલા યુવા કાર્યકર્તા રીપેનભાઈ પટેલ

વઢવાણિયા ગામના યુવા કાર્યકર્તા રીપેનભાઇ હસમુખભાઈ પટેલ લાલજી મંદિર તથા સ્થાનેશ્વર મહાદેવ મંદિર કાકરાપારના મુખ્ય ટ્રસ્ટી હોવા ઉપરાંત ગામના સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ હરહંમેશ આગળ રહી ઉમંગ, ઉત્સાહ અને સ્ફૂર્તિથી કાર્યો કરે છે. તેઓ વઢવાણિયા ગામમાં રમતગમત ક્ષેત્રે ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધા ટૂંક સમય ઊભી કરવા માટે વિચારી રહ્યા છે.

વઢવાણિયા ગ્રામ પંચાયતના સભ્યો
૧. જિજ્ઞેશભાઈ દેવસિંગભાઈ ચૌધરી (સરપંચ)
૨. રાકેશભાઈ પંકજભાઈ હળપતિ (ઉપસરપંચ)
૩. સુનીલભાઈ મોહનભાઈ ગામીત
૪. જિજ્ઞેશભાઈ ચંપકભાઈ ગામીત
૫. બકુલાબેન સુનીલભાઈ ગામીત
૬. અમીનાબેન જિજ્ઞેશભાઈ ચૌધરી
૭. રણજીતાબેન શૈલેન્દ્રભાઈ ચૌધરી
૮. રણછોડભાઈ નારણભાઈ માહ્યાવંશી

Most Popular

To Top