Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : શહેરમાં કાળીચૌદશની રાત્રે એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા અને એન.એસ.યુ.આઇ.ના  22 વર્ષિય કાર્યકર વાસુ પટેલનો વડસર બ્રિજથી માંજલપુર તરફના રેલવેના પાટા પરથી માથુ અને ધડ અલગ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ ઉપર વાસુની લાશ જોતાં તેની હત્યા કરવામાં આવી હોવાની પોલીસને આશંકા છે. જોકે, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. તે સાથે પોલીસ દ્વારા રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા માટે  ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ગણતરીના કલાકોમાં પોલીસ વાસુ પટેલના મોતનો ભેદ ઉકેલી નાખે તેવી શક્યતાઓ છે.

આ બનાવની વિગત એવી છે કે, વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી નેતા વાસુદેવ પટેલના શંકાસ્પદ મોત અંગે વાત કરતા તેના નજીકના મિત્ર અને યુનિના પુર્વ યુ.જી.એસ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, દિવાળી ટાણે મેં મારા મિત્રો સાથે ફટાકડાની દુકાન શરૂ કરી હતી. મારી સમગ્ર દુકાન ઉભી કરવામાં વાસુ પટેલે મને ખુબ જ મદદ કરી હતી. દિવાળી આવવાને લઇને વાસુ પટેલ ઉત્સાહી હતો. અને તેણે તેના મૃત્યુ થયાના એક દિવસ પહેલા જ ફટાકડાની ખરીદી કરી હતી. પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા જતા આજરોજ અમારા દ્વારા શહેર પોલીસ કમિશનરને મળીને મામલાની ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

બીજી તરફ આ મામલે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને પીએમ રીપોર્ટની વાટ જોવાઇ રહી છે. છતાં, પોલીસ દ્વારા વાસુની હત્યા થઇ હોવાની શંકાએ તપાસ શરૂ કરી દીધી છે. જોકે, બનાવના ચાર દિવસ પછી પણ પોલીસને  કોઈ ઠોસ કડી મળી નથી. પરંતુ, પોલીસ ગણતરીના કલાકોમાં વાસુના મોતનો ભેદ ઉકેલી નાખે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

To Top