Surat Main

તંત્ર એક્શન મોડમાં: દિવાળી વેકેશન માણી સુરત પાછા ફરી રહેલા લોકોનું RTPCR ટેસ્ટ શરૂ

સુરત: (Surat) દિવાળીમાં (Diwali) બહારગામ ગયેલાં શહેરીજનોએ પરત (Return) ફરવાનું શરૂ કર્યું છે. તે જોતા પાલિકાએ રેલવે સ્ટેશન (Railway Station), બસ ડેપો તથા એરપોર્ટ (airport) ઉપરાંત શહેરનાં 5 પ્રવેશદ્વારો પર લોકોને ટ્રેસ કરી કોરોના ટેસ્ટિંગની કવાયત જડબેસલાક બનાવી છે. પાલિકાએ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર જહાંગીરપુરા, વાલક, પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ (Testing) બસને સ્ટેન્ડબાય રાખી કામગીરી શરૂ કરી છે. રાજ્ય બહાર ગયેલા લોકો પાસે 72 કલાકની મર્યાદાવાળા આરટીપીસીઆર રિપોર્ટ માંગવામાં આવી રહ્યા છે. જોકે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવાને ટેસ્ટિંગમાંથી મુક્તિ અપાઇ રહી છે.

પાલિકા દ્વારા દિવાળીની રજાઓમાં ફરીને પાછા આવેલા સુરતીઓનું આરટીપીસીઆર કરવાનું શરૂ કરાયું છે. આજે બપોર સુધીમાં સ્ટેશન પર 250, બસ ડેપો પર 250 ટેસ્ટિંગ કીટ ઉપયોગમાં લેવાઇ હતી. એરપોર્ટ પર બપોરે 2 વાગ્યા સુધીમાં ઉતરેલા 293 યાત્રીઓ પૈકી 13ના ટેસ્ટિંગ કરાયાં હતાં. દિવાળીની રજા માણી સુરત પરત ફરનારા 500થી વધુનું 7 પ્રવેશદ્વાર પર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં રાજ્ય બહારથી આવતા લોકો પાસેથી RTPCR ટેસ્ટના રિપોર્ટ પણ માંગવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર 293 પૈકી 13 યાત્રીઓનું ટેસ્ટિંગ કરાયું, એક પણ પોઝિટિવ કેસ ન મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છેકે, હજુ પણ કોરોના ગયો નથી તેથી વારંવાર તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે સુચના આપવામાં આવી રહી છે. દિવાળી પહેલાં જ પાલિકાએ બહારગામ જતા લોકો પરત ફરે ત્યારે કોરોના ટેસ્ટિંગ કરાવવાની તાકીદ કરી હતી. લાભ પાંચમથી બજારો ખુલે તે પહેલાં લોકોએ પરત ફરવાનું શરૂ કર્યું છે ત્યારે પાલિકાએ શહેરના પ્રવેશદ્વાર જહાંગીરપુરા, વાલક, પલસાણા અને કડોદરા ચેક પોસ્ટ પર ધનવંતરી તથા મોબાઇલ ટેસ્ટિંગ બસ દ્વારા ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. પાલિકાએ વિવિધ ચેકપોસ્ટ સહિતના સેન્ટરો પર કરેલી રેપિડ ટેસ્ટમાં કોઇ પોઝિટિવ મળ્યું ન હોવાનું પણ સત્તાવાર રીતે જણાવાયું હતું.

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં શહેર જિલ્લામાં 15 કેસનો વધારો થયો છે. દરમિયાન આજથી સુરત પરત ફરતા લોકોનું 7 સ્થળો (પ્રવેશદ્વાર) પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. પાલિકા દ્વારા આજે 138 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top