Business

જરાક થાક ખાધો ત્યાં, નિવૃત્તિ આવી દોડતી!


હજુ તો ફાગણ મહિનો ચાલે છે પણ ગરમી તો જો..જાણે વૈશાખનો ધોમધખતો તાપ !’ સવારે દસ વાગે આંગણામાં કપડાં સૂકવતાં ઊર્મિએ કપાળ પરથી દડદડતો પસીનો લૂછયો. કપડાં દોરી પર સૂકવાઈ ગયાં એટલે એ ઘરમાં આવીને પંખો ફુલ કરીને સાડીના પાલવથી પોતાને જ હવા નાંખી. તેના ચહેરા પર રાહતના ભાવ તરી આવ્યા. દસ- પંદર મિનિટ પોરો ખાધો અને પછી ઊર્મિબેન ઊભા થઈ ગયાં. ‘હજુ તો રસોઈ બાકી છે, એમાં ય અયાન ટયુશનથી આવશે તે સાથે જ ભૂખ લાગી ભૂખ લાગીના બૂમબરાડા પાડશે.’ એણે ફટાફટ કૂકર મૂકયું. લોટ બાંધીને શાક સમારવા બેઠાં. કલાકમાં તો રસોઈ તૈયાર થઈ ગઈ. ત્યારે ઘડિયાળમાં પોણા બાર થયા હતા. ‘હજુ અયાનને આવવાની વાર છે તો લાવ જરા TV જોઈ લઉં…’ એમણે TV ચાલુ કર્યું ને શાંતિથી સોફા પર બેઠાં પણ નસીબમાં શાંતિ લખાય હોય તો ને! ડોરબેલ વાગી તો સામે પાડોશી ઊભા હતા.

‘ઊર્મિબેન જરા બે બટાકા હોય તો આપો ને!’ ઊર્મિબેન સ્ટોરરૂમમાંથી બટાકા લઇને આવ્યા પછી બન્નેએ ઊભા ઊભા જ દસ મિનિટ વાતો કરી લીધી. સવારથી ઘરના કામકાજમાં વ્યસ્ત ઊર્મિબેન પાડોશી સાથે વાત કરીને ફ્રેશ થઈ ગયાં. ત્યાં જ અયાન આવ્યો એટલે પછી અયાનમાં એ વ્યસ્ત થઈ ગયાં. સાંજે વહુ – દીકરો ઓફિસથી આવ્યાં ત્યારે ઊર્મિબેન મંદિરે જવા તૈયાર બેઠાં હતાં. હવે એમની ડયુટી પૂરી અને વહુ- દીકરાની ચાલુ. વહુ – દીકરો બન્ને જોબ કરતાં હતાં એટલે ઊર્મિબહેન ઘર સંભાળતાં હતાં. સવારે ચાનાસ્તો વહુ બનાવે અને કપડાં મશીનમાં નાંખીને જાય એટલે ઊર્મિબહેને કપડાં સૂકવી દેવાનાં અને બપોરની રસોઈ બનાવવાની. આમ તો વહુ કહેતી હતી કે રસોઈયણ રાખી લઈએ પણ ઊર્મિબહેન કહેતાં કે જ્યાં સુધી હું કરી શકું છું તો કરું. પછી રસોઈયણ રાખી લઇશું.

સાંજે વહુ–દીકરો ઘર અને અયાનને સંભાળી લેતાં. પાંચ વાગે એટલે ઊર્મિબહેન તૈયાર થઈ જતાં રિક્ષા આવી જતી જે એમને મંદિરે લઇ જાય અને પાછા ઘરે મૂકી જાય. રાતે સાડા સાતે એ ઘરે આવતાં ત્યારે જમવાનું તૈયાર હોય. બધાં એમની રાહ જોઈને બેઠાં હોય. ઊર્મિબેન આવે એટલે બધાં સાથે જમે, દિવસભરની વાતચીત થાય. અયાન રાતે ઊર્મિબેન સાથે સૂતાં સૂતાં વાર્તા સાંભળે. ઊર્મિબેનને રાતે સંતોષની ઊંઘ આવતી. નાનકડો સુખી પરિવાર પણ દરેક ઘરમાં એક કૈકયી હોય છે તેમ ઘણી વાર કૈકયીનો રોલ સમય ભજવે છે. સાંજે રિક્ષામાં દેવદર્શન કરીને ઘરે આવતાં ઊર્મિબેને અકસ્માત થયો. ડ્રાઈવરે ઉતાવળે ઓવરટેક કરવાની લ્હાયમાં રિક્ષા થાંભલા સાથે ભટકાવી. એને કારણે પગમાં ફ્રેક્ચર આવ્યું. મહિનો માસ હાલવાચાલવાની મનાઈ. બે–ચાર દિવસ હોસ્ટિપલમાં રહીને ઘરે આવ્યાં ત્યારે એમણે નવી વ્યવસ્થા જોઈ. રોજ સવારે એક બાઇ સ્પેશ્યલ એમના માટે આવતી. જેથી એમને પ્રાત: ક્રિયા પતાવવામાં મદદ કરે. તેમ જ આખો દિવસ કાંઈ જોઈતું કરાવતું હોય તેમાં મદદ કરે. વળી બપોરની રસોઈ કરવા પણ એક બહેન આવે. જેથી ઊર્મિબેનને કોઈ તકલીફ ન પડે.

દીકરા–વહુએ આવી તકેદારી રાખી તેથી ઊર્મિબેન ગદગદ થઈ ગયાં. આટલાં વર્ષો એમણે દીકરા–વહુની મદદ કરી અને હવે દીકરો- વહુ એમની ફરજ પૂરી કરી રહ્યાં છે એનો આનંદ માણી રહ્યાં. પણ એક વાત નોટિસ એમણે કરી કે બધી સગવડ હોવા છતાં પહેલાંની જેમ એમની સાથે કોઇ સમય વિતાવતું નથી. અયાન સ્કૂલ–૨યુશનમાંથી આવીને કેમ છે દાદી પૂછીને પોતાના રૂમમાં જતો રહે. હમણાં સુધી એમની સાથે સૂતો હતો પણ હવે ઊર્મિબેનને તકલીફ પડે એટલે પોતાના રૂમમાં સૂતો થઈ ગયો. રાતે વાર્તા કહેતાં કહેતાં ઊર્મિબેન પૌત્ર સાથે વહાલની આપલે કરતાં હતાં તે હવે બંધ થઈ ગયું. અયાન સૂતા પહેલાં અચૂક એમને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ કહેવા આવતો પણ એ દૂરથી જ જતો રહેતો.

ઊર્મિબેનને તકલીફ ન પડે એટલે હવે એમને રૂમમાં જ જમવાનું આપી જતાં. રાતે ડાઇનિંગ ટેબલ પર બેસીને થતી અલકમલકની વાતો બંધ થઈ ગઈ. રાતે સૂતા પહેલાં વહુ- દીકરો અચૂક એમની ખબર પૂછી જતાં. બસ દિવસ એમ જ પૂરો થતો. દસ–બાર દિવસમાં તો આ બધી વ્યવસ્થાથી ઊર્મિબેન કંટાળી ગયાં. જાણે પોતે અપાહિજ થઈ ગયાં હોય તેવા વિચાર એમને ઘેરી વળતા. કાલ સુધી એ ઘરની દોરી સમાન હતાં. આજે જાણે ઘરના એક ખૂણામાં ફેંકાય ગયેલાં નકામા સામાન જેવો અહેસાસ એમને થવા લાગ્યો. પહેલીવાર એમાં રાતે સરખી ઊંઘ ન આવી. સવારે એમણે લાકડીની મદદથી મદદ કરવાવાળી બાઈ આવે તે પહેલાં જ નાહવા –ધોવાનું પતાવી દીધું. પછી એમણે ફ્રીજ ખોલીને શાક સમારવા લીધું ત્યાં વહુ દોડતી આવી,’મમ્મી…તમે શું કામ તકલીફ લો છો? બાઈ હમણાં આવશે તે કરશે બધું….નકામાં પડી જશો..કે બીજું કંઈ થશે તો પાછી ઉપાધિ!’

ઊર્મિબેન બોલવા ગયાં, ‘પણ મારો ટાઈમપાસ નથી થતો…’ ત્યાં દીકરો બોલ્યો,’મમ્મી…તું ભજન સાંભળ…વાંચ, ગમતું કર ને…પણ આરામ કર…નહિ તો પછીથી બહુ તકલીફ પડશે…કોણ સેવા કરશે?’ બસ આ વાક્ય સાંભળીને ઊર્મિબેન પાછા પોતાની જગ્યાએ આવી ગયાં. અનેક નકારાત્મક વિચારો ઘેરી વળ્યા. પોતે આજ સુધી ઘર સાચવ્યું.પૌત્રને મોટો કર્યો. એની આટલી જ કિંમત છે? મન દુ:ખી દુ:ખી થઈ ગયું. બસ પોતે ઘર માટે ઉપયોગી બની રહેવું પડે .તો જ એમનું માનસમ્માન છે. બાકી આજે માણસો રાખી લેવાથી બધી સુખસાહેબી મળી જાય છે. કોઈની જરૂર નથી પડતી. આજ સુધી પોતે જે કરતાં હતાં તે ઘરમાં મદદ માટે ન કરતાં હતાં. પોતાને બિઝી રાખવા અને બીજાને પોતે ઉપયોગી છે તેવું દેખાડવા કરતાં હતાં. પોતાના સંતોષ માટે કરતાં હતાં એવું માની લેવાનું?

મહિનો પૂરો થયો એટલે પગનું પ્લાસ્ટર નીકળી ગયું. બે–ત્રણ દિવસમાં ઊર્મિબેન હરતાંફરતાં થઈ ગયાં એટલે એક દિવસ વહુએ કહ્યું, ‘મમ્મી આપણે હવે સવારની રસોયણ બાઈ કાઢી નાંખીએ? પહેલાંની જેમ તમે રસોઈ કરશો?’ ‘જો બેટા…ખોટું ન લગાડતી પણ મારે એક વાત કહેવી છે. હવે અયાન મોટો થઈ ગયો છે. પોતાની દેખભાળ કરી લે છે. આવતી સાલ એ દસમા ધોરણમાં આવશે…એટલે હવે એ નવરો પડવાનો નથી. હવે મારી ઉંમર થઈ….ઘરની જવાબદારી ઓછી છે તો મને થાય છે કે જેમ ચાલે તેમ ચાલવા દો. રસોયણ સારી રસોઈ બનાવે છે. એ આવતી રહે તો મારે જાત્રાએ જવું છે. જે દસ–વીસ વર્ષ જીવવાનું છે તેમાં ફરી લેવું છે….હવે મારે નિવૃત્ત થવું છે!’

Most Popular

To Top