Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) સુરત મનપાના અથાક પ્રયાસોથી જેમ તેમ કાબુમાં આવેલા કોરોનાના સંક્રમણને હવે રાજકીય નેતાઓની નફ્ફટાઇ તેમજ સ્કુલ-કોલેજોમાં કોવિડ ગાઇડ લાઇન બાબતે બેદરકારીને કારણે કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. ત્યારે સુરતમાં હવે દરરોજ 100થી વધુ પોઝિટિવ દર્દીઓ હવે નોંધાઈ રહ્યા છે. એક સમયે કાબુમાં આવી ગયેલા કોરોનાના સંક્રમણમાં ફરીથી ઉછાળો આવતા તંત્રની ચિંતા પણ વધી છે. શહેરના અઠવા-રાંદેરમાં કેસ વધતાં ત્યાં માઇક્રો કન્ટેઇનમેન્ટ (Micro contentment Zone) સાથે ક્લસ્ટર કરવાની કામગીરી શરુ કરાઈ છે. બીજી તરફ સુરતમાં પાલિકાના ૩ ઇજનેરોએ કોરોનાની વેક્સીન (corona vaccine) લીધા બાદ કોરોનાનો ચેપ લાગતા આરોગ્ય વિભાગ સતર્ક થયો છે.

સોમવારે શહેરમાં વધુ 90 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને કુલ આંક 41,429 પર પહોંચ્યો છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં એક પણ મોત નોંધાઈ રહ્યા નથી. તેમજ વધુ 84 દર્દીઓ ડિસ્ચાર્જ થતા અત્યારસુધીમાં 40011 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અને રીકવરી રેટ 96.58 ટકા પર પહોંચ્યો છે. પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી લીધા બાદ કોરોના થયો છે. જેમાંથી બે ઇજનેરોએ રસીના બે ડોઝ લીધા પછીના પાંચ દિવસમાં જ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે એક ઇજનેરે પહેલો ડોઝ લીધો હતો. જેને પગલે આગામી એક સપ્તાહ સુધી શહેરી વિકાસ વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો છે.

કયા ઝોનમાં કેટલા કેસ ?

ઝોન પોઝિટિવ દર્દી

  • અઠવા 27
  • રાંદેર 23
  • કતારગામ 13
  • ઉધના 10
  • લિંબાયત 05
  • વરાછા-બી 05
  • વરાછા-એ 04
  • સેન્ટ્રલ 03

કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો આ બીજો કિસ્સો છે. આ પહેલા તાજેતરમાં ગાંધીનગરમાં રસીના બે ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં રસી લીધા પછી પણ કોરોના થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના 3 ઈજનેરો કોરોનાગ્રસ્ત થયા છે. બંને ડોઝ લીધાના 5 દિવસમાં જ બે ઈજનેરોને ચેપ લાગ્યો હતો. તો ત્રણમાંથી એકને પણ અગાઉ કોરોના થયો ન હતો. જોકે, સિવિલના કોરોનાના વિભાગના નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ કહ્યું કે ડોઝ લીધા પછી કોરોના ન થઇ શકે તેવું જરૂરી નથી કારણકે રસી લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન એન્ટીબોડી બને છે. જણાવી દઈએ કે પાલિકાના મધ્યસ્થ વિકાસ વિભાગના ત્રણ ઇજનેરોને કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી.

To Top