Business

સાઇબર ક્રાઈમ ઠગાઈ કરવાનું રહસ્યમયક્ષેત્ર!

ઇબર ક્રાઈમનો વિષય હવે રહ્યો નથી. હાથમાં સ્માર્ટ ફોને સાઇબર ક્રાઈમ પ્રત્યે સૌને સતર્ક કરી દીધા છે. આ સતર્કતા છતાંય સાઇબર ક્રાઈમનો જડબેસલાક ઉકેલ કોઈની પાસે નથી. ખુદ માઈક્રોસોફ્ટ પાસે પણ નહીં એટલે હાલમાં જ માઈક્રોસોફ્ટના ભારતના પ્રેસિડન્ટ અનંત મહેશ્વરીએ કહ્યું છે કે, ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું સૌથી મોટું જોખમ સાઇબર ક્રાઈમ છે! અને તેનાથી થનારું નુકસાન પણ માઈક્રોસોફ્ટે આંક્યું છે, જે દર વર્ષે 6 લાખ કરોડ જેટલું છે અને જેમ જેમ ઓનલાઈન પ્લેટફોર્મ પર બિઝનેસ વધી રહ્યો છે તેમ સાઇબર છેતરપિંડીની શક્યતા ઓર વધી રહી છે. તેનું મહત્ત્વનું કારણ કે સાઇબર ક્રાઈમનો ઝડપથી નિકાલ લાવી શકાતો નથી. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યૂરો’[NCRB]ના આંકડા પણ એમ જ કહે છે કે સાઇબર ક્રાઈમના 70 % કેસમાં તપાસમાં કોઈ જ ઉકેલ આવતો નથી. ‘NCRB’ના ડેટા પર નજર કરીએ તો છેલ્લા સાઇબર ક્રાઈમમાં 300%નો વધારો થયો છે! 2016માં સાઇબર ક્રાઈમના કેસીસ 12,317 હતા, જે વધીને 2020 સુધીના આવેલા ડેટા મુજબ 50,035 સુધી પહોંચ્યા છે. હાલમાં સાઇબર ક્રાઈમ કરનારાઓની મોડસ ઓપરેન્ડી નાનાં શહેરોમાં વધુ લોકોને શિકાર બનાવી રહી છે. તે ઉપરાંત એશિયામાં સાઇબર ગુનાથી સૌથી અસરગ્રસ્ત ત્રણ દેશોમાં ભારત પણ છે.

જો કે દેશભરમાં જે રીતે ડિજિટલ ક્રાંતિ આવી છે તે પરથી હજુ પણ નોંધાયેલા કિસ્સા ઓછા લાગી શકે પરંતુ તેનો જવાબ પવન દુગ્ગલ જેવા સાઇબર એક્સપર્ટ આપે છે. તેઓ સાઇબર લો અને ઇ-કોમર્સના એક્સપર્ટ છે. તેઓ કહે છે કે, “સાઇબર ક્રાઈમના આંકડા સામે આવે છે તે કરતાં ખૂબ વધારે છે. અત્યારે દરેક ક્ષણે કોઈ ને કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ પર છેતરાઈ રહ્યો છે અને કોવિડ મહામારીમાં સ્થિતિ વધુ ખરાબ બની છે.” સાઇબર ક્રાઈમના અનેક પ્રકાર છે પણ તેમાં સૌથી વધુ છેતરામણી ફાઈનાશ્યલ છે. તે સિવાય ઇ-મેલ અને અન્ય ડેટા ચોરીના કિસ્સા પણ છે. નવું નવું ડિજિટલ પ્લેટફોર્મ પર હજુ પણ ઘણાં લોકો ખૂબ સરળતાથી આવા સાઇબર ચોરોને પોતાનો વન-ટાઇમ-પાસવર્ડ શેર કરી દે છે. દેશમાં આ રીતે લોકોને ઠગવાનો બિઝનેસ રાજસ્થાનના ભરતપુર, ઝારખંડના દેઓઘર, મધ્યપ્રદેશના ગ્વાલિયર, મહારાષ્ટ્રના પાલઘર અને ઉત્તર પ્રદેશના નોઇડામાંથી થઈ રહ્યો છે.

રાજસ્થાનના ભરતપુરના સુપ્રિન્ટેન્ડન્ટ અહીં અનેક તપાસ કર્યા છતાં એ વાત સ્વીકારે છે કે સાઇબર ક્રાઈમમાં ગુનેગારોને પકડવા મુશ્કેલ છે. માત્ર રાજસ્થાનના ભરતપુરમાં જ જાન્યુઆરી 2021થી 22 રાજ્યોની પોલીસ અહીં તપાસ અર્થે આવી ચૂકી છે. ભરતપુર સાઇબર ક્રાઈમનું કેન્દ્ર બન્યું હોવાથી અહીં એક સ્પેશ્યલ સાઇબર ક્રાઈમ સેલ પણ ઊભો કર્યો છે. ઇવન, હૈદરાબાદમાં થયેલાં સાઇબર ક્રાઈમમાંથી 40 % કેસ ભરતપુરમાં જ સોલ્વ થયા છે. અહીંથી મોટા ભાગે દક્ષિણના રાજ્યોમાં ઠગાઈ થાય છે. ગુનો કરનારાઓ એમ માને છે કે આ રાજ્યોમાંથી અહીં તપાસ કરવા અર્થે કોઈ લાંબું નહીં થાય. કેટલેક અંશે એ વાત સાચી પણ છે. જો કે હજુ પણ દેશમાં સાઇબર ગુનાનું કેન્દ્ર ઝારખંડનું જમતારા છે.

સાઇબર કેસ જે રીતે વધી રહ્યા છે તેને લઈને દરેક રાજ્ય પગલાં લઈ રહ્યું છે. રાજસ્થાને દરેક રાજ્યમાં સાઇબર પોલીસ સ્ટેશન સ્થાપવાનું નક્કી કર્યું છે. કેરળ પણ સાઇબર બટાલિયન ઊભું કરવા જઈ રહ્યું છે. તેલંગાણાએ સાઇબર કેસ તપાસ કરવાનો એક અલાયદો વિભાગ શરૂ કર્યો છે. દિલ્હી અને કર્ણાટક રાજ્યે પણ આ અંગે પગલાં લીધાં છે પણ આ સાઇબર ગુનામાં કેમ અચ્છા અચ્છા લોકો ફસાઈ જાય છે તેના કેટલાંક દાખલાથી તે સ્પષ્ટ થઈ શકે. જેમ કે સિમ સ્વેપિંગ ફ્રોડ. આ કિસ્સામાં ગુનેગાર એક વાઇરસ તમારા ફોનમાં તરતો મૂકીને તમારી બેન્કની બધી વિગત જાણી લે છે અને આ માહિતી મેળવીને તે પોતાની મેળે પૈસા કાઢવાની પૂરી પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે ‘OTP’ તમારા મોબાઈલમાં જનરેટ થાય છે ત્યારે તે મોબાઈલ કંપનીનો કર્મચારી બનીને તમને ફોન કરીને ‘OTP’ માંગે છે. જો તેને ‘OTP’ મળે તો થોડી જ સેકંડોમાં તે બેન્ક અકાઉન્ટ તળિયાઝાટક કરી દે છે.

આ પ્રકારના ફ્રોડથી બચવા માટે કોઈ પણ અજાણી વેબસાઈટ પર જઈને ક્લિક કરવાથી બચવું જોઈએ.  સાઇબર ક્રાઈમને લઈને દેશભરમાં જાગ્રતતા માટે પોલીસ કામ કરી રહી છે અને  સરકારે તે માટે ‘નેશનલ સાઇબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ’ પણ શરૂ કર્યું છે. જો કે સરકારના આ પ્રયાસો સામે સાઇબર ગુના કરતી ટોળકી અનેકગણી ઝડપે લોકોને શિકાર બનાવી રહી છે. હજુ થોડા વખત પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’ના નામે મધ્ય પ્રદેશના એક વ્યક્તિની ઓનલાઈન 29 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. જે વ્યક્તિ સાથે ફ્રોડ થયો છે તે ભાઈ મધ્ય પ્રદેશના બીડના એક નાના તાલુકાના શિક્ષક છે. તેઓને એક દિવસ અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા. તે પછી થોડાક કલાકોમાં જ તેમને એક વીડિયો આ વોટ્સએપથી મળ્યો. જેમાં તેઓને 25 લાખની લોટરીની લાલચ આપવામાં આવી, ઉપરાંત દુબઈમાં બંગલો અને મોંઘીદાટ કારની લોટરીની લાગી છે તેમ કહેવામાં આવ્યું.

હવે જ્યારે આ ભાઈએ વોટ્સએપ ગ્રુપ પર આવેલી સૂચનાઓને ફોલો કરીને ફ્રોડ કરનારાઓને કોલ કર્યો ત્યારે તેમણે અલગ-અલગ ચાર્જના નામે 29 લાખ ખંખેરી લીધા. આટલા બધા પૈસા ચૂકવી દીધા પછી તેમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જો કે આવું મહદંશ કિસ્સામાં થાય છે અને આવી લોભામણી માહિતી જ્યારે કોઈ પણ વ્યક્તિને મળે છે ત્યારે તે પોતાના સુધી વાત સીમિત રાખીને સામેવાળાની જાળમાં ફસાય છે. પુનાની 41 વર્ષીય એક વ્યક્તિએ પોતાના ઘરનો સોફો વેચવા કાઢ્યો અને તેની જાહેરાત તેણે ‘OLX’ પર મૂકી. ‘OLX’ જૂની-નવી વસ્તુઓ વેચવા માટેનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ જાહેરાત જોઈને એક વ્યક્તિએ સોફા વેચનાર પાર્ટીને ફોન કર્યો. ડિલ નક્કી થઈ અને લેનાર ભાઈએ વેચનારને QR કોડ મોકલી આપ્યો. સામાન્ય રીતે જેને નાણાં ચૂકવવાના થાય તે સામેવાળોનો QR કોડ કે અન્ય વિગત લે પણ અહીં લેનારભાઈએ વેચનારને QR કોડ મોકલ્યો અને સાથે કહ્યું કે QR કોડને સ્કેન કરો જેથી તે સરળતાથી પેમેન્ટ કરી શકે. આમ કર્યા પછી વેચનારભાઈના અકાઉન્ટમાંથી 45,000 વિધડ્રો થયા અને તે પછી બીજા દિવસે 40,000ની રકમ વિધડ્રો થઈ.

આવા તો અનેક અલગ-અલગ કિસ્સા મોજૂદ છે. અમદાવાદમાં હાલમાં રાકેશ શાહ નામના એક બિઝનેસમેને આ રીતે 45 લાખની રકમ ગુમાવી હતી. થયું એમ કે એક દિવસ રાકેશ શાહ પર મિસ્ડ કોલ આવ્યો અને તેમનું સિમ ડિએક્ટિવેટ થઈ ગયું. સિમ ફરી એક્ટિવેટ થાય ત્યાં સુધી 11 વખત ટ્રાન્ઝેક્શન કરીને આ બિઝનેસમેનના ખાતામાંથી 45 લાખની ઉચાપત થઈ. આ દરમિયાન તેઓ મોબાઈલ કંપનીના સ્ટોર પર જઈને પોતાની ફરિયાદ પણ કરી આવ્યા. જો કે તેમ છતાં તેમના ખાતામાંથી નાણાં વિધડ્રો થયા અને આ બધી જ રકમ કાઢતી વખતે ઠગોએ OTP પણ મેળવ્યો હતો.  આ કારણે સાઇબર ક્રાઈમ તપાસ માટે પણ આ ચેલેન્જિંગ છે. સાઇબર ક્રાઈમનું ક્ષેત્ર નિશ્ચિત નથી, તેનો સમય નિશ્ચિત નથી, તેનો ચહેરો કોઈ ઓળખી શકે એમ નથી. તે કઈ ટેક્નોલોજીથી વાર કરશે તે કોઈ કળી શકતું નથી. આમ આપણે ડિજિટલ ક્રાંતિના નામે કેટલા પણ પોરસાઈએ પણ જ્યારે આ રીતે સામાન્ય વ્યક્તિના અકાઉન્ટમાંથી પૈસાની ઉચાપત થાય છે ત્યારે તેને ફરિયાદ ક્યાં કરવી તે સુદ્ધાં ખબર નથી હોતી. અહીંયા સાઇબર ક્રાઈમને લઈને માત્ર ફાઈનાન્શ્યલ પાસાં પર જ વાત કરી છે. આ સિવાય પણ સાઇબર ક્રાઈમનો દાયરો મોટો છે, તેની વાત ફરી ક્યારેક.

Most Popular

To Top